ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકારનો નિર્ણય
યોગી આદિત્યનાથની ફાઇલ તસવીર
આજથી પવિત્ર નવરાત્રિ પર્વ શરૂ થઈ રહ્યું હોવાથી ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારે નવ દિવસ માટે રામનગરી અયોધ્યામાં માંસના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ સિવાય શરાબના વેચાણ પર પણ નિયંત્રણો મૂકી દીધાં છે. આ નિર્ણય ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઍક્ટ, ૨૦૦૬ હેઠળ લેવામાં આવ્યો છે. શાંડિલ્ય નવરાત્રિ પર્વ આજથી શરૂ થઈને ૧૧ ઑક્ટોબર સુધી ચાલશે. હિન્દુઓ માટે શક્તિની ઉપાસનાના આ નવ દિવસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.
આ નિર્ણય હેઠળ શરાબનું વેચાણ પણ માત્ર થોડા કલાકો માટે જ કરવામાં આવશે. ગેરકાયદે શરાબ વેચતા લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. ધાર્મિક સ્થળો પાસે આવેલી દુકાનોને બંધ રાખવામાં આવશે અને તેઓ શરાબનું વેચાણ નહીં કરી શકે. ગુનો કરનારા લોકો સામે સખત પગલાં લેવામાં આવશે. નવરાત્રિથી છઠપૂજા સુધીના તહેવારોમાં પોલીસને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવાની સૂચના આપવામાં આવી છે અને પ્રતિબંધાત્મક પગલાં લેવાની પણ છૂટ અપાઈ છે.
ADVERTISEMENT
ધાર્મિક સ્થળો પર ખાસ બંદોબસ્ત
ઉત્તર પ્રદેશમાં આવેલાં ધાર્મિક સ્થળો જેવાં કે મિર્ઝાપુરમાં મા વિંધ્યવાસિનીધામ, સહારનપુરમાં મા શાકમ્ભરી મંદિર, વારાણસીમાં વિશાલાક્ષી મંદિર અને બલરામપુરમાં મા પાટેશ્વરીધામ મંદિર અને આસપાસના પરિસરમાં વધારાનો પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.