શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદના કેસમાં અદાલતે હિન્દુ પક્ષની અપીલ પર આ આદેશ આપ્યો
ફાઇલ તસવીર
મથુરા : ઉત્તર પ્રદેશના મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદના કેસમાં હિન્દુ પક્ષ માટે ગુડ ન્યુઝ છે. વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદ કેસની જેમ મથુરામાં પણ હવે વિવાદાસ્પદ સ્થળનો સર્વે કરવામાં આવશે. અદાલતે હિન્દુ પક્ષની અપીલ પર આ નિર્ણય કર્યો છે.
મથુરાની અદાલતે શુક્રવારે આ આદેશ આપ્યો હતો. જેની સાથે જ અદાલતે ૨૦મી જાન્યુઆરી સુધી નકશા સહિત વિવાદાસ્પદ સ્થળનો સર્વે રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. સિવિલ જજ સિનિયર ડિવિઝન (તૃતીય) સોનિકા વર્માની અદાલતે આ આદેશ આપ્યો છે. હિન્દુ સેનાના દાવા પર સુનાવણી કરતાં મથુરાની અદાલતે ઈદગાહનો સર્વે કરવાનો આદેશ આપ્યો હતો.
ADVERTISEMENT
દાવો કરનારના ઍડ્વોકેટ શૈલેશ દુબેએ કહ્યું હતું કે આઠમી ડિસેમ્બરે હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તા અને ઉપાધ્યક્ષ સુરજિત સિંહ યાદવે સિવિલ જજ સિનિયર ડિવિઝન (તૃતીય)નાં જજ સોનિકા વર્માની અદાલતમાં દાવો કર્યો હતો કે શ્રીકૃષ્ણ જન્મસ્થાનની ૧૩.૩૭ એકર જમીન પર ઔરંગઝેબ દ્વારા મંદિર તોડીને ઈદગાહ બનાવવામાં આવી હતી. તેમણે ભગવાન શ્રીકૃષ્ણના જન્મથી લઈને મંદિર બનવા સુધીનો સમગ્ર ઇતિહાસ અદાલત સમક્ષ રજૂ કર્યો હતો.
તેમણે ૧૯૬૮માં શ્રીકૃષ્ણ જન્મસ્થાન સેવા સંઘ અને શાહી ઈદગાહ વચ્ચે થયેલી સમજૂતીને પણ અયોગ્ય ગણાવીને એને રદ કરવાની માગણી કરી છે.
શાહી ઈદગાહ મસ્જિદ મથુરા શહેરમાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરની બાજુમાં જ છે. આ સમગ્ર વિવાદ ૧૩.૩૭ એકર જમીનને લઈને છે. જેમાંથી ૧૦.૯ એકર જમીન શ્રીકૃષ્ણ જન્મસ્થાન અને ૨.૫ એકર જમીન શાહી ઈદગાહ મસ્જિદની પાસે છે. ૧૯૬૮ની સમજૂતીમાં મુસ્લિમ પક્ષે મંદિર માટે પોતાના કબજાની થોડીક જગ્યા છોડી હતી અને મુસ્લિમ પક્ષને એના બદલામાં પાસે થોડીક જગ્યા આપવામાં આવી હતી. હવે હિન્દુ પક્ષ સમગ્ર ૧૩.૩૭ એકર જમીન પર કબજાની માગણી કરી રહ્યો છે.
વારાણસીના શ્રૃંગાર ગૌરી-જ્ઞાનવાપી કેસમાં પાંચ મહિલાઓએ અરજી કરી હતી
મથુરા પહેલાં વારાણસીના શ્રૃંગાર ગૌરી જ્ઞાનવાપી કેસમાં અદાલતના આદેશ પર વિવાદાસ્પદ સ્થળનો સર્વે કરવામાં આવ્યો હતો. આ મામલે ૨૦૨૧ની ૧૭ ઑગસ્ટે પાંચ મહિલાઓએ શ્રૃંગાર ગૌરીમાં પૂજા કરવા માટે અરજી કરી હતી.