માર્ચ ૨૦૨૫માં પાંચ ઍસ્ટેરૉઇડ પૃથ્વીની નજીકથી પસાર થશે, વૈજ્ઞાનિકો અલર્ટ
પ્રતીકાત્મક તસવીર
તાજમહેલથી પણ બે ગણો મોટો વિશાળ ઍસ્ટેરૉઇડ ઝડપથી પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે. જો પૃથ્વી સાથે ટકરાઈ જાય તો ભયંકર વિનાશ સર્જી શકે છે. અમેરિકન અવકાશ-સંસ્થા નૅશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડ્મિનિસ્ટ્રેશન (NASA)એ હાલમાં જ આવો જ એક ઍસ્ટેરૉઇડ 2025 DA15 પૃથ્વીની નજીક આવવાની ચેતવણી જાહેર કરી છે. આ ઍસ્ટેરૉઇડ લગભગ ૧૬૫ મીટર પહોળો છે જે તાજમહેલના આકારથી બે ગણો છે. આ ઍસ્ટેરૉઇડ ૨૦૨૫ની ૨૩ માર્ચે ભારતીય સમયાનુસાર રાત્રે ૯.૨૪ વાગ્યે પૃથ્વીની નજીકથી ૭૭,૨૮૨ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પસાર થશે. જોકે એ ૬૪,૮૦,૦૦૦ કિલોમીટરના સુરક્ષિત અંતરથી પસાર થશે. આવી જ રીતે 2025 TN17 નામનો અન્ય એક ઍસ્ટેરૉઇડ ૨૦૨૫ની ૨૬ માર્ચે પૃથ્વીની નજીકથી પસાર થશે. જોકે એ પાંચ મિલ્યન કિલોમીટર દૂર હશે. આ ‘અપોલો’ શ્રેણીનો ઍસ્ટેરૉઇડ છે જેનો મતલબ છે કે એ પૃથ્વીની કક્ષાને પાર કરે છે. NASAના કહેવા અનુસાર માર્ચ ૨૦૨૫માં આવા પાંચ ઍસ્ટેરૉઇડ પૃથ્વીની નજીકથી પસાર થશે. જોકે એનાથી હાલ પૃથ્વી માટે કોઈ સીધો ખતરો નથી, પરંતુ આવા ઍસ્ટેરૉઇડ પર નજર રાખવી જરૂરી છે, કારણ કે એના રસ્તામાં જરા પણ ફેરફાર ભવિષ્યમાં ખતરો ઊભો કરી શકે છે.

