દિલ્હી સરકાર પર આરોપ છે કે વર્ષ 2015માં આમ આદમી પાર્ટીની સરકારે અધિકારીઓની જાસૂસી કરી હતી. આ માટે એક ફીડબેક યુનિટની રચના કરવામાં આવી હતી
ફાઇલ તસવીર
દિલ્હી (Delhi)ના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા (Manish Sisodia) પર પણ જાસૂસીના મામલામાં સકંજો કસવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયે જાસૂસી કેસમાં તેમની સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપી દીધી છે. CBI તેમની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરશે. સિસોદિયા પર ફીડબેક યુનિટ દ્વારા જાસૂસી કરવાનો આરોપ છે. સીબીઆઈએ નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા અને કેટલાક અન્ય અધિકારીઓ સામે કેસ નોંધવા માટે ગૃહ મંત્રાલય પાસે પરવાનગી માગી હતી. મનીષ સિસોદિયા પહેલેથી જ દારૂની નીતિ સંબંધિત કેસમાં ઘેરાયેલા છે.
મામલો શું છે
ADVERTISEMENT
દિલ્હી સરકાર પર આરોપ છે કે વર્ષ 2015માં આમ આદમી પાર્ટીની સરકારે અધિકારીઓની જાસૂસી કરી હતી. આ માટે એક ફીડબેક યુનિટની રચના કરવામાં આવી હતી. CBIનો દાવો છે કે તપાસમાં આ આરોપો સાચા નીકળ્યા છે, તેથી હવે મનીષ સિસોદિયા વિરુદ્ધ કેસ નોંધીને કાર્યવાહી કરવામાં આવશે. સીબીઆઈની તપાસમાં એવું પણ જાણવા મળ્યું હતું કે કેજરીવાલ સરકારે ભાજપના નેતાઓની પણ જાસૂસી કરી હતી.
દિલ્હી સરકારની વિજિલન્સ વિંગના એક અધિકારીએ આ મામલે ફરિયાદ કરી હતી. આ પછી સીબીઆઈએ પ્રાથમિક તપાસ કરી. 2016માં, એજન્સીએ કહ્યું હતું કે FBUએ અનેક રાજકીય વ્યક્તિઓની જાસૂસી કરી હતી. સીબીઆઈએ દાવો કર્યો છે કે આઠ મહિનામાં એફબીયુએ 700થી વધુ લોકોની જાસૂસી કરી હતી. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે FBUની સ્થાપના માટે કોઈ મંજૂરી લેવામાં આવી નથી. તકેદારી વિભાગ બનાવવા માટે તત્કાલિન એલજી નજીબ જંગને ફાઈલ મોકલવામાં આવી હતી, પરંતુ તેમણે તેને ફગાવી દીધી હતી.
સીબીઆઈએ કહ્યું હતું કે ફીડબેક યુનિટની સ્થાપના ગેરકાયદેસર રીતે કરવામાં આવી હતી અને સરકારી તિજોરીમાંથી રૂા. 36 લાખનો ઉપયોગ જાસૂસી માટે કરવામાં આવ્યો હતો. આ સિવાય ભ્રષ્ટાચાર મામલે એકપણ અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવી નથી. આ મામલામાં દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ રાષ્ટ્રપતિને પત્ર લખીને ગૃહ મંત્રાલય દ્વારા સિસોદિયા સામે કેસ ચલાવવાની મંજૂરી માગી હતી.
આ પણ વાંચો: વિદેશપ્રધાન જયશંકરે બીબીસીની ડૉક્યુમેન્ટરીના ટાઇમિંગ સામે સવાલો ઉઠાવ્યા
આ મામલામાં મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે ઘણા મોટા લોકોનું અસ્તિત્વ સીબીઆઈ, ઈડી, પેગાસસ દ્વારા વિપક્ષી નેતાઓ વિરુદ્ધ ષડયંત્ર પર નિર્ભર છે. આટલા મોટા લોકો મારાથી ડરવા લાગ્યા છે તો લાગે છે કે આપણે પણ મોદીના સમકક્ષ બની ગયા છીએ.”