કોંગબામાં કેટલાક લોકોએ કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી આરકે રંજન સિંહ (RK Ranjan Singh)ના ઘરને આગ ચાંપી દીધી હોવાની ઘટના સામે આવી છે. આ બાબતે અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટના બની તે સમયે સદનસીબે કેન્દ્રીય મંત્રી ઘરે હાજર ન હતા.
પ્રતીકાત્મક તસવીર
પૂર્વોત્તરના મણિપુર (Manipur) રાજ્યમાં ફરી એકવાર હિંસાનો માહોલ સર્જાયો છે. તાજેતરમાં જ ઈમ્ફાલ (Imphal)ના કોંગબામાં કેટલાક લોકોએ કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી આરકે રંજન સિંહ (RK Ranjan Singh)ના ઘરને આગ ચાંપી દીધી હોવાની ઘટના સામે આવી છે. આ બાબતે અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટના બની તે સમયે સદનસીબે કેન્દ્રીય મંત્રી ઘરે હાજર ન હતા.
આ ઘટનાના મામલે તેઓએ દુખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “મારા ગૃહ રાજ્યમાં જે થઈ રહ્યું છે તે જોઈને મને ખરેખર ખૂબ જ દુઃખ થયું છે. હું હજુ પણ શાંતિ માટે અપીલ કરવાનું ચાલુ રાખીશ. આવી હિંસા કરનારા લોકો તદ્દન અમાનવીય લોકો છે. હું હાલમાં અધિકારીના કામ માટે કેરળ રાજ્યમાં છું. સદનસીબે ગઈકાલે રાત્રે મારા ઈમ્ફાલના ઘરે કોઈને ઈજા થઈ ન હતી. બદમાશો દ્વારા પેટ્રોલ બોમ્બ લાવવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ મારા ઘરના નીચેના અને પહેલા માળને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.”
ADVERTISEMENT
હાલ મણિપુરની સ્થિતિની વાત કરીએ તો, મણિપુરના 16માંથી 11 જિલ્લામાં કર્ફ્યુ લાગુ છે. જ્યારે ઈન્ટરનેટ સેવાઓ પણ સ્થગિત છે. એક મહિના પહેલા મણિપુરમાં મેઈતી અને કુકી સમુદાયો વચ્ચે હિંસા થઈ હતી. મણિપુરમાં અનુસૂચિત જનજાતિ (ST)ના કહેવાતી મેઇતેઈ સમુદાયની માગના વિરોધમાં 3મેના રોજ આદિવાસી એકતા કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અથડામણો શરૂ થઈ હતી. મળતી માહિતી મુજબ તેમાં 100થી પણ વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઉપરાંત 310 અન્ય લોકો હિંસા દરમ્યાન ઘાયલ થયા હતા. રાજ્યમાં શાંતિ સ્થાપવા માટે સેના અને અર્ધલશ્કરી દળના જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા.
તાજેતરમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Amit Shah) પણ મુખ્ય પ્રધાન એન બિરેન સિંહ તેમ જ અસરગ્રસ્ત જૂથો અને અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બાદ તેમણે લોકોને શાંતિની અપીલ કરતા કહ્યું હતું કે, “હિંસા કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.” સીએમ એન બિરેન સિંહે પણ આ જ વાતને સમર્થન આપ્યું હતું.
ઈમ્ફાલમાં કર્ફ્યુ હોવા છતાં મંત્રીના ઘર સુધી ટોળકી પહોંચી ગઈ હતી. તેટલું જ નહિ પણ મંત્રીના નિવાસસ્થાન પર તૈનાત સુરક્ષાકર્મીઓ જમા થયેલી ભીડ કરતા વધારે હોવા છતાં તેઓ તેઓ પણ થયેલી હિંસાને રોકવામાં નિષ્ફળ રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ગયા મહિને પણ મંત્રી પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મુદ્દે અધિકારીઓએ જણાવ્યા મુજબ કોઈ જાનહાનિના થઈ ન હતી.
નોંધનીય છે કે અગાઉ એક મહિના પહેલા પણ મંત્રી પર આવો જ હુમલો થયો હતો. મે મહિનામાં થયેલા હુમલા દરમિયાન સુરક્ષાકર્મીઓએ ભીડને વિખેરવા હવામાં ગોળીબાર કરવો પડ્યો હતો.