તોફાનીઓએ કુકી સમુદાયના પતિ જ્યારે મૈતેયી સમાજની પત્નીની હૅપી સ્ટોરીને ટ્રૅજિકમાં ફેરવી દીધી, દીકરા સાથે માને જીવતી સળગાવી દેવાઈ
મણિપુરના ઇમ્ફાલમાં શનિવારે રાત્રે મૈતેયી અને કુકી સમુદાય વચ્ચે હિંસાની વિરુદ્ધ માનવ સાંકળ બનાવનારી મહિલાઓ. તસવીર પી.ટી.આઇ.
મણિપુર ત્રીજી મેથી કુકી સમુદાય અને મૈતેયી સમુદાય વચ્ચે હિંસાની આગમાં સળગી રહ્યું છે, જેના લીધે અનેક આંતરસમુદાય કપલ્સ માટે પણ મુશ્કેલી સર્જાઈ છે. આવા કપલ્સ માટે બન્ને સમુદાયના લોકો મુશ્કેલી ઊભી કરી રહ્યા છે. આવી જ એક વ્યક્તિ જોશુઆ છે. તે કુકી સમુદાયનો છે, જ્યારે તેની વાઇફ મીના મૈતેયી સમાજની. તેમણે ઇમ્ફાલમાં તેમના આઠ વર્ષના દીકરાની સાથે સુખી સંસાર રચ્યો હતો. જોકે, જોશુઆના જીવનમાં રિસન્ટલી ઊથલપાથલ મચી ગઈ હતી કે જ્યારે તેના દીકરા અને તેની વાઇફ તેમ જ તેમના બીજા એક ફ્રેન્ડને મારી નાખવામાં આવ્યા હતા.
જોશુઆએ જણાવ્યું હતું કે ‘મારા ગામને સળગાવી નાખવામાં આવ્યું હોવાના કારણે અમે એક કૅમ્પમાં રહેતા હતા. અહીં એક હુમલામાં મારા દીકરાને ગોળી વાગી હતી. મારો દીકરો કૅમ્પમાં હતો. હું પાણી લેવા માટે બહાર નીકળ્યો ત્યારે મેં ઓચિંતા તેના રડવાનો અવાજ સાંભળ્યો, ત્યાં સુધીમાં મારી વાઇફ આવી અને તેણે મને કહ્યું કે અમારા દીકરાને ગોળી વાગી છે. તેને પણ ગોળી વાગી હતી.’ એ દુખદ દિવસને યાદ કરતાં જોશુઆની આંખો ભીની થઈ ગઈ હતી. તેણે કહ્યું હતું કે ‘મારી વાઇફે ખાતરી આપી હતી કે તે મૈતેયી સમુદાયની હોવાના કારણે તે સેફ રહેશે. જે સ્થળે હૉસ્પિટલ છે ત્યાંની આસપાસ મૈતેયી સમુદાયના લોકો રહે છે. હું કૅમ્પમાં હતો. મારી વાઇફ અને દીકરા ઍમ્બ્યુલન્સમાં જવા નીકળ્યાં. ટોળાએ ઍમ્બ્યુલન્સને અટકાવી. તે કરગરી કે તે તેમની જ કમ્યુનિટી છે. એમ છતાં તેમણે તેને, મારા દીકરા અને બીજા એક ફ્રેન્ડને જીવતા સળગાવ્યા.’ જોશુઆએ કહ્યું હતું કે તેના જ્યારે મૅરેજ થયાં હતાં ત્યારે તેણે ક્યારેય કલ્પના નહોતી કરી કે આ પ્રકારની વંશીય હિંસાના કારણે તેણે પરિવાર ગુમાવવો પડશે.