કૉન્ગ્રેસ પર ફરી ફૂટ્યો મણિશંકર ઐયર-બૉમ્બ, કહ્યું...
રાજીવ ગાંધી, મણિશંકર ઐયર
કૉન્ગ્રેસને ફરી એક વાર તેમના જ પીઢ નેતા મણિશંકર ઐયરના નિવેદનના પગલે ડંખ વાગ્યો છે. આ વખતે ઐયરે ભૂતપૂર્વ વડા પ્રધાન દિવંગત રાજીવ ગાંધી વિશે નિવેદન કર્યું છે.
ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (IT) સેલના વડા અમિત માલવિયે એક વિડિયો સોશ્યલ મીડિયામાં શૅર કર્યો છે, જેમાં મણિશંકર ઐયર એક મુલાકાતમાં એમ કહેતા સંભળાઈ રહ્યા છે કે ‘રાજીવ ગાંધી ભણવામાં હોશિયાર નહોતા. તેઓ કેમ્બ્રિજમાં નાપાસ થયા, જ્યાં પાસ થવું સૌથી આસાન માનવામાં આવે છે. આ યુનિવર્સિટી તેના સ્ટુડન્ટ્સને પાસ કરે છે, ફર્સ્ટ ક્લાસ લાવવો આસાન છે. એ પછી તેમણે ઇમ્પીરિયલ કૉલેજ, લંડનમાં ઍડ્મિશન લીધું. ત્યાં પણ તેઓ નાપાસ થયા હતા. વડા પ્રધાન બનવા માટે ક્વૉલિફાઇડ નહોતા. હું એ વાતે હેરાન છું કે આવી વ્યક્તિને કેવી રીતે દેશના વડા પ્રધાન બનાવી દેવામાં આવી, એક પાઇલટને વડા પ્રધાન કેવી રીતે બનાવી દેવામાં આવ્યા હતા.’
ADVERTISEMENT
આ વિડિયો સંદર્ભે અમિત માલવિયે લખ્યું હતું કે ‘રાજીવ ગાંધી ઍકૅડેમિક રીતે સંઘર્ષ કરતા હતા. કેમ્બ્રિજ અને ઇમ્પીરિયલ કૉલેજમાં નાપાસ થયા હતા. છતાં પણ તેમને દેશના વડા પ્રધાન બનાવવામાં આવ્યા હતા. પડદો હટવા દો.’

