મૅન્ગલોર ઑટોરિક્ષા બ્લાસ્ટકેસનો મુખ્ય આરોપી શરીક તેની ખરી ઓળખ છુપાવી હિન્દુ બનીને રહેતો હતો
Mangaluru blast
તસવીર સૌજન્ય મિડ-ડે
નવી દિલ્હી : મૅન્ગલોર ઑટોરિક્ષા બ્લાસ્ટકેસની તપાસ દરમ્યાન વધુ ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ કેસમાં મુખ્ય આરોપી શરીકે તેની ખરી ઓળખ છુપાવવાની અને હિન્દુ બનીને રહેવાની કોશિશ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ આરોપીએ તેના વૉટ્સઍપ-ડિસ્પ્લે પિક્ચર તરીકે કોઇમ્બતુરના સદ્ગુરુ જગ્ગી વાસુદેવના ઈશા ફાઉન્ડેશનના પિક્ચરનો ઉપયોગ કર્યો હતો, જેને લીધે કદાચ ઈશા ફાઉન્ડેશન પર હુમલો કરવાનું શરીકનું કાવતરું હોવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. હિન્દુ બનીને બૉમ્બ પ્લાન્ટ કરીને સાંપ્રદાયિક હિંસા ઉશ્કેરવાનો તેનો ઇરાદો હતો.
નોંધપાત્ર છે કે શરીક શનિવારે એક ઑટોરિક્ષામાં બેઠો હતો અને તે પમ્પવેલ ફ્લાયઓવર પર હુમલો કરવા જઈ રહ્યો હતો ત્યારે એ વાહનમાં જ બ્લાસ્ટ થયો, જેને લીધે તેને અને ડ્રાઇવરને ઈજા થઈ હતી. આરોપી અને ઑટો-ડ્રાઇવર અત્યારે સારવાર લઈ રહ્યા છે.
મૅન્ગલોરના પોલીસકમિશનર એન. શશી કુમારે મીડિયાને જણાવ્યું હતું કે ‘પહેલા જ દિવસે ખ્યાલ આવી ગયો હતો કે તેણે ખોટી ઓળખનો ઉપયોગ કર્યો હતો. તેણે મૂળ હુબલીની એક વ્યક્તિની ઓળખનો ઉપયોગ કર્યો હતો. હવે તેની ઓળખ છતી થઈ ગઈ છે.’