આ કેસમાં દિલ્હી પોલીસે આરોપી શંકર મિશ્રાને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કર્યો હતો
પ્રતીકાત્મક તસવીર
ઍર ઈન્ડિયાની ફ્લાઈટમાં મહિલા સહ-યાત્રી પર કથિત રીતે પેશાબ કરનાર આરોપી શંકર મિશ્રાને પટિયાલા હાઉસ કોર્ટે 14 દિવસ માટે જેલમાં મોકલી આપ્યો છે. આરોપી શંકર મિશ્રાએ ગયા વર્ષે 26 નવેમ્બરે ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી ઍર ઈન્ડિયાની ફ્લાઈટના બિઝનેસ ક્લાસમાં નશાની હાલતમાં એક વૃદ્ધ મહિલા પર કથિત રીતે પેશાબ કર્યો હતો. આ પહેલા દિલ્હી પોલીસને ખબર પડી કે આરોપી શંકર મિશ્રા બેંગલુરુમાં છે, ત્યારબાદ પોલીસ ત્યાં પહોંચી અને આરોપીની ધરપકડ કરી હતી.
આ કેસમાં દિલ્હી પોલીસે આરોપી શંકર મિશ્રાને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાંથી તેને જેલ મોકલી દેવામાં આવ્યો હતો. મહિલાએ ઍર ઈન્ડિયાને આપેલી ફરિયાદના આધારે દિલ્હી પોલીસે 4 જાન્યુઆરીએ મિશ્રા વિરુદ્ધ FIR નોંધી હતી. ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ઍરપોર્ટ) રવિ કુમાર સિંહે કહ્યું કે, “દિલ્હી પોલીસની એક ટીમે IGIA કેસના આરોપી શંકર મિશ્રાની બેંગલુરુથી ધરપકડ કરી છે. તેને દિલ્હી લાવવામાં આવ્યો અને આ મામલે તપાસ ચાલી રહી છે.” બેંગ્લોર પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે “આરોપી બેંગ્લોરના સંજય નગરમાં તેની બહેનના ઘરે રહેતો હતો અને બેંગ્લોર પોલીસે તેની ધરપકડ કરવામાં દિલ્હી પોલીસની મદદ કરી હતી.”
ADVERTISEMENT
બીજી તરફ દિલ્હી પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે શંકર મિશ્રાએ 3 જાન્યુઆરીએ પોતાનો મોબાઈલ ફોન સ્વિચ ઑફ કરી દીધો હતો અને તેનું છેલ્લું લોકેશન બેંગલુરુમાં મળ્યું હતું. તેણે જણાવ્યું કે તે બેંગ્લોરમાં ફરવા માટે ટેક્સી લેતો હતો. તેની મુસાફરીની વિગતો લેવામાં આવી હતી અને તે તેની ઑફિસ સુધી પહોંચવા માટે કયા રૂટનો ઉપયોગ કરે છે તે શોધી કાઢવામાં આવ્યો હતો. તેણે જણાવ્યું કે શંકર મિશ્રાનું લોકેશન શુક્રવારે મોડી રાત્રે મૈસુરમાં મળ્યું હતું. દિલ્હી પોલીસની ટીમ ત્યાં પહોંચી ત્યાં સુધીમાં તે ટેક્સીમાંથી ઉતરી ગયો હતો. ટેક્સી ડ્રાઈવરની પૂછપરછ કરતાં કેટલીક માહિતી હાથમાં આવી.
પોલીસે જણાવ્યું કે “જે જગ્યાએથી શંકર મિશ્રાની ધરપકડ કરવામાં આવી છે, તે ઘણીવાર ત્યાં રહેતો હતો. એફઆઈઆર મુજબ, 26 નવેમ્બરે, AI-102 ફ્લાઈટમાં ભોજન પીરસવામાં આવ્યા બાદ, જ્યારે લાઈટો બંધ કરવામાં આવી હતી, ત્યારે બિઝનેસ ક્લાસની સીટ 8A પર બેઠેલો નશામાં ધૂત પુરુષ પેસેન્જર વૃદ્ધ મહિલાની સીટ પાસે ગયો અને પેશાબ કર્યો. પીડિત મહિલાની ફરિયાદના આધારે ભારતીય દંડ સંહિતાની કલમ 294, 354, 509, 510 અને ઍરક્રાફ્ટ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હી પોલીસે ન્યૂયોર્ક-દિલ્હી ફ્લાઈટના પાઈલટ અને કો-પાઈલટ સહિત ઍર ઈન્ડિયાના કર્મચારીઓને શનિવારે હાજર થવા કહ્યું છે.
આ પણ વાંચો: ઍર ઇન્ડિયાની ફ્લાઇટમાં મહિલા પર પી-પી કરનાર મુંબઈવાસીની નોકરીમાંથી હકાલપટ્ટી
ઉલ્લેખનીય છે કે ટાટા ગ્રૂપની માલિકીની ઍર ઈન્ડિયાના સીઈઓ કેમ્પબેલ વિલ્સને શનિવારે આ ઘટના બદલ માફી માગી હતી અને કહ્યું હતું કે ચાર કેબિન ક્રૂ અને એક પાઈલટને ડિ-રોસ્ટર કરવામાં આવ્યા છે. સાથે જ ફ્લાઇટમાં દારૂ પીરસવાની ઍરલાઈન્સની નીતિની સમીક્ષા કરી રહી છે.