મહાકુંભના અગ્નિતાંડવમાં પ્રશાસને કરી કાબિલેદાદ કામગીરી : નસીબજોગે કોઈ જાનહાનિ નથી થઈ : પાણી અને રેતી નાખીને એક કલાકમાં આગ કાબૂમાં લેવાઈ
મહાકુંભ ડાયરી
ગઈ કાલે મહાકુંભના સેક્ટર-૧૯માં લાગેલી આગને ઓલવી રહેલા ફાયરબ્રિગેડના કર્મચારીઓ.
કી હાઇલાઇટ્સ
- રસોઈ બનાવતી વખતે આગ લાગ્યા બાદ એક પછી એક ૧૯ સિલિન્ડર-બ્લાસ્ટ થયા
- ભારે પવન હોવા છતાં જાનહાનિ વિના એક કલાકમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો
- એક સંન્યાસીના એક લાખ રૂપિયા બળી ગયા
પ્રયાગરાજમાં મહાકુંભમાં ગઈ કાલે સાંજે સાડાચાર વાગ્યે એકાએક સેક્ટર-૧૯માં આગ ફાટી નીકળી હતી અને આશરે ૫૦ ટેન્ટ એમાં બળીને ખાખ થયા હતા. જોકે કોઈ જાનહાનિ થઈ નથી. ટેન્ટમાં ખાવાનું બની રહ્યું હતું ત્યારે સિલિન્ડર-બ્લાસ્ટને કારણે આગ લાગી હતી. એક જાણકારી મુજબ આગ લાગ્યા બાદ ૧૯ સિલિન્ડર બ્લાસ્ટ થયાં હતાં.
વિવેકાનંદ સેવા સમિતિ, વારાણસીના ટેન્ટમાં ભોજન તૈયાર થઈ રહ્યું હતું ત્યારે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. શાસ્ત્રી બ્રિજ પાસે સેક્ટર-૧૯માં આવેલા ગીતા પ્રેસ ગોરખપુરના કૅમ્પમાં પણ આગ લાગી હતી. આગને કારણે આ સંસ્થાને મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. તેમની અસંખ્ય બુક્સ આગમાં નષ્ટ થઈ છે.
ADVERTISEMENT
આગની ખબર મળતાં ૧૫ મિનિટમાં ફાયર-બ્રિગેડની ૨૦ જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર પાણી અને પ્રેશરથી રેતી ફેંકીને એક કલાકની જહેમત બાદ આગને બુઝાવી દીધી હતી.
વડા પ્રધાને યોગીને ફોન કર્યો
આગની ઘટનાની જાણકારી મળતાં જ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તેમણે પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. નરેન્દ્ર મોદીએ પણ યોગી આદિત્યનાથને ફોન કરીને આગની ઘટનાની જાણકારી મેળવી હતી. યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે કુશળ ફાયર-બ્રિગેડની ટીમને કારણે માત્ર એક કલાકમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. કોઈ જાનહાનિ થઈ નથી, પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે.
સંન્યાસીના એક લાખ રૂપિયા બળ્યા
આગને કારણે એક સંન્યાસીએ ટેન્ટમાં પતરાની પેટીમાં રાખેલા એક લાખ રૂપિયા બળી ગયા હતા. પેટીની અંદર ચલણી નોટો હતી જે આગની ઝપેટમાં આવી હતી.
ભારે પવનને કારણે આગ ફેલાઈ
મહાકુંભ-પરિસરમાં ભારે પવન હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. સામાન્ય કરતાં ત્રણ ગણી સ્પીડે પવન ફૂંકાઈ રહ્યો હોવાથી આગ ૧૦૦ ચોરસ મીટર જેટલા પરિસરમાં આવેલા ટેન્ટોમાં પ્રસરી હતી. પહેલાં પચીસ ટેન્ટ બળી જવાની જાણકારી મળી હતી, પણ સૂત્રોએ જણાવ્યું હતું કે ૨૦૦ ટેન્ટ સુધી આગ પ્રસરી હતી.
જોકે ઍડિશનલ ડિરેક્ટર જનરલ ભાનુ ભાસ્કરે જણાવ્યું હતું કે ‘સેક્ટર-૧૯માં બે-ત્રણ ગૅસ-સિલિન્ડર ફાટવાથી આગ લાગી હતી. આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. કોઈ જાનહાનિ થઈ નથી. આગ કેવી રીતે લાગી એની તપાસ કરવામાં આવશે.’
ટ્રેનો રોકવામાં આવી
આગ રેલવે-પુલની પાસે જ લાગી હતી અને એ સમયે એક ટ્રેન ત્યાંથી પસાર થઈ રહી હતી. આગની જ્વાળાઓ ૩૦ ફુટ ઊંચી લપકારા મારતી હોવાથી આ રેલવે-પુલ પરથી ટ્રેનોનું સંચાલન રોકી દેવામાં આવ્યું હતું.
ધુમાડો સર્વત્ર દેખાતો હતો
આગનો ધુમાડો આખા મહાકુંભ-પરિસરમાં દેખાતો હતો. લોકો આ ધુમાડો જોઈને આગ વિકરાળ હોવાનું માનતા હોવાથી અફવાઓનું બજાર ગરમ થયું હતું.