Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મહાકુંભથી જાગ્રત થયેલી આધ્યાત્મિક શક્તિ, રાષ્ટ્રીય ચેતના અને એકતા આવનારી પેઢીઓ સુધી આપણને પ્રેરણા આપતી રહેશે

મહાકુંભથી જાગ્રત થયેલી આધ્યાત્મિક શક્તિ, રાષ્ટ્રીય ચેતના અને એકતા આવનારી પેઢીઓ સુધી આપણને પ્રેરણા આપતી રહેશે

Published : 28 February, 2025 10:15 AM | IST | Prayagraj
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહાકુંભમાં સમાપન પર નરેન્દ્ર મોદીએ વ્યક્ત કરી હદયસ્પર્શી લાગણી; ભક્તિ અને સેવામાં ખામી રહી ગઈ હોય તો મા ગંગા, યમુના, સરસ્વતી અને જનતાની માફી માગી

મહાશિવરાત્રિ નિમિત્તે બુધવારે પ્રયાગરાજમાં મહાકુંભના છેલ્લા દિવસે ઇન્ડિયન અૅર ફોર્સના સુખો​ઈ ફાઇટર જેટ‍્સે આકાશમાં અદ‍્ભુત ત્રિશૂળની રચના કરી હતી.

મહાશિવરાત્રિ નિમિત્તે બુધવારે પ્રયાગરાજમાં મહાકુંભના છેલ્લા દિવસે ઇન્ડિયન અૅર ફોર્સના સુખો​ઈ ફાઇટર જેટ‍્સે આકાશમાં અદ‍્ભુત ત્રિશૂળની રચના કરી હતી.


પવિત્ર નગરી પ્રયાગરાજમાં મહાકુંભ સફળતાપૂર્વક સંપન્ન થયો છે. એકતાનો ભવ્ય મહાયજ્ઞ પૂર્ણ થયો છે. જ્યારે કોઈ રાષ્ટ્રની ચેતના જાગૃત થાય છે, જ્યારે એ સદીઓ જૂની પરાધીનતાની માનસિકતાના બંધનમાંથી મુક્ત થાય છે ત્યારે એ નવી ઊર્જાની તાજી હવામાં મુક્તપણે શ્વાસ લે છે. આનું પરિણામ ૧૩ જાન્યુઆરીથી પ્રયાગરાજમાં એકતાના મહાકુંભમાં જોવા મળ્યું.


૨૦૨૪ની ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા દરમ્યાન મેં દેવભક્તિ અને દેશભક્તિ વિશે વાત કરી હતી. પ્રયાગરાજમાં મહાકુંભ દરમ્યાન દેવી-દેવતાઓ, સંતો, મહિલાઓ, બાળકો, યુવાનો, વૃદ્ધો અને દરેક વર્ગના લોકો એકસાથે આવ્યાં હતાં. આપણે રાષ્ટ્રની જાગૃત ચેતનાના સાક્ષી બન્યા. આ એકતાનો મહાકુંભ હતો, જ્યાં ૧૪૦ કરોડ ભારતીયોની લાગણીઓ આ પવિત્ર અવસર માટે એક જ જગ્યાએ, એક જ સમયે એકઠી થઈ હતી.




વડા પ્રધાન નરેન્દ્ર મોદી

પ્રયાગરાજના આ પવિત્ર ક્ષેત્રમાં એકતા, સદ્ભાવ અને પ્રેમની પવિત્ર ભૂમિ શ્રૃંગવેરપુર છે. જ્યાં પ્રભુ શ્રી રામ અને નિષાદરાજની મુલાકાત થઈ હતી. તેમનું મિલન ભક્તિ અને સદ્ભાવનાના સંગમનું પ્રતીક હતું. આજે પણ પ્રયાગરાજ આપણને એ જ ભાવનાથી પ્રેરિત કરે છે.


૪૫ દિવસ સુધી મેં દેશના ખૂણે-ખૂણેથી કરોડો લોકોને સંગમ તરફ આવતા જોયા. સંગમ પર લાગણીઓની લહેર વધતી રહી. દરેક ભક્ત એક જ હેતુ સાથે આવતો હતો - સંગમમાં ડૂબકી લગાવવી. ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર સંગમે દરેક યાત્રાળુને ઉત્સાહ, ઊર્જા અને આત્મવિશ્વાસથી તરબોળ કરી દીધા હતા.

પ્રયાગરાજમાં યોજાયેલો આ મહાકુંભ આધુનિક મૅનેજમેન્ટ વ્યાવસાયિકો, આયોજન અને નીતિ-નિષ્ણાતો માટે અભ્યાસનો વિષય છે. દુનિયામાં ક્યાંય પણ આ સ્તરનું કોઈ સમાંતર ઉદાહરણ નથી.

દુનિયાએ આશ્ચર્યથી જોયું કે કેવી રીતે પ્રયાગરાજમાં નદીઓના સંગમકિનારે કરોડો લોકો ભેગા થયા હતા. આ લોકોને કોઈ ઔપચારિક આમંત્રણ નહોતું કે ક્યારે જવું એ વિશે કોઈ પૂર્વસૂચના નહોતી. છતાં કરોડો લોકો પોતાની મરજીથી મહાકુંભ જવા રવાના થયા અને પવિત્ર જળમાં ડૂબકી લગાવવાનો આનંદ અનુભવ્યો.

પવિત્ર સ્નાન પછી અપાર આનંદ અને સંતોષ ફેલાવતા ચહેરાઓ હું ભૂલી શકતો નથી. મહિલાઓ, વડીલો, આપણાં દિવ્યાંગ ભાઈઓ અને બહેનો - દરેકે સંગમ સુધી પહોંચવાનો માર્ગ શોધી કાઢ્યો હતો.

ભારતના યુવાનોની જબરદસ્ત ભાગીદારી જોઈને મને ખાસ આનંદ થયો. મહાકુંભમાં યુવા પેઢીની હાજરી એક ખાસ સંદેશ આપે છે કે ભારતના યુવાનો આપણી ભવ્ય સંસ્કૃતિ અને વારસાના પથદર્શક બનશે. તેઓ એને જાળવવા પ્રત્યેની તેમની જવાબદારી સમજે છે અને એને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે.

આ મહાકુંભ માટે પ્રયાગરાજ પહોંચેલા લોકોની સંખ્યાએ નિઃશંકપણે નવા રેકૉર્ડ બનાવ્યા છે, પરંતુ શારીરિક રીતે હાજર રહેલા લોકો ઉપરાંત કરોડો લોકો જે પ્રયાગરાજ પહોંચી શક્યા નહોતા તેઓ પણ આ પ્રસંગ સાથે ભાવનાત્મક રીતે ઊંડાણપૂર્વક જોડાયેલા હતા. યાત્રાળુઓ દ્વારા પરત લાવવામાં આવેલું પવિત્ર જળ લાખો લોકો માટે આધ્યાત્મિક આનંદનો સ્રોત બન્યું. મહાકુંભમાંથી પાછા ફરનારા ઘણા લોકોનું તેમના ગામમાં આદરપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું, સમાજ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું.

છેલ્લાં કેટલાંક અઠવાડિયાંમાં જે બન્યું છે એ અભૂતપૂર્વ છે અને એણે આવનારી સદીઓ માટે પાયો નાખ્યો છે.

પ્રયાગરાજમાં કોઈએ કલ્પના કરી નહોતી એના કરતાં વધુ ભક્તો પહોંચ્યા. વહીવટી તંત્રે કુંભના ભૂતકાળના અનુભવોના આધારે હાજરીનો અંદાજ લગાવ્યો હતો.

આ એકતાના મહાકુંભમાં અમેરિકાની લગભગ બમણી વસ્તીએ ભાગ લીધો હતો.

જો આધ્યાત્મિકતાના વિદ્વાનો કરોડો ભારતીયોની ઉત્સાહી ભાગીદારીનું વિશ્લેષણ કરે તો તેઓ જોશે કે ભારત જે એના વારસા પર ગર્વ કરે છે એ હવે એક નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે. મારું માનવું છે કે આ એક નવા યુગનો ઉદય છે, જે નવા ભારતનું ભવિષ્ય બનાવશે.

મને એ ઘટના યાદ આવે છે જ્યારે શ્રીકૃષ્ણના બાળસ્વરૂપમાં માતા યશોદાને તેમના મુખમાં રહેલા સમગ્ર બ્રહ્માંડની એક ઝલક જોવા મળી હતી. એવી જ રીતે આ મહાકુંભમાં ભારત અને વિશ્વના લોકોએ ભારતની સામૂહિક શક્તિની વિશાળ સંભાવના જોઈ છે. આપણે હવે આ આત્મવિશ્વાસ સાથે આગળ વધવું જોઈએ અને વિકસિત ભારત બનાવવા માટે પોતાને સમર્પિત કરવું જોઈએ.

અગાઉ ભક્તિ-આંદોલનના સંતોએ સમગ્ર ભારતમાં આપણા સામૂહિક સંકલ્પની શક્તિને ઓળખી અને પ્રોત્સાહન આપ્યું હતું. સ્વામી વિવેકાનંદથી લઈને શ્રી અરવિંદ સુધી, દરેક મહાન વિચારકે આપણને આપણા સામૂહિક સંકલ્પની શક્તિની યાદ અપાવી હતી. મહાત્મા ગાંધીએ પણ સ્વતંત્રતા ચળવળ દરમ્યાન એનો અનુભવ કર્યો હતો. સ્વતંત્રતા પછી જો આ સામૂહિક શક્તિને યોગ્ય રીતે ઓળખવામાં આવી હોત અને એનો ઉપયોગ બધાના કલ્યાણ માટે કરવામાં આવ્યો હોત તો એ નવા સ્વતંત્ર રાષ્ટ્ર માટે એક મહાન શક્તિ બની હોત. દુર્ભાગ્યથી એ પહેલાં કરવામાં આવ્યું નહોતું, પરંતુ હવે વિકસિત ભારત માટે લોકોની આ સામૂહિક શક્તિ જે રીતે એકસાથે આવી રહી છે એ જોઈને મને આનંદ થાય છે.

વેદોથી વિવેકાનંદ સુધી, પ્રાચીન શાસ્ત્રોથી આધુનિક ઉપગ્રહો સુધી, ભારતની મહાન પરંપરાઓએ આ રાષ્ટ્રને ઘડ્યું છે. એક નાગરિક તરીકે હું પ્રાર્થના કરું છું કે આપણે આપણા પૂર્વજો અને સંતોની યાદોમાંથી નવી પ્રેરણા મેળવીએ. આ એકતાનો મહાકુંભ આપણને નવા સંકલ્પો સાથે આગળ વધવામાં મદદ કરે. ચાલો, આપણે એકતાને આપણો માર્ગદર્શક સિદ્ધાંત બનાવીએ. ચાલો, આપણે એ સમજ સાથે કાર્ય કરીએ કે રાષ્ટ્રની સેવા એ પરમાત્માની સેવા છે.

કાશીમાં મારા ચૂંટણીપ્રચાર દરમ્યાન મેં કહ્યું હતું કે ‘મા ગંગાએ મને બોલાવ્યો છે.’ આ ફક્ત એક ભાવના જ નહીં પણ આપણી પવિત્ર નદીઓની સ્વચ્છતા પ્રત્યે જવાબદારીનું આહ‌્વાન પણ હતું. પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ પર ઊભા રહીને મારો સંકલ્પ વધુ મજબૂત બન્યો. આપણી નદીઓની સ્વચ્છતા આપણા પોતાના જીવન સાથે ઊંડે સુધી જોડાયેલી છે. આપણી નાની કે મોટી નદીઓને જીવનદાતા માતા તરીકે ઊજવવાની જવાબદારી આપણી છે. આ મહાકુંભ આપણને આપણી નદીઓની સ્વચ્છતા માટે કામ કરતા રહેવાની પ્રેરણા આપે છે.

મને ખબર છે કે આટલા મોટા કાર્યક્રમનું આયોજન કરવું સરળ કાર્ય નહોતું. જો આપણી ભક્તિમાં કોઈ ખામી રહી ગઈ હોય તો હું મા ગંગા, મા યમુના અને મા સરસ્વતીને પ્રાર્થના કરું છું કે તેઓ આપણને માફ કરે. હું જનતા જનાર્દનને દિવ્યતાનું સ્વરૂપ માનું છું. જો તેમની સેવા કરવાના અમારા પ્રયત્નોમાં કોઈ ખામી રહી ગઈ હોય તો હું જનતાની પણ ક્ષમા માગું છું.

કરોડો લોકો ભક્તિની ભાવના સાથે મહાકુંભમાં આવ્યા હતા. તેમની સેવા કરવી એ પણ એક જવાબદારી હતી, જે ભક્તિની ભાવના સાથે નિભાવવામાં આવી હતી. ઉત્તર પ્રદેશના સંસદસભ્ય તરીકે હું ગર્વથી કહી શકું છું કે યોગીજીના નેતૃત્વમાં વહીવટ અને લોકોએ આ એકતાના મહાકુંભને સફળ બનાવવા માટે સાથે મળીને કામ કર્યું. રાજ્ય હોય કે કેન્દ્ર, કોઈ શાસક કે વહીવટકર્તા નહોતા અને એના બદલે દરેક જણ સમર્પિત-સેવક હતા. સ્વચ્છતા-કર્મચારીઓ, પોલીસ, હોડીચાલક, ડ્રાઇવર, ભોજન પીરસનારા - બધાએ અથાક મહેનત કરી. પ્રયાગરાજના લોકોએ ઘણી બધી અસુવિધાઓનો સામનો કરવા છતાં ખુલ્લા દિલે યાત્રાળુઓનું સ્વાગત જે રીતે કર્યું એ ખાસ કરીને પ્રેરણાદાયક હતું. હું તેમનો અને ઉત્તર પ્રદેશના લોકોનો હૃદયપૂર્વક આભાર અને પ્રશંસા વ્યક્ત કરું છું.

મને હંમેશાં આપણા રાષ્ટ્રના ઉજ્જ્વળ ભવિષ્યમાં અતૂટ વિશ્વાસ રહ્યો છે. આ મહાકુંભના સાક્ષી બનવાથી મારી શ્રદ્ધા અનેક ગણી મજબૂત થઈ છે.

જે રીતે ૧૪૦ કરોડ ભારતીયોએ એકતાના મહાકુંભને વૈશ્વિક પ્રસંગમાં ફેરવ્યો એ ખરેખર અદ્ભુત છે. આપણા લોકોનાં સમર્પણ, ભક્તિ અને પ્રયત્નોથી પ્રેરિત થઈને હું ટૂંક સમયમાં શ્રી સોમનાથની મુલાકાત લઈશ જે ૧૨ જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ છે, જેથી હું આ સામૂહિક રાષ્ટ્રીય પ્રયાસોનાં ફળ તેમને અર્પણ કરી શકું અને દરેક ભારતીય માટે પ્રાર્થના કરી શકું.

મહાકુંભનું ભૌતિક સ્વરૂપ ભલે મહાશિવરાત્રિ પર સફળતાપૂર્વક પૂર્ણ થયું હોય, પરંતુ ગંગાના શાશ્વત પ્રવાહની જેમ મહાકુંભથી જાગૃત થયેલી આધ્યાત્મિક શક્તિ, રાષ્ટ્રીય ચેતના અને એકતા આવનારી પેઢીઓ સુધી આપણને પ્રેરણા આપતી રહેશે.

Whatsapp-channel Whatsapp-channel

28 February, 2025 10:15 AM IST | Prayagraj | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK