ઈડીની તપાસમાં બહાર આવ્યું છે કે છત્તીસગઢ પોલીસનો એક એએસઆઇ પૉલિટિશ્યન્સ અને અધિકારીઓને લાંચના રૂપિયા પહોંચાડતો હતો
સૌરભ ચન્દ્રકર (ડાબે) અને રવિ ઉપ્પલ
ઑનલાઇન બેટિંગ-ઍપ મહાદેવ ગેમિંગ બેટિંગ-ઍપ કેસમાં ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ) સતત ઍક્શન લઈ રહી છે. આ પહેલાં અનેક રાજ્યોમાં દરોડા પાડવામાં આવ્યા અને બાદમાં બૉલીવુડના અનેક સ્ટાર્સનાં નામ પણ ઈડીના રડાર પર આવ્યાં હતાં. હવે આ કેસમાં બ્યુરોક્રેટ્સ અને પૉલિટિશ્યન્સનો ટર્ન હોય એમ જણાય છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ અનુસાર મહાદેવ બેટિંગ ઍપ કૌભાંડમાં રૂપિયાની લેવડદેવડની કડીઓમાં દુબઈમાં માલિકો સૌરભ ચન્દ્રકર અને રવિ ઉપ્પલ, છત્તીસગઢના રાયપુરમાં હવાલા ઑપરેટર્સ સુનીલ દામાની, અનિલ દામાની, અસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર ચન્દ્રભૂષણ વર્મા અને આખરે બ્યુરોક્રેટ્સ અને પૉલિટિશ્યન્સ સુધ્ધાં સામેલ છે.
ADVERTISEMENT
દુબઈમાં ૨૫૦ કરોડ રૂપિયાના ખર્ચે થયેલા શાનદાર વેડિંગ બાદથી આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. મની લૉન્ડરિંગની તપાસમાં ઈડી દ્વારા સેલિબ્રિટીને સમન્સ આપવામાં આવ્યા હતા.
શ્રદ્ધા કપૂરને પણ આવ્યું ઈડીનું તેડું
છત્તીસગઢના મહાદેવ બેટિંગ ઍપ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે શ્રદ્ધા કપૂરને પણ સમન્સ મોકલ્યા છે. તેને ગઈ કાલે હાજર રહેવાનું હતું. અગાઉ રણબીર કપૂર, કપિલ શર્મા, હીના ખાન અને હુમા કુરેશીને પણ સમન્સ મોકલવામાં આવ્યા છે. આ ઑનલાઇન બેટિંગ ઍપને લઈને બૉલીવુડની અનેક સેલિબ્રિટીઝ ઈડીના રડાર પર છે. આ કંપનીને સૌરભ ચન્દ્રકર અને રવિ ઉપ્પલ દુબઈથી ઑપરેટ કરે છે, જે નવા યુઝર્સને લાલચ આપીને ફસાવે છે. સાથે જ અસંખ્ય બેનામી બૅન્ક અકાઉન્ટ્સ દ્વારા હવાલાનું ઑપરેશન પણ ચલાવે છે. આ પ્લૅટફૉર્મને પ્રમોટ કરવા માટે સેલિબ્રિટીઝને અઢળક રૂપિયા આપવામાં આવ્યા છે. આ સાથે જ કેટલાક ક્રિકેટર્સ પર પણ ઈડીની નજર છે અને ટૂંક સમયમાં તેમને પણ હાજર રહેવાનાં ફરમાન આવી શકે છે.
417
ઈડીએ ૩૯ લોકેશન્સ પર સર્ચ કર્યા બાદ આ કેસમાં આટલા કરોડ રૂપિયાની સંપત્તિ ફ્રીઝ કરી છે.
શા માટે તપાસ થઈ?
ઈડીને આ સ્કૅમના ઓછામાં ઓછા સાત પીડિતોની ફરિયાદ મળી હતી કે જેમણે તમામે રૂપિયા ગુમાવ્યા હતા. ગોવા, વિશાખાપટ્ટનમ, મુંબઈ અને અમદાવાદ સહિત જુદાં-જુદાં સ્થળોએ ફરિયાદ કરવામાં આવી હતી.
શાનદાર વેડિંગ
સૌરભ ચન્દ્રકરના દુબઈમાં શાનદાર વેડિંગના વિડિયો વાઇરલ થયા છે. ઈડીના સોર્સિસ અનુસાર આ વેડિંગની તમામ જવાબદારી પાર પાડનારી ઇવેન્ટ મૅનેજમેન્ટ કંપનીને ૧૪૨ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા, જેમાં પ્રાઇવેટ જેટ્સનો ખર્ચ પણ સામેલ છે. હોટેલમાં અકોમોડેશનનો ખર્ચ ૪૨ કરોડ રૂપિયા થયો હતો.
પૉલિટિશ્યન્સ સુધી લાંચ પહોંચતી હતી
છત્તીસગઢના સૌરભ ચન્દ્રકર અને રવિ ઉપ્પલ દુબઈથી હવાલા-મની મોકલતા હતા. બાદમાં સુનીલ દામાની અને તેનો ભાઈ અનિલ દામાની ભારતમાં પૉલિટિશ્યન્સ, બ્યુરોક્રેટ્સ અને પોલીસ અધિકારીઓને લાંચ આપવા માટે એ રૂપિયા વહેંચતા હતા. છત્તીસગઢ પોલીસના એએસઆઇ ચન્દ્રભૂષણ વર્મા ફાઇનલી પૉલિટિશ્યન્સ અને અધિકારીઓને લાંચના રૂપિયા પહોંચાડતા હતા.
પહેલાં પોતે ગેમિંગ-ઍપના ભોગ બન્યા અને બાદમાં કૌભાંડી
ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવતો સૌરભ ચન્દ્રકર ૨૦૧૮ સુધી છત્તીસગઢના ભિલાઈમાં મહાદેવ જૂસ-સેન્ટર નામનું એક નાનું જૂસ-સેન્ટર ચલાવતો હતો. એ સમયે તે કેટલીક ઑન લાઇન બેટિંગ-ઍપ્સ પર દાવ લગાવતો હતો અને ૧૦થી ૧૫ લાખ રૂપિયા હારી ગયો હતો. તેનો ફ્રેન્ડ રવિ ઉપ્પલ પણ નાનું-મોટું કામ કરતો હતો. તે પણ કેટલીક ઍપ્સમાં સટ્ટો રમ્યો અને ૧૦ લાખ રૂપિયા કરતાં વધારે રૂપિયા ગુમાવ્યા. બેટિંગ સિન્ડિકેટ દ્વારા વસૂલાતના પ્રેશરને કારણે તેઓ બન્ને ભાગીને દુબઈ જતા રહ્યા હતા. દુબઈમાં કોઈ રીતે મહાદેવ બુક ઍપ નામની બેટિંગ-ઍપ લૉન્ચ કરીને રૂપિયા કમાયા.
મહાદેવ બેટિંગ-ઍપ કૌભાંડ શું છે?
૧) મહાદેવ બેટિંગ-ઍપમાં જુદી-જુદી ગૅમ્સ, લૉટરી અને ચૂંટણીનાં પરિણામોની આગાહી, વેધર અને મૅચ સહિત તમામ બાબતો પર સટ્ટો રમવા માટેનાં ઑપ્શન્સ હતાં. છેલ્લાં ચાર વર્ષથી આ બેટિંગ-ઍપ ચાલતી હતી. અન્ય પૉન્ઝી સ્કીમ્સની જેમ આ ઑનલાઇન ઍપે ઓછી આવક ધરાવતા લોકોને ટાર્ગેટ કર્યા. આ ગેમ્સ, લૉટરી અને સટ્ટાનાં ઑપ્શન્સમાં પ્લેયર્સે હંમેશાં રૂપિયા ગુમાવ્યા અને કંપનીએ જ ફાયદો કર્યો. છેલ્લા કેટલાક મહિનાઓથી પોલીસને આવી બેટિંગ-ઍપ્સ વિરુદ્ધ અનેક ફરિયાદો મળી છે. મોટા ભાગની ઍપ્સમાં આ ઍપ્સના પ્રમોટર્સની સાથે બૉલીવુડના ઍક્ટર્સનું કનેક્શન બહાર આવ્યું છે.
૨) મહાદેવ બેટિંગ-ઍપના માલિકો નવા યુઝર્સને એનરોલ કરવા, આઇડી ક્રીએટ કરવા અને બેનાબી બૅન્ક અકાઉન્ટ્સનાં અનેક લૅયરવાળું જાળું રચીને રૂપિયાની ગેરકાયદે લેવડદેવડ કરતા હતા.
૩) ઈડીની તપાસમાં બહાર આવ્યું છે કે મહાદેવ બૅટિંગ-ઍપની યુનાઇટેડ આરબ અમીરાત્સમાં સેન્ટ્રલ હેડ ઑફિસ છે અને ૮૦-૨૦ પ્રૉફિટ રેશિયો પર તેમના જાણીતા અસોસિએટ્સને ‘પૅનલ/બ્રાન્ચ’ની ફ્રેન્ચાઇઝી આપીને ઑપરેટ કરાતું હતું. તેમની બ્રાન્ચ કૉલ-સેન્ટર્સ ચલાવતી હતી અને મોટી સંખ્યામાં યંગસ્ટર્સને નોકરી આપતી હતી. અકાઉન્ટ્સના કેવાયસી માટે પણ આ યંગસ્ટર્સના ડૉક્યુમેન્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ કૉલ-સેન્ટર્સ વાયા નેધરલૅન્ડ્સ, નેપાલ અને શ્રીલંકા રૂટેડ હતાં. એટલે જુદાં-જુદાં લોકેશન્સ બતાવ્યા કરે. જ્યારે કસ્ટમર કૉલ કરે ત્યારે તેમને એક વૉટ્સઍપ નંબર આપવામાં આવતો હતો. જેની ડીટેઇલ્સ ઇન્ડિયામાં પૅનલ-ઑપરેટર્સને આપવામાં આવતી હતી. આ ઑપરેટર્સ મુખ્યત્વે મુંબઈ અને દિલ્હીમાં હતા. ચારથી પાંચ હજાર આવા પૅનલ ઑપરેટર્સ રાખવામાં આવ્યા હતા. આ ઑપરેટર્સ કસ્ટમર્સની સાથે બૅન્ક-ટ્રાન્ઝૅક્શન્સ સંભાળતા હતા. રૂપિયા ફેક કે ડમી બૅન્ક-અકાઉન્ટ્સથી ડાઇવર્ટ કરવામાં આવતા હતા. આ તમામ રૂપિયાનું ટ્રાન્ઝૅક્શન્સ ગેરકાયદે થતું હતું. કસ્ટમર્સ બૅન્ક-અકાઉન્ટ્સ કે યુપીઆઇથી રૂપિયા ચૂકવતા હતા. એ રૂપિયા પૅનલ ઑપરેટર્સનાં ડમી-અકાઉન્ટ્સમાં જતા હતા. બાદમાં એ રૂપિયા મહાદેવ ઍપના માલિકો પાસે પહોંચતા હતા.
૪) નવા યુઝર્સને ફસાવવા તેમ જ ફ્રેન્ચાઇઝી (પૅનલ) આપવા માટે બેટિંગ વેબસાઇટ્સ પર જાહેરાત માટે ભારતમાં ખૂબ જ ખર્ચ કરવામાં આવ્યો હતો.