ઇન્ટરપોલ દ્વારા ઇશ્યુ કરવામાં આવેલી રેડ કૉર્નર નોટિસના આધારે રવિ ઉપ્પલની અટકાયત કરવામાં આવી
રવિ ઉપ્પલ
નવી દિલ્હી : મહાદેવ બૅટિંગ ઍપ કેસમાં ભારતને ખાસ સફળતા મળી છે. આ ઍપના બે મુખ્ય પ્રમોટર્સમાંથી એક રવિ ઉપ્પલની દુબઈમાં પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ)ની વિનંતીને ધ્યાનમાં રાખીને ઇન્ટરપોલ દ્વારા ઇશ્યુ કરવામાં આવેલી રેડ કૉર્નર નોટિસના આધારે આ અટકાયત કરવામાં આવી હતી. ઉપ્પલની ગયા અઠવાડિયામાં અટકાયત કરવામાં આવી હતી અને ટૂંક સમયમાં તેને ભારતને સોંપવામાં આવે એવી શક્યતા છે. મહાદેવ ઍપ દિવસના ૨૦૦ કરોડ રૂપિયાથી વધારે પ્રૉફિટ કરતી હોવાનું ઈડીએ આ પહેલાં જણાવ્યું હતું. આ કેસને લીધે છત્તીસગઢમાં નવેમ્બરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી વખતે વિવાદ થયો હતો.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે દાવો કર્યો હતો કે આ કેસમાં પકડાયેલા એજન્ટ અસિમ દાસે જણાવ્યું છે કે આ ઍપના પ્રમોટર્સે છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલને ૫૦૮ કરોડ રૂપિયા આપ્યા હતા. જોકે અસિમને કોર્ટમાં હાજર કરાયો ત્યારે તે ફરી ગયો હતો. તેણે કહ્યું હતું કે તેને ફસાવાયો છે. તપાસ દરમ્યાન ઈડીને જણાયું હતું કે ઉપ્પલ વેનઆટુનો પાસપોર્ટ ધરાવે છે અને એનો ઉપયોગ કરીને વિદેશોમાં મુક્તપણે હરેફરે છે. તેણે તેનું ભારતીય નાગરિકત્વ પણ છોડ્યું નથી. તેણે આ પાસપોર્ટનો ઉપયોગ કરીને ઑસ્ટ્રેલિયન વિઝા માટે પણ અપ્લાય કર્યું હતું.
ADVERTISEMENT
આ ઍપના અન્ય પ્રમોટર સૌરભ ચન્દ્રકરને શોધવા માટે ઈડી કોશિશ કરી રહ્યું છે. ફેબ્રુઆરીમાં સૌરભનાં મૅરેજમાં ૨૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. બૉલીવુડની અનેક સેલિબ્રિટીઝે પણ આ મૅરેજ એટેન્ડ કર્યાં હતાં.