Maha Kumbh Mela 2025: યોગી આદિત્યનાથની આગેવાની હેઠળની ઉત્તર પ્રદેશ સરકારે પ્રયાગરાજમાં મહાકુંભ વિસ્તારને એક નવો જિલ્લો ઘોષિત કર્યો છે.
કુંભ મેળાની ફાઇલ તસવીર
બાર વર્ષે એકવાર યોજાનાર મહાકુંભ મેળા (Maha Kumbh Mela 2025)ને લઈને મહત્વના અપડેટ સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે અત્યારે ઉત્તરપ્રદેશમાં મહાકુંભ મેળાને લઈને તૈયારીઓએ જોર પકડયું છે. આ વર્ષે તો અત્યાધુનિક સુવિધાઓથી કુંભમેળાને ચાર ચાંદ લાગવાના છે ત્યારે હવે મહાકુંભ મેળા માટે એક આખા જિલ્લાને સ્વતંત્ર ઓળખ આપવામાં આવી છે.
હવે જ્યારે બે મહિનાનો સમય છે ત્યારે ઉત્તરપ્રદેશની સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની આગેવાની હેઠળની ઉત્તર પ્રદેશ સરકારે પ્રયાગરાજમાં મહાકુંભ વિસ્તારને એક સેપરેટ જિલ્લા તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
આ વર્ષે મહાકુંભ મેળા (Maha Kumbh Mela 2025)નું આયોજન 13 જાન્યુઆરીથી શરૂ થશે. જે 26 ફેબ્રુઆરી 2025 સુધી ચાલશે. પ્રયાગરાજમાં દર 12 વર્ષે એકવાર આ ભવ્ય મહાકુંભ મેળાનું આયોજન થતું આવ્યું છે. આ કુંભ મેળો પોતાની આગવી ઓળખ ધરાવે છે. આ રીતે મહાકુંભ તરીકે જિલ્લો બન્યો છે ત્યારે કુંભ મેળાને આગવી ઓળખ અને સન્માન પ્રાપ્ત થયું છે. આખા આ આયોજનને સુચારુ પાર પાડવા વહીવટી કામગીરીને ભાગરૂપે આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ વિષે જે સત્તાવાર નિવેદન સામે આવ્યું છે તેની વાત કરવામાં આવે તો તેમાં જણાવાયું છે કે, "હું, રવિન્દ્ર કુમાર મંડાડ, જિલ્લા મેજિસ્ટ્રેટ, ઉત્તર પ્રદેશની કલમ 2જી હેઠળ આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને તારીખ 25.11.2024ના સરકારના પત્ર નંબર-3966/9-1-2024-408057માં આપવામાં આવેલી સૂચનાઓને અનુસરીને પ્રયાગરાજ મેળા ઓથોરિટી, પ્રયાગરાજ અધિનિયમ, 2017 જારી કરે છે કે મહાકુંભ 2025ના આયોજન માટે મહાકુંભ મેળા જિલ્લાની સીમાઓ નીચે મુજબ હશે અને પરિશિષ્ટ-1માં વર્ણવેલ સમગ્ર પરેડ વિસ્તારનો સમાવેશ થશે”
દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાકુંભ મેળા (Maha Kumbh Mela 2025)માં દેશ-વિદેશથી લાખોની સંખ્યામાં ભક્તો, સાધુ-સંતો અને તપસ્વીઓ ઊમટશે. ખૂબ જ મોટી સંખ્યામાં જ્યારે સહુ અહીં આવતાં હોય છે ત્યારે વહીવટીતંત્રને આ સમયગાળા દરમિયાન આ વિસ્તારના સંચાલન માટે ઘણી જ મહેનત કરવી પડતી હોય છે. હવે આ બાબતને કેન્દ્રમાં રાખીને મહાકુંભને એક સ્વતંત્ર જિલ્લા તરીકે ઓળખ આપવાની જોગવાઈ કરવામાં આવી છે.
કેટલા તાલુકાના ગામડાઓ આવશે આ નવાં જિલ્લામાં?
હવે જ્યારે મહાકુંભ (Maha Kumbh Mela 2025) એક સ્વતંત્ર જિલ્લા તરીકે ઓળખાશે ત્યારે જોઈએ કે આમાં કેટલા તાલુકા આવરી લેવામાં આવ્યા છે, આમાં મુખ્યત્વે ચાર તાલુકા વિસ્તારના 67 ગામડાઓને આવરી લેવામાં આવ્યા છે. આટલા ગામડાઓને આવરી લઈને નવાં જિલ્લાની રચના કરવામાં આવી છે. આ અસ્થાયી જિલ્લામાં વહીવટ સામાન્ય જિલ્લાઓની જેમ જ કાર્ય કરશે. મજબૂત કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે નવા જિલ્લામાં અસ્થાયી ધોરણે પોલીસ સ્ટેશનો અને ચોકીઓની સ્થાપના પણ કરવામાં આવશે.