મહાકુંભમાં ધૂણી ધખાવી રહેલા સૌથી નાની ઉંમરના નાગા સાધુની ઉંમર છે ૮ વર્ષ, ૩ વર્ષની ઉંમરે લીધી હતી દીક્ષા
બાળ નાગા સાધુ ગોપાલ ગિરિ
પ્રયાગરાજમાં બાળ નાગા સાધુ ગોપાલ ગિરિ હાલમાં ભારે ચર્ચામાં છે, કારણ કે તેઓ માત્ર ૮ વર્ષના છે અને ૩ વર્ષના હતા ત્યારે તેમનાં મમ્મી-પપ્પાએ તેમને ગુરુને સોંપી દીધા હતા. છેલ્લાં પાંચ વર્ષથી તેઓ અખાડામાં શસ્ત્ર અને શાસ્ત્રનું શિક્ષણ લઈ રહ્યા છે. મહાકુંભમાં હજારોની સંખ્યામાં નાગા સાધુઓ પહોંચ્યા છે.
સામાન્ય રીતે ૧૦થી ૧૨ વર્ષની ઉંમર સુધી બાળકો રમકડાંથી રમતાં હોય છે, પણ આ ઉંમરના ઘણા લોકો સાધુ બની જાય છે. નાગા સાધુ ગોપાલ ગિરિનો સંન્યાસી બનવાનો પ્રસંગ પણ ચોંકાવનારો છે. તેઓ ત્રણ વર્ષના હતા ત્યારે સાધુ બની ગયા હતા અને એ ઉંમરે
ADVERTISEMENT
પોતાનાં વસ્ત્રો ત્યાગી દઈને ગુરુના સાંનિધ્યમાં નાગા સંન્યાસી બની ગયા હતા. રમકડાં રમવાની ઉંમરમાં તેમને રમકડાંના નામથી ચીડ ચડતી હતી. તન પર ભભૂત અને હાથમાં ચાપર લઈને ગોપાલ ગિરિ આખો દિવસ ભજન-કીર્તનમાં રમમાણ રહે છે. મહાકુંભમાં તેઓ પોતાના ગુરુ સાથે આવ્યા છે.મૂળ હિમાચલ પ્રદેશના સાધુ ગોપાલ ગિરિ મૂળ હિમાચલ પ્રદેશના ચંબાના વતની છે. તેમના ગુરુભાઈઓ જણાવે છે કે તેમને મમ્મી-પપ્પાએ દક્ષિણાના રૂપમાં માત્ર ત્રણ વર્ષની ઉંમરે ગુરુજીને સોંપી દીધા હતા. એ દિવસે તેમના ગુરુએ તેમને વિધિવિધાનથી દીક્ષા આપી હતી અને ત્યારથી તેઓ ભગવાન ભોલેનાથની સેવામાં રત છે. ગોપાલ ગિરિ તેમની ઉંમર બતાવતી વખતે શરમાઈ જાય છે, પણ તેમના ગુરુભાઈઓ જણાવે છે કે તેઓ આઠ વર્ષના થઈ ચૂક્યા છે.
શસ્ત્ર અને શાસ્ત્રની ટ્રેઇનિંગ
ગોપાલ ગિરિ છેલ્લાં પાંચ વર્ષથી આશ્રમમાં રહે છે અને આ સમયમાં તેઓ જપ, તપ, સાધના અને અનુષ્ઠાન શીખી રહ્યા છે. આ સિવાય તેઓ આશ્રમમાં રહીને શસ્ત્ર અને શાસ્ત્રની ટ્રેઇનિંગ પણ લે છે.
અનુશાસનમાં રહે છે
ગોપાલ ગિરિને અહીંતહીંની વાત કરવાનું પસંદ નથી. તેઓ ઘણા જ અનુશાસનમાં રહે છે અને શરીર પર માત્ર અભિમંત્રિત ભભૂતિ લગાવીને આખો દિવસ ધૂણીની સામે બેસી રહે છે અને સાધના કરે છે.
અખાડામાં મહિલાઓની એન્ટ્રી પર આક્રોશ
આ નાગા સાધુઓ દિવસ-રાત સંગમની રેતી પર ધૂણી ધખાવેલા નજરે પડે છે. ખુદ નાગા સાધુ ગોપાલ ગિરિ પણ કહે છે કે અહીં આખો દિવસ અમારો ભંડારો ચાલે છે અને ખાવું, પીવું અને ભજન કરવું એ જ અમારું કામ છે. વાત-વાત પર ગુસ્સો જાહેર કરનારા ગોપાલ ગિરિ અખાડામાં મહિલાઓની એન્ટ્રી પર આક્રોશ વ્યક્ત કરે છે અને નારાજ થાય છે. તેઓ નથી ઇચ્છતા કે કોઈ તેમની સાધનામાં અડચણરૂપ બને. હાથમાં હંમેશાં ચાપર ધારણ કરનારા આ નાગા સાધુના કહેવા મુજબ હથિયાર ધર્મની રક્ષા કરવા માટે હોય છે.
અશ્વો પર આગમન
૧૩ જાન્યુઆરીથી શરૂ થતા મહાકુંભમાં ભાગ લેવા ગઈ કાલે શ્રી શંભુ પંચાયતી અટલ અખાડાના સાધુઓએ પ્રયાગરાજમાં અશ્વો પર સવાર થઈને આગમન કર્યું હતું.