મૌની અમાવસ્યા પહેલાં ૧૭ કરોડ લોકોએ કર્યું મહાકુંભમાં સ્નાન
ગઈ કાલે મહાકુંભમાં સંગમ તટ પર ખુલ્લામાં આરામ ફરમાવતા શ્રદ્ધાળુઓ.
આજે મૌની અમાવસ્યાના મહાસ્નાનના પગલે પ્રયાગરાજમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ થઈ છે અને આશરે ૧૦ કરોડ લોકો મહાકુંભમાં સ્નાન કરે એવી શક્યતા છે. આજે ત્રિવેણી સંગમમાં ૧૦ કલાક માટે ૧૩ અખાડાના સાધુ-સંતો સ્નાન કરવાના છે અને પહેલું સ્નાન ૫.૧૫ વાગ્યે શરૂ થશે. સાધુ-સંતોનું છેલ્લું સ્નાન બપોરે ૨.૪૦ વાગ્યે શરૂ થશે.
એ પહેલાં સોમવારની VIP મૂવમેન્ટને કારણે મહાકુંભમાં આવેલા શ્રદ્ધાળુઓ ભારે હેરાન થઈ ગયા હતા. આ સંદર્ભના ઘણાબધા વિડિયો પણ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા હતા. સંગમ તરફ જતા રસ્તા VIP મૂવમેન્ટ માટે બંધ કરવામાં આવવાથી લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. વિડિયોમાં દેખાતું હતું કે એક તરફ ભારે ભીડ છે અને રસ્તાનો બીજો હિસ્સો VIP મૂવમેન્ટ માટે સાવ ખાલીખમ છે.
ADVERTISEMENT
સંસદસભ્ય અરુણ ગોવિલે સોમવારે પત્ની સાથે સંગમસ્નાન કર્યું હતું અને ઇસ્કૉનના ભંડારામાં મહાપ્રસાદનું વિતરણ કર્યું હતું.
આ મુદ્દે સમાજવાદી પાર્ટીના ચીફ અખિલેશ યાદવે પ્રશાસનની ટીકા કરી હતી અને VIP કલ્ચર સામે બળાપો વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આ પ્રસંગે સામાન્ય માનવીઓને વધારે પ્રાધાન્ય આપવામાં આવવું જોઈએ, દૂર-દૂરથી આવતા ભાવિકોને સારી સુવિધાઓ પૂરી પાડવી જોઈએ.
મૌની અમાવસ્યાના કારણે ૩૦ જાન્યુઆરી સુધી મહાકુંભ વિસ્તારને નો વેહિકલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. ૫૦ હજાર પોલીસો ખડેપગે સેવામાં છે. ૨૭૫૦ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) યુક્ત CCTV (ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન) કૅમેરા લગાવવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસ ઉપરાંત સેના અને સ્પેશ્યલ કમાન્ડો પણ તહેનાત કરવામાં આવ્યા છે.
મૌની અમાવસ્યાના પગલે ભારે ભીડના કારણે પ્રયાગરાજમાં ૩૦ જાન્યુઆરી સુધી સ્કૂલો અને જુનિયર કૉલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. પ્રયાગરાજમાં હાઈ કોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, સેન્ટ્રલ ઍડ્મિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ (CAT)માં પણ ગુરુવાર સુધી રજા જાહેર કરવામાં આવી છે.
બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ વિદેશી સંતો-ભક્તો સાથે સંગમસ્નાન કર્યું હતું.
ઉતાવળ ન કરશો, ૮ ફેબ્રુઆરી સુધી અમૃત સ્નાનનું પુણ્ય મળશે
મૌની અમાવસ્યા પર આ વખતે સમુદ્રમંથન તુલ્ય યોગ બની રહ્યો છે તેથી જ્યોતિષાચાર્યોએ જણાવ્યું છે કે ૮ ફેબ્રુઆરી સુધી મહાકુંભમાં સ્નાન કરવાથી અમૃત સ્નાન જેટલું પુણ્ય મળશે. આજથી ૮ ફેબ્રુઆરીની સવાર સુધીમાં ગમે તે સમયે સ્નાન કરવાથી આવું પુણ્ય મળશે. ૧૪૪ વર્ષ બાદ આવો યોગ રચાયો છે. કોઈ પણ ઘાટ પર સ્નાન કરવાથી અમૃત સ્નાનનું પુણ્ય મળશે.
આજે પુષ્પવર્ષા
મૌની અમાવસ્યા નિમિત્તે આજે સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ પર હેલિકૉપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવશે.
૧૭ કરોડ લોકોએ કર્યું સ્નાન
મંગળવારે બપોર સુધીમાં આશરે ૧૭ કરોડ લોકોએ મહાકુંભમાં સ્નાન કર્યું હોવાનું જણાવવામાં આવ્યું છે. ગઈ કાલે એક જ દિવસમાં બપોર સુધીમાં ૨.૩૯ કરોડ લોકોએ સ્નાન કર્યું હતું.

