મધ્ય પ્રદેશમાં માનવજાતને શરમાવનારો કિસ્સો બહાર આવ્યો : ત્યાર બાદ તેને નગ્નાવસ્થામાં બાઇક પર બેસાડીને નજીકમાં આવેલા એક ડૅમ પાસે તરછોડી દેવામાં આવી : પાડોશી સાથે રિલેશન હોવાની શંકાના આધારે સાસરિયાંએ કર્યું અમાનવીય કૃત્ય
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લામાંથી એક શૉકિંગ ઘટના પ્રકાશમાં આવી છે. એમાં ૩૨ વર્ષની પરિણીત મહિલાને તેનાં પતિ અને સાસુએ નગ્ન કરીને તેના પ્રાઇવેટ પાર્ટમાં લોખંડનો ગરમ સળિયો અને મરચાંનો પાઉડર નાખ્યાં હતાં. આવા અમાનવીય કૃત્ય બદલ પોલીસે મહિલાનાં પતિ, નણંદ, સાસુ અને સસરા સામે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.
આ ઘટનામાં બન્યું એવું હતું કે આ મહિલા અને તેની નણંદ ઘરમાં એકલાં હતાં ત્યારે તેમની બાજુમાં રહેતો પુરુષ સ્ટીમ મશીન લેવાના બહાને તેમના ઘરમાં આવ્યો હતો. પીડિત મહિલા એ લેવા માટે અંદરની રૂમમાં ગઈ ત્યારે પેલો પુરુષ તેની પાછળ રૂમમાં ગયો હતો અને તેની સાથે જબરદસ્તી કરવાની કોશિશ કરી હતી, પણ મહિલાની નણંદ ઘરમાં હોવાથી તેણે ભાભીને બચાવી લીધી હતી.
ADVERTISEMENT
જોકે તેના પતિનું માનવું હતું કે પાડોશી અને તેની પત્ની રિલેશનશિપમાં છે અને આ ઘટનાને લીધે તેમના પરિવારે અપમાનનો સામનો કરવો પડ્યો છે. આ વાત તેમના મગજમાં મહિલાની નણંદે ભરાવી હતી. છેક હવે બહાર આવેલી ૧૩ ડિસેમ્બરની આ ઘટનાની રાત્રે મહિલાનાં સાસરિયાંએ તેના પર અકલ્પનીય અત્યાચાર કર્યો હતો. મહિલાને નગ્ન કરીને સસરાએ તેના પ્રાઇવેટ પાર્ટમાં મરચાંની ભૂકી ઘસી હતી, જ્યારે સાસુએ લોખંડના ગરમ સળિયાથી તેના પ્રાઇવેટ પાર્ટ પર ડામ આપ્યા હતા. આવા અમાનવીય કૃત્યને લીધે મહિલા બેભાન થઈ ગઈ હતી. જોકે તે ભાનમાં આવ્યા બાદ નગ્ન અવસ્થામાં જ જબરદસ્તી તેને બાઇક પર બેસાડીને પતિ અને સસરા ગુનાના ગોપીસાગર ડૅમ પાસે તરછોડી આવ્યા હતા. આ તો ત્યાંથી પસાર થતા એક જણે મહિલાને જોઈને પોલીસને બોલાવ્યા બાદ આખો મામલો બહાર આવ્યો હતો.