રાજ્યના ગૃહપ્રધાન નરોત્તમ મિશ્રાએ કહ્યું હતું કે સ્થાનિક લોકો સાથે મળીને ઇમર્જન્સી સર્વિસિસ દ્વારા રેસ્ક્યુ ઑપરેશન પાર પાડવામાં આવ્યું હતું.
મધ્ય પ્રદેશના ખરગોન જિલ્લામાં ગઈ કાલે બ્રિજ પરથી બસ પડી ગયા બાદ અકસ્માતના સ્થળે એકઠા થયેલા સ્થાનિક લોકો. તસવીર પી.ટી.આઇ.
મધ્ય પ્રદેશના ખરગોનમાં ગઈ કાલે એક બસ બ્રિજ પરથી પડી જવાથી ઓછામાં ઓછા ૨૫ જણનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે અન્ય અનેકને ઈજા થઈ હતી. મૃત્યુ પામનારાઓમાં ત્રણ બાળક અને નવ મહિલા પણ સામેલ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રાથમિક જાણકારી અનુસાર એમ જણાય છે કે ડ્રાઇવરને ઝોકું આવી ગયું હશે અને એટલે બસે બૅલૅન્સ ગુમાવ્યું હશે.
આ બસમાં ૫૦થી વધુ લોકો હતા. આ બસ ઇન્દોર જઈ રહી હતી ત્યારે એ ડોંગરગાંવ અને દસંગાની વચ્ચે બોરાડ નદીના પુલની રેલિંગ તોડીને પડી ગઈ હતી. રાજ્યના ગૃહપ્રધાન નરોત્તમ મિશ્રાએ કહ્યું હતું કે સ્થાનિક લોકો સાથે મળીને ઇમર્જન્સી સર્વિસિસ દ્વારા રેસ્ક્યુ ઑપરેશન પાર પાડવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે આ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારને ચાર લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી. એ ઉપરાંત ‘ગંભીર રીતે’ ઈજાગ્રસ્તોને ૫૦,૦૦૦ રૂપિયા, જ્યારે સામાન્ય ઈજા થઈ હોય એવા લોકોને ૨૫,૦૦૦ રૂપિયાનું વળતર આપવામાં આવશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઑફિસે પણ ગઈ કાલે આ અકસ્માતમાં મૃત્યુ પામનારા તમામના પરિવારને બે લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી.