ગયા વર્ષે અમ્રિતસર સેક્ટર બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (બીએસએફ)ના જવાનો દ્વારા તોડી પાડવામાં આવેલું ડ્રોન પહેલાં ચીન અને ત્યાર બાદ પાકિસ્તાનમાં ઊડ્યું હતું.
અમ્રિતસરમાં બીએસએફના જવાનોએ તોડી પાડેલું ડ્રોન ‘મેડ ઇન ચાઇના’
જમ્મુ ઃ ગયા વર્ષે અમ્રિતસર સેક્ટર બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (બીએસએફ)ના જવાનો દ્વારા તોડી પાડવામાં આવેલું ડ્રોન પહેલાં ચીન અને ત્યાર બાદ પાકિસ્તાનમાં ઊડ્યું હતું. સરહદી રાજ્ય પંજાબમાં સમસ્યા પેદા કરવા માટે એને મોકલવામાં આવ્યું હતું. ફૉરેન્સિક રિપોર્ટ મુજબ આ ડ્રોન ચીનનું હતું, જેને રાજાતલ બૉર્ડર આઉટપોસ્ટ નજીક તહેનાત જવાનોએ તોડી પાડ્યું હતું. એ અગાઉ ચીન અને ત્યાર બાદ પાકિસ્તાનમાં પણ ઉડાવવામાં આવ્યું હતું. આ ડ્રોન ભારતમાં શસ્ત્રો, વિસ્ફોટક અને માદક પદાર્થો લઈને ઘૂસ્યું હતું.
ગયા વર્ષે પચીસમી ડિસેમ્બરે તોડી પાડવામાં આવેલું ડ્રોન ચીનના ફેન્ગ ઝિયાન જિલ્લામાં ૨૦૨૨ની ૧૧ જૂને તેમ જ પાકિસ્તાનના ખાનેવાલ વિસ્તારમાં ૨૦૨૨ની ૨૪ સપ્ટેમ્બરે અને ૨૫ ડિસેમ્બરે ઊડ્યું હતું. ૨૫ ડિસેમ્બરે તે શસ્ત્રો અને વિસ્ફોટક ફેંકવા માટે અમ્રિતસર પર ઊડ્યું હતું ત્યારે એને બીએસએફના જવાનોએ હવામાં ફાયરિંગ કરીને તોડી પાડ્યું હતું. ડ્રોનનું ફૉરેન્સિક ઍનૅલિસિસ કરતાં ચીન અને પાકિસ્તાનની સાઠગાંઠ ખુલ્લી થઈ ગઈ હતી. બીએસએફ દ્વારા તોડી પાડવામાં આવેલ ડ્રોનનું નિર્માણ ચીનમાં અને એની બૅટરી કરાચીમાં બનાવવામાં આવી હતી.