વડા પ્રધાને પીએમ સમ્માન નિધિ યોજનાનો ૧૭મો હપ્તો રિલીઝ કરીને દેશના ૯.૨૬ કરોડ ખેડૂતોને ૨૦,૦૦૦ કરોડ રૂપિયા આપ્યા
ગઈ કાલે વારાણસીમાં દશાશ્વમેધ ઘાટ પર ગંગાપૂજન કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ.
દેશના ત્રીજી વાર વડા પ્રધાન બન્યા બાદ ગઈ કાલે પહેલી વાર પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી ગયેલા નરેન્દ્ર મોદીએ સૌથી પહેલાં પોતાના મતક્ષેત્રના લોકોનો આભાર માન્યો હતો જેમાં તેમણે ખેડૂતોનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. ત્યાર બાદ વારાણસીની સ્થાનિક ભાષામાં તેમણે પોતાના સંબોધનની શરૂઆત કરતાં કહ્યું હતું કે ‘ચૂંટણી જીત્યા બાદ આજે હું પહેલી વાર બનારસ આવ્યો હોવાથી કાશીની જનતાને મારા પ્રણામ. કાશીના લોકોને લીધે હું ધન્ય થઈ ગયો. આજે સૂર્યદેવતા પણ થોડી ઠંડક વરસાવવા લાગ્યા છે. મને એવું લાગે છે કે મા ગંગા દેવીએ મને દત્તક લઈ લીધો છે અને હવે હું અહીંનો થઈ ગયો છું.’
વડા પ્રધાને વારાણસીથી પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો ૧૭મો હપ્તો રિલીઝ કર્યો હતો જેમાં દેશના ૯.૨૬ કરોડથી વધારે ખેડૂતોને ૨૦,૦૦૦ કરોડથી વધારે રૂપિયા મળશે. આ સિવાય નરેન્દ્ર મોદીએ ૩૦,૦૦૦ કૃષિ સખીઓને પ્રમાણપત્ર પણ આપ્યા હતા.
ADVERTISEMENT
આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, કેન્દ્રના કૃષિપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ, ઉત્તર પ્રદેશનાં ગવર્નર આનંદીબહેન પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યાં હતાં.