આલીશાન રિસૉર્ટ, બે કિલો સોનું, ૧૩.૭૦ કિલો ચાંદી, ૪ લક્ઝરી કાર, અનેક પ્લૉટ અને ૧૦૦ દારૂની બૉટલ
જયમલ સિંહ રાઠોડ
રાજસ્થાનમાં ઍન્ટિ કરપ્શન બ્યુરો (ACB)ના અધિકારીઓએ ખાધ અને આપૂર્તિ વિભાગના ડિવિઝનલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઑફિસર (DSO) જયમલ સિંહ રાઠોડના ઉદયપુરમાં ચાર ઠેકાણાં પર પાડેલા દરોડામાં બેહિસાબ સંપત્તિ મળી આવી છે. એમાં આલીશાન રિસૉર્ટ, બે કિલો સોનું, ૧૩.૭૦ કિલોગ્રામ ચાંદીનાં ઘરેણાં, ચાર લક્ઝરી કાર અને અનેક સંપત્તિના દસ્તાવેજનો સમાવેશ છે. તેની સામે આવક કરતાં વધારે સંપત્તિનો કેસ નોંધવામાં આવ્યો છે. આ તમામ સંપત્તિ ભ્રષ્ટાચાર દ્વારા મેળવવામાં આવી હોવાનો આરોપ છે.
અજાણી વ્યક્તિએ કરી ફરિયાદ
ADVERTISEMENT
આ સંદર્ભમાં ACBના ડિરેક્ટર જનરલ ડૉ. રવિ પ્રકાશ મેહરડાએ કહ્યું હતું કે એક અજાણી વ્યક્તિએ પત્ર લખીને ફરિયાદ કર્યા બાદ તેની સામે તપાસ હાથ ધરવામાં આવી હતી. પત્રમાં આરોપ હતો કે જયમલ સિંહે ભ્રષ્ટાચાર દ્વારા આ સંપત્તિ મેળવી છે અને તેના પરિવારજનોના નામે પ્રૉપર્ટી ખરીદવામાં આવી છે. ACBના અધિકારીઓએ ગુપ્ત રીતે ફરિયાદ લીધા બાદ વેરિફેકિશન કરતાં ફરિયાદ સાચી જણાઈ હતી અને એમાં જાણવા મળ્યું હતું કે જયમલ સિંહ રાઠોડ પાસે ઉદયપુર અને રાજસમન્દમાં ઘણા પ્લૉટ, મકાન, હોટેલ અને લક્ઝરી ગાડીઓ છે. કોર્ટમાંથી પરમિશન મળ્યા બાદ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
શું મળી આવ્યું?
ACBના અધિકારીઓને જયમલ સિંહ અને તેના પરિવારજનોના નામે ઉદયપુરમાં પાંચ પ્લૉટ, મદાર બડગાંવમાં રેસિડેન્શ્યલ પ્લૉટ, સીસરમામાં બે વીઘા ખેતરની જમીન, ચાર લક્ઝરી કાર (કિયા સેલ્ટૉસ, મહિન્દ્ર એક્સયુવી ૩૦૦, મારુતિ ઇગ્નિસ અને મારુતિ એસ-ક્રૉસ), સરદારપુરાના નિવાસસ્થાનમાંથી બે કિલો સોનું, ૧૩.૭૦ કિલોગ્રામ ચાંદીનાં ઘરેણાં અને ત્રણ લાખ રૂપિયા રોકડા મળી આવ્યાં હતાં.
પત્ની અને પુત્રના નામે રિસૉર્ટ
આરોપીની પત્ની અનુરાધા અને પુત્ર હનુમત સિંહના નામે ૭૦૬૨.૫૦ સ્ક્વેર ફીટ ક્ષેત્રફળમાં બનાવવામાં આવેલો ચાર માળનો અને ૨૬ રૂમ ધરાવતો લક્ઝરી માન વિલાસ રિસૉર્ટ છે. એમાં એક રૂફટૉપ રેસ્ટોરાં પણ ચલાવવામાં આવે છે. આ રિસૉર્ટમાં આરોપીએ કરોડો રૂપિયાનું રોકાણ કર્યું છે.
મોંઘા શરાબની ૧૦૦થી વધુ બૉટલ મળી
દરોડાની કાર્યવાહીમાં આરોપીના ઘરમાંથી મોંઘા શરાબની ૧૦૦થી વધારે બૉટલ મળી આવી છે. આ સિવાય ઘરમાંથી પશુઓના નખ અને શિંગડાં પણ મળી આવ્યાં છે. પત્ની અને આરોપીના નામનું એક લૉકર પણ મળી આવ્યું છે, જેને ખોલવાનું બાકી છે. આ સિવાય અનેક બૅન્ક-ખાતાં અને વીમા-પૉલિસીઓ પણ મળી આવ્યાં છે.