NDAની મીટિંગ બાદ મળેલી INDIAની બેઠકમાં તમામ પક્ષોએ શરૂઆતમાં સરકાર બનાવવા માટે કોશિશ કરવી જોઈએ એવી ભૂમિકા વ્યક્ત કરી હતી
ગઈ કાલે મળેલી INDIAની બેઠક
લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને સ્પષ્ટ બહુમતી ન મળી હોવાથી સાથી પક્ષોના સહારે સરકાર બનાવવી પડશે એવી સ્પષ્ટતા થયા બાદ વિરોધ પક્ષોના ધ ઇન્ડિયન નૅશનલ ડેવલપમેન્ટલ ઇનક્લુસિવ અલાયન્સ (INDIA)એ પણ પોતે કઈ રીતે સરકાર બનાવી શકે એ બાબતની ગતિવિધિ શરૂ કરી દીધી હતી. જોકે ગઈ કાલે સાંજે નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA)ની મીટિંગમાં જનતા દળ-યુનાઇટેડ (JD-U)ના નીતીશકુમાર ને તેલુગુ દેસમ પાર્ટી (TDP)ના ચંદ્રાબાબુ નાયડુએ નરેન્દ્ર મોદીને વડા પ્રધાન બનાવવા પોતાનો સમર્થનપત્ર BJPને આપ્યા બાદ INDIAએ પોતાની સ્ટ્રૅટેજી બદલી હોવાનું કહેવાય છે.
NDAની મીટિંગ બાદ મળેલી INDIAની બેઠકમાં તમામ પક્ષોએ શરૂઆતમાં સરકાર બનાવવા માટે કોશિશ કરવી જોઈએ એવી ભૂમિકા વ્યક્ત કરી હતી, પણ JD-U અને TDPએ BJPને સમર્થનનો પત્ર આપી દીધો હોવાથી INDIAએ પોતાની ભૂમિકા બદલી હતી. આ બાબતે કૉન્ગ્રેસના પ્રેસિડન્ટ મલ્લિકાર્જુન ખરગેએ મીટિંગ બાદ પત્રકારોને કહ્યું હતું કે ‘અમે અત્યારે સરકાર બનાવવાની કોશિશ નહીં કરીએ. એના માટે અમે યોગ્ય સમયે નિર્ણય લઈશું. આ ભારતના બંધારણની રક્ષા કરવા માટેનો જનાદેશ છે.’