કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીની ચૅલેન્જ : તેમણે અમેઠીમાં જન સંવાદનું આયોજન કર્યું હતું અને અહીંના અધિકારીઓને બરાબરનો ઠપકો પણ આપ્યો હતો
સ્મૃતિ ઈરાની , રાહુલ ગાંધી
અમેઠી : કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની તેમના સંસદીય મતવિસ્તાર અમેઠીની ચાર દિવસીય મુલાકાતે પહોંચ્યાં હતાં. મહિલા અને બાળ વિકાસ પ્રધાને સોમવારે ‘જન સંવાદ’નું આયોજન કર્યું હતું અને લોકોની ફરિયાદો સાંભળી હતી. જોકે તેમણે કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીને ચૅલેન્જ ફેંકતાં કહ્યું હતું કે પોતાની સામે અમેઠીમાંથી ચૂંટણી લડી જુએ. યુપીના અમેઠીના ટીકર માફી વિસ્તારમાં ઈરાનીએ એક વહીવટી અધિકારીને જમીન પર કથિત અતિક્રમણ બાબતે ઠપકો આપ્યો હતો અને એસડીએમને અડધા કલાકમાં જમીન ખાલી કરાવવાનો નિર્દેશ આપ્યો હતો. સ્મૃતિ ઈરાનીએ મહેસૂલ અધિકારીને કામમાં વિલંબ બદલ ચેતવણી આપી હતી કે ‘કાલ સુધી શા માટે રાહ જોવી? હમણાં અડધા કલાકની અંદર કરો, નહીંતર હું પોતે વિરોધ-પ્રદર્શન કરીશ.’
દરમ્યાન કૉન્ગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ ભારત જોડો યાત્રાના ભાગરૂપે અમેઠી પહોંચ્યા હતા એટલે અમેઠી માટે આ હાઈ-પ્રોફાઇલ ડે હતો. અમેઠી ૨૦૧૯ સુધી કૉન્ગ્રેસનો ગઢ હતો. લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી લગભગ ૫૫,૦૦૦ મતોના માર્જિનથી ઈરાની સામે હારી ગયા હતા. પાર્ટીએ હજી નિર્ણય નથી લીધો કે રાહુલ ગાંધી કૉન્ગ્રેસનો ગઢ પાછો મેળવવાનો પ્રયાસ કરશે કે કેમ, ખાસ કરીને જ્યારે સોનિયા ગાંધીએ પણ રાજ્યસભા માટે રાયબરેલીને અલવિદા કહ્યું છે.
ADVERTISEMENT
બાબુગંજમાં કૉન્ગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ રૅલીને સંબોધી હતી. કૉન્ગ્રેસ નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે ‘અમે આજે રાત્રે અમેઠીમાં રોકાઈશું અને કાલે સવારે રાયબરેલી પહોંચીશું. ત્યાર બાદ લખનઉમાં અને પછીના દિવસે કાનપુર પહોંચીશું. ૨૨ અને ૨૩ ફેબ્રુઆરીએ આરામ કરીશું.’

