પરિણામ જાહેર થયા બાદ રાહુલ ગાંધીએ કહ્યું...
રાહુલ ગાંધી
એક્ઝિટ પોલની આગાહી કરતાં વધારે સીટો જીતવાથી ઉત્સાહિત ઇન્ડિયા ગઠબંધનના સૌથી મોટા પક્ષ કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પાર્ટીઅધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની સાથે પ્રેસ-કૉન્ફરન્સ કરી હતી, જેમાં રાહુલે કહ્યું હતું કે અમારાં બૅન્ક-ખાતાં ફ્રીઝ કરવામાં આવ્યાં, અમારા ગઠબંધનના મુખ્ય પ્રધાનોને જેલમાં પૂરી દેવાયા છતાં દેશના મતદારોએ બંધારણને બચાવી લીધું છે. અમે આ ચૂંટણી માત્ર ભારતીય જનતા પાર્ટી (BJP) સામે નહીં, પણ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI), એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) સામે પણ લડ્યા હતા, કારણ કે આ એજન્સીઓને મોદી-શાહ ધમકાવતા હતા. ઉત્તર પ્રદેશનાં પરિણામોથી ઉત્સાહિત રાહુલે કહ્યું હતું કે યુપીના મતદારોએ જે સૂઝ અને સમજણ દાખવી છે એની પ્રસંશા કરીએ એટલી ઓછી છે. પરિણામો જાહેર થયા બાદ સરકાર રચશો કે વિપક્ષમાં બેસશો એવા સવાલનો જવાબ ટાળતાં રાહુલે કહ્યું હતું કે ગઠબંધનના સાથીપક્ષ સાથે ચર્ચા કર્યા વિના આ વિશે હું કોઈ નિવેદન આપીશ નહીં. જોકે રાહુલે જાતિ-વસ્તીગણતરી, મહાલક્ષ્મી યોજના જેવા વાયદા પૂરા કરીશું એવું પ્રૉમિસ જરૂર આપ્યું હતું.