પીએમના ૪૫ કલાકના ધ્યાનનું આજે બપોરે સમાપન, તેઓ માત્ર પ્રવાહી આહાર જ લે છે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૪૫ કલાકના મેડિટેશન દરમ્યાન ગઈ કાલે કન્યાકુમારીના વિવેકાનંદ રૉક મેમોરિયલ પર ધ્યાન ધરવાની સાથે સૂર્યદેવને જળાભિષેક કર્યો હતો, માળા ફેરવી હતી તેમ જ યોગ પણ કર્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સાંજે ૭.૩૦ વાગ્યે કન્યાકુમારીના વિવેકાનંદ રૉક મેમોરિયલ પર ૪૫ કલાક લાંબા ધ્યાનની શરૂઆત કરી હતી અને આ ધ્યાન પ્રક્રિયા દરમ્યાન તેઓ પ્રવાહી આહાર જેવાં કે પાણી, દ્રાક્ષનો રસ કે એનાં જેવાં જૂસ ગ્રહણ કરશે. તેઓ આ સમયગાળા વખતે એકદમ મૌન રહેશે અને ધ્યાન હૉલની બહાર પણ નહીં આવે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણીના છેલ્લા તબક્કાનો પ્રચાર પૂર્ણ કર્યા બાદ કન્યાકુમારીના ધ્યાન મંડપમમાં આવ્યા હતા. ૧૩૧ વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદે આ સ્થળ પર ધ્યાન કર્યું હતું અને વિકસિત ભારતનું વિઝન જોયું હતું.
ADVERTISEMENT
ધ્યાન મંડપમની ફરતે ૨૦૦૦ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને ભારતીય નૌકાદળનાં જહાજો પણ તહેનાત છે. વિવેકાનંદ રૉક મેમોરિયલમાં ધ્યાનમાં જતાં પહેલાં વડા પ્રધાન મોદીએ ગુરુવારે સાંજે ભગવતી અમ્મન દેવીના મંદિરમાં દર્શન-પૂજા કરી એ સમયે તેમણે સફેદ મુંડું અને શૉલ પરિધાન કર્યા હતા.
ગઈ કાલે બીજા દિવસે સવારે મોદીની તસવીરો સામે આવી હતી જેમાં તેમણે ભગવો ધારણ કર્યો હતો અને હાથમાં રુદ્રાક્ષની માળા અને માથા પર તિલક ધારણ કર્યું હતું. તેમણે સૂર્યને અર્ઘ્ય આપ્યો હતો અને મંદિરની પરિક્રમા કરી હતી. ફરી તેઓ ધ્યાન મુદ્રામાં બેઠા હતા. આજે વિવેકાનંદ રૉક મેમોરિયલ પરથી જતાં પહેલાં તેઓ સમીપમાં આવેલા થિરુવલ્લુરની પ્રતિમાનાં દર્શન કરશે.
વિપક્ષોએ મોદીના ધ્યાનને આચારસંહિતાનો ભંગ ગણાવ્યો હતો અને ચૂંટણીપંચને ફરિયાદ કરી હતી. કૉન્ગ્રેસે જણાવ્યું હતું કે સાતમા તબક્કાના કૂલિંગ ફેઝમાં મોદીની યાત્રા હિન્દુ ભાવનાઓને ભડકાવવા માટે અને તેમના બંધારણીય પદનો દુરુપયોગ કરીને મત હાંસલ કરવાની કોશિશ છે. એથી વડા પ્રધાન સામે કાર્યવાહી કરવી જોઈએ. ચૂંટણી વખતે વડા પ્રધાનની ધ્યાનયાત્રા કરવા વિશે ચૂંટણી કાયદા હેઠળ કોઈ રોક નથી, 2019માં પણ કેદારનાથમાં ધ્યાનયાત્રા કરવાની પંચે છૂટ આપી હતી.