નરેન્દ્ર મોદીએ મેરઠની રૅલીમાં કૉન્ગ્રેસ પર કર્યો પ્રહાર
યોગી આદિત્યનાથ, નરેન્દ્ર મોદી
આંખો ખોલી દેનારો અને ચોંકાવનારો રિપોર્ટ. નવાં તથ્યોથી જાણકારી મળે છે કે કૉન્ગ્રેસે કેવી બેરહમીથી કચ્ચાથીવુને સોંપી દીધો. આનાથી દરેક ભારતીય નારાજ છે અને લોકોના મનમાં ફરી પુષ્ટિ થઈ છે કે આપણે કદી પણ કૉન્ગ્રેસ પર ભરોસો કરી શકીએ નહીં. ૭૫ વર્ષોથી ભારતની એકતા, અખંડતા અને હિતોને કમજોર કરવાં એ કૉન્ગ્રેસની કામ કરવાની રીત છે અને હજીયે ચાલુ છે.
- નરેન્દ્ર મોદી
૧૯૭૦ના દશકમાં દેશની સુરક્ષા માટે વ્યૂહાત્મક રીતે જરૂરી એવા કચ્ચાથીવુ ટાપુને શ્રીલંકાને સોંપી દેવાના નિર્ણયના મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે કૉન્ગ્રેસ પર નિશાન સાધ્યું હતું અને દેશની અખંડતા અને રાષ્ટ્રીય હિતોને કમજોર કરવાનો આરોપ લગાવ્યો હતો. તામિલનાડુના દરિયાથી શ્રીલંકા તરફ જતાં ૨૫ કિલોમીટરના અંતરે કચ્ચાથીવુ ટાપુ આવેલો છે.
ADVERTISEMENT
રાઇટ ટુ ઇન્ફર્મેશન (RTI) ઍક્ટ હેઠળ કરવામાં આવેલી અરજીના જવાબમાં માહિતી અપાઈ હતી કે ૧૯૭૪માં તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ આ ટાપુ શ્રીલંકાને સોંપી દેવાનો નિર્ણય લીધો હતો. આ અરજી તામિલનાડુ ભારતીય જનતા પાર્ટી (BJP)ના ચીફ કે. અન્નામલાઈએ કરી હતી જેમાં તેમને ઉપરોક્ત જવાબ મળ્યો હતો.એવું મનાઈ રહ્યું છે કે તામિલનાડુમાં BJP આ મુદ્દો ચગાવવા માગે છે, કારણ કે એનાથી ચૂંટણીમાં એને લાભ થવાની ધારણા છે.
ઉત્તર પ્રદેશના મેરઠથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે લોકસભાની ચૂંટણીનો પ્રચાર શરૂ કર્યો હતો. એ સમયે તેમની સાથે સ્ટેજ પર BJPના ઉમેદવાર અરુણ ગોવિલ અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા. યોગી આદિત્યનાથે વડા પ્રધાનને કમળના ચિહ્ન સાથેનું બૅટ ભેટ આપ્યું હતું (ડાબે).
શું કહ્યું BJPના પ્રવક્તાએ?
આ મુદ્દે BJPના નેતા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું હતું કે ૧૯૭૪ સુધી કચ્ચાથીવુ ટાપુ ભારતનો હતો. એ તામિલનાડુના દરિયાકિનારાથી માત્ર ૨૫ કિલોમીટર દૂર છે. તામિલનાડુના માછીમારો ત્યાં સુધી માછલી પકડવા જતા હતા, પણ હવે એ શક્ય નથી; કારણ કે ઇન્દિરા ગાંધીએ શ્રીલંકાને આપી દીધો છે. શ્રીલંકાની નૌકાદળ આપણા માછીમારોને પકડી લે છે અને જેલમાં પૂરી દે છે. આ વિષય પર કૉન્ગ્રેસ અને તામિલનાડુની સત્તાધારી પાર્ટી DMK ચૂપ છે, પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દેશહિત અને દેશના નાગરિકોની ચિંતા છે તેથી તેઓ આ મુદ્દો ઉપાડી રહ્યા છે.