પાંચમા તબક્કામાં ૬ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશની ૪૯ બેઠક પર ૫૯.૮૪ ટકા મતદાન થયું
ગઈ કાલે રાજનાથ સિંહે લખનઉમાં અને સ્મૃતિ ઈરાનીએ અમેઠીમાં મતદાન કર્યું હતું.
લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કામાં ગઈ કાલે છ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશની ૪૯ બેઠકમાં પશ્ચિમ બંગાળમાં કેટલીક હિંસાની ઘટના અને ઇલેક્ટ્રૉનિક વૉટિંગ મશીન (EVM) ખરાબ થવાની અમુક ફરિયાદને બાદ કરતાં સરેરાશ ૫૯.૮૪ ટકા મતદાન થયું હતું. કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરની બારામુલ્લા બેઠક પર ૧૯૮૪ બાદ પહેલી વખત રેકૉર્ડ ૫૬.૨૯ ટકા મતદાન થયું
હતું. મતદાનના આ આંકડા પ્રાથમિક છે અને એકાદ દિવસમાં એ ફાઇનલ થઈ જશે.
પશ્ચિમ બંગાળની ૭ બેઠક પર સૌથી વધુ ૭૨ ટકા મતદાન નોંધાયું હતું.
મહારાષ્ટ્રની ૧૩ બેઠક પર ૫૪.૨૯ ટકા લોકોએ મત આપ્યા હતા.
બિહારની પાંચ બેઠક પર ૫૪.૫૮ ટકા મતદાન થયું હતું.
ઝારખંડની ૩ બેઠક પર ૬૩.૦૭ ટકા મતદાન થયું હતું.
ઉત્તર પ્રદેશની ૧૪ બેઠક પર ૫૭.૭૯ ટકા મતદાન થયું હતું.
ઓડિશાની પાંચ બેઠક પર ૬૬.૭૦ ટકા મતદાન થયું હતું.
કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં ૬૮.૪૭ ટકા લોકોએ મત આપ્યા હતા.
કેટલીક જગ્યાએ ધીમું મતદાન થવાથી મતદાનકેન્દ્રોની બહાર લાંબી લાઇન લાગતાં ૬ વાગ્યા પછી પણ મતદાન ચાલુ રાખવામાં આવ્યું હતું.
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કૉન્ગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થવા ઉપરાંત EVMમાં ખામી આવી હોવાની ૧૦૩૬ ફરિયાદ મળી હતી.