Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અદાણી-અંબાણીના મામલે નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીના વાર-પ્રતિવાર

અદાણી-અંબાણીના મામલે નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીના વાર-પ્રતિવાર

Published : 09 May, 2024 09:18 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાતોરાત અદાણી-અંબાણીને ગાળો આપવાનું કેમ બંધ કરી દીધું? કેટલામાં સોદો થયો છે?

ગઈ કાલે તેલંગણના વારંગલમાં આયોજિત પ્રચારસભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી

ગઈ કાલે તેલંગણના વારંગલમાં આયોજિત પ્રચારસભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી


છેલ્લાં પાંચ વર્ષમાં કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર દેશના ટોચના ઇન્ડસ્ટ્રિયલિસ્ટો સાથે દોસ્તી હોવાના અને દેશના લોકોનાં નાણાં આ ઇન્ડસ્ટ્રિયલિસ્ટોના ખિસ્સામાં સેરવી દીધા હોવાના આરોપ લગાવ્યા હતા, પણ હમણાં તેઓ અદાણી કે અંબાણીનું નામ નથી લેતા એ મુદ્દે મોદીએ ગઈ કાલે તેલંગણમાં રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા.


છેલ્લાં પાંચ વર્ષથી કૉન્ગ્રેસના શહઝાદા એક જ વાત દોહરાવતા હતા એમ જણાવીને મોદીએ ઉમેર્યું હતું કે ‘રફાલનો મુદ્દો ભુલાઈ ગયો એટલે શહઝાદાએ નવો સૂર આલાપવાનો શરૂ કરી દીધો હતો. તેઓ પાંચ ઉદ્યોગપતિઓની જ વાતો કરતા હતા અને છેવટે તેમણે અદાણી અને અંબાણીની વાતો કરવા માંડી, પણ જ્યારથી ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી તેમણે અદાણી અને અંબાણીને ટાર્ગેટ કરવાનું બંધ કરી દીધું છે. હું તેલંગણની ધરતી પરથી તેમને પૂછવા માગું છું કે તેમણે અદાણી અને અંબાણી પાસેથી કેટલી રકમ લીધી છે? સોદો શું થયો છે? રાતોરાત તમે અદાણી અને અંબાણીને ગાળો આપવાનું કેમ બંધ કરી દીધું? ઝરૂર દાલ મેં કુછ કાલા હૈ. પાંચ વર્ષ સુધી તેમના નામે પસ્તાળ પાડી અને કેમ એકાએક ચૂપ થઈ ગયા?’



વડા પ્રધાન મોદીએ આ મુદ્દો ઉઠાવ્યો એની પાછળનું કારણ એ છે કે તેલંગણની કૉન્ગ્રેસ સરકારે અદાણી ગ્રુપ સાથે વિવિધ સેક્ટરમાં આશરે ૧૨,૪૦૦ કરોડ રૂપિયાના રોકાણના કરાર કર્યા છે.
કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી તેમનાં ભાષણોમાં એવું કહેતા હતા કે દેશના પાંચ ઉદ્યોગપતિઓ મોદીના મિત્ર છે અને દેશની સંપત્તિ મોદીએ તેમને આપી દીધી છે. તેઓ એમ પણ કહેતા હતા કે BJPની સરકારે બાવીસ ભારતીયોને અબજોપતિ બનાવ્યા છે, પણ અમે સત્તામાં આવશું તો અમે દેશના કરોડો લોકોને લખપતિ બનાવીશું.


તમને એ કેવી રીતે ખબર કે તેઓ ટેમ્પોમાં પૈસા આપે છે? તમારો પર્સનલ અનુભવ છે?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જવાબ આપતાં રાહુલ ગાંધીએ સોશ્યલ મીડિયા પર મૂકેલા વિડિયોમાં કહ્યું હતું કે ‘નમસ્કાર મોદીજી, થોડા ગભરાઈ ગયા કે શું? નૉર્મલી તમે બંધ કમરામાં અદાણીજી, અંબાણીજીની વાત કરો છો, પહેલી વાર તમે જાહેરમાં આ બેઉનાં નામ બોલ્યા છો. આપને કેવી રીતે ખબર કે તે ટેમ્પોમાં પૈસા આપે છે, શું આ તમારો પર્સનલ એક્સ્પીરિયન્સ છે કે? આપ એક કામ કરો, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI), એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)ને તેમની પાસે મોકલો, પૂરી જાણકારી મેળવો, તપાસ કરાવો. હું દેશને ફરી વાર કહું છું કે જેટલા પૈસા નરેન્દ્ર મોદીજીએ તેમને આપ્યા છે એટલા જ પૈસા અમે હિન્દુસ્તાનના ગરીબ લોકોને આપવા જઈ રહ્યા છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2024 09:18 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK