Lok Sabha Elections 2024: અભિનેત્રી કંગના રણોતે મંગળવારે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું; નોમિનેશન ફોર્મમાં સ્થાવર અને જંગમ સંપત્તિ વિશે જણાવ્યું
કંગના કંગના રણોતે ગઈ કાલે મમ્મી આશા અને હિમાચલ પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જયરામ ઠાકુરની ઉપસ્થિતિમાં ઉમેદવારી નોંધાવી હતી
લોકસભા ચૂંટણી ૨૦૨૪ (Lok Sabha Elections 2024) માં હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) ના મંડી (Mandi) સંસદીય ક્ષેત્રથી ભારતીય જનતા પાર્ટી – ભાજપ (Bharatiya Janata Party – BJP) ની ટિકિટ પર ચૂંટણી લડી રહેલી બૉલિવૂડ અભિનેત્રી કંગના રણોત (Kangana Ranaut) કરોડો રૂપિયાની સંપત્તિની માલિક છે. નોમિનેશન વખતે આપેલા એફિડેવિટ મુજબ તેની પાસે કરોડો રૂપિયાનું સોનું અને ચાંદી છે. તેની પાસે ઘણી લક્ઝરી કાર પણ છે. અભિનેત્રી કંગના રણોત પાસે કુલ ૯૦ કરોડ રૂપિયાથી વધુની સ્થાવર અને જંગમ સંપત્તિ (Kangana Ranaut Assets) છે. તો અભિનેત્રી પર ૧૭ કરોડનું દેવું પણ છે.
કંગના રણોત પાસે ૮.૫૫ કરોડની કિંમતનું સોનું, ચાંદી અને હીરા છે. ૫.૫૦ કરોડની કિંમતની લક્ઝરી કાર છે. ૫ કરોડની કિંમતનું ૬.૭૦ કિલો સોનું, ૫૫ લાખ રૂપિયાની ૬૦ કિલો ચાંદી અને ૩ કરોડ રૂપિયાની કિંમતના ૧૪ કેરેટના હીરા છે. તેની પાસે ૨૦૧૩નું વેસ્પા સ્કૂટર છે, જેની કિંમત ૫૩,૮૨૭ રુપિયા છે. તે સિવાય ૯૮.૨૫ લાખની કિંમતની BMW કાર, ૫૮.૬૫ લાખ રૂપિયાની મર્સિડીઝ બેન્ઝ કાર અને ૩.૯૧ કરોડ રૂપિયાની મર્સિડીઝ માયબા કાર છે. આ કાર મણિકર્ણિકા ફિલ્મ્સ (Manikarnika Films) ના નામે નોંધાયેલ છે. કંગનાની કુલ જંગમ સંપત્તિ ૨૮.૭૩ કરોડ રૂપિયા છે.
ADVERTISEMENT
અભિનેત્રીએ પંજાબ (Punjab) ના જીરકપુર (Zirakpur) માં ચાર પ્લોટ અને પ્લોટ ખરીદ્યા છે. તેની કિંમત ૨.૪૬ કરોડ છે. મુંબઈ (Mumbai) ના પાલી હિલ્સ (Pali Hills) માં આવેલા ઘરની કિંમત ૨૧.૭૪ કરોડ રૂપિયા છે અને મનાલી (Manali) માં ઘરની બજાર કિંમત ૨.૫ કરોડ રૂપિયા છે. કુલ સ્થાવર મિલકત ૬૨.૯૨ કરોડ રુપિયા છે.
કંગના રણોતે તેના ભાઈ અક્ષત રણોત (Akshat Ranaut) , પિતા અમરદીપ રણોત (Amardeep Ranaut) અને બહેન રંગોલી (Rangoli) ને કરોડો રૂપિયાની લોન આપી છે. ત્રણેય કંગનાના ઋણી છે. ભાઈને લોન પેટે ૭૦.૯૫ કરોડ રૂપિયા, પિતાને ૨૮.૭૯ કરોડ રૂપિયા અને બહેનને ૫ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. મણિકર્ણિકા ફિલ્મ્સને ૩૯.૯૭ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી છે.
આ સિવાય અભિનેત્રીએ LIC એટલે કે જીવન વીમા નિગમની ૫૦ પોલિસીઓ ખરીદી છે. પોલિસીની કિંમત લાખોમાં છે. તેની પાસે બે લાખ રૂપિયા રોકડા છે. વર્ષ ૨૦૨૧-૨૨ની સરખામણીએ તેની વાર્ષિક આવકમાં ૮.૧૮ કરોડ રુપિયાનો ઘટાડો થયો છે. વર્ષ ૨૦૨૧-૨૨માં તેની આવક ૧૨.૩૦ કરોડ રૂપિયા હતી. જે વર્ષ ૨૦૨૨-૨૩માં ઘટીને ૪.૧૨ કરોડ રૂપિયા થઈ ગયો છે.
એટલું જ નહીં, કંગના રણોત પર વિવિધ બેંકોના ૧૭.૩૮ કરોડ રૂપિયાનું દેવું છે. અભિનેત્રી પર કોપીરાઈટ, છેતરપિંડી, માનહાનિ, ધાર્મિક લાગણી ભડકાવવા અને વિવિધ સમુદાયના લોકો વચ્ચે દુશ્મનાવટ ઉભી કરવાના આરોપો છે. મુંબઈના ખાર (Khar) અને બાંદ્રા (Bandra) પોલીસ સ્ટેશનમાં ત્રણ કેસ નોંધાયેલા છે. તેમજ પાંચ કેસ કોર્ટમાં પેન્ડિંગ છે.
કંગના રણોતે મંગળવારે મંડી, હિમાચલ પ્રદેશથી બીજેપીની ઉમેદવાર તરીકે નોમિનેશન ફોર્મ ભર્યું હતું.