મોદીલહેરમાં પણ છિંદવાડા બેઠક પર જીત ન હાંસલ કરી શકનારી BJPએ આ વખતે કમલ નાથના પારિવારિક ગઢમાં ગાબડું પાડ્યું
ગઈ કાલે મધ્ય પ્રદેશમાં ક્લીન સ્વીપની ઉજવણી કરતા મુખ્ય પ્રધાન મોહન યાદવ અને તેમના પ્રધાનમંડળના સાથીદારો.
મધ્ય પ્રદેશમાં BJPએ ક્લીન સ્વીપ કરીને તમામ ૨૯ બેઠકો પર જીત મેળવી છે. ૨૦૧૯માં BJPને ૨૮ અને ૨૦૧૪માં ૨૭ બેઠકો પર જીત મળી હતી. મધ્ય પ્રદેશમાં બીજી વાર કૉન્ગ્રેસના નેતા કમલ નાથની પારિવારિક બેઠક છિંદવાડા પર BJP જીતી છે. ૨૦૧૪ અને ૨૦૧૯ની મોદીલહેરમાં પણ આ બેઠક પર કૉન્ગ્રેસે જીત મેળવી હતી. આ પહેલાં ૧૯૯૭માં થયેલી પેટાચૂંટણીમાં જ BJPના સુંદરલાલ પટવા આ બેઠક પરથી જીત મેળવી શક્યા હતા. મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કમલ નાથ આ બેઠક પરથી નવ વખત સંસદસભ્ય બન્યા છે. ગઈ ચૂંટણીમાં તેમનો પુત્ર નકુલ નાથ આ બેઠક પરથી જીત્યો હતો. જોકે ગઈ કાલે જાહેર થયેલા પરિણામમાં તેમણે એક લાખ કરતાં વધારે મતોથી BJPના વિવેક ‘બન્ટી’ સાહુ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.