કૉન્ગ્રેસના ઉત્તર પ્રદેશના પ્રમુખ અજય રાયે આકરી ટીકા કરી છે. તેમણે કહ્યું હતું કે અરુણ ગોવિલ પૅરૅશૂટ પૉલિટિશ્યન છે
અરુણ ગોવિલ
ભારતીય જનતા પાર્ટી (BJP)ના મેરઠ લોકસભા બેઠકના ઉમેદવાર અરુણ ગોવિલ મેરઠમાં મતદાન પૂરું થયા બાદ મુંબઈ જતા રહ્યા હોવાથી કૉન્ગ્રેસના ઉત્તર પ્રદેશના પ્રમુખ અજય રાયે આકરી ટીકા કરી છે. તેમણે કહ્યું હતું કે અરુણ ગોવિલ પૅરૅશૂટ પૉલિટિશ્યન છે, મેરઠમાં મતદાન પૂરું થયું એટલે તેઓ સીધા તેમના ઘરે મુંબઈ પહોંચી ગયા છે.
જોકે આ મુદ્દે અરુણ ગોવિલે ખુલાસો કરતાં કહ્યું હતું કે ‘મારા સન્માનિત મતદારો, હોળીના દિવસે પાર્ટીએ મારા નામની ઘોષણા કરી એટલે ૨૬ માર્ચે હું મેરઠ આવ્યો હતો અને એક મહિનો આપની સાથે રહ્યો અને તમારા સહયોગથી ચૂંટણીનો પ્રચાર કર્યો. ચૂંટણી પૂરી થઈ; તમારા પ્રેમ, સહયોગ અને સન્માન માટે આભારી છું. હવે પાર્ટીના નિર્દેશના પગલે હું મુંબઈમાં છું, અહીંની જવાબદારી પૂરી કરવા માટે. હવે પાર્ટી મને બીજા ચૂંટણીક્ષેત્રમાં પ્રચાર માટે મોકલશે. આ કામ પૂરું થયા બાદ હું આપની વચ્ચે આવી જઈશ. નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ મેરઠને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે મારા પ્રયાસો આરંભી દઈશ.’