ડાંગ જિલ્લો ત્રણ બાજુએથી મહારાષ્ટ્રની હદ સાથે જોડાયેલો છે
મહારાષ્ટ્રની સરહદે ડાંગ જિલ્લામાં ચેકપોસ્ટ શરૂ કરવામાં આવી.
લોકસભાની ચૂંટણી આવી પહોંચી છે ત્યારે મહારાષ્ટ્રની સરહદે આવેલા ડાંગ જિલ્લાના ચૂંટણી તંત્રએ ૧૩ ચેકપોસ્ટ શરૂ કરીને ન્યાયી, પારદર્શક અને તટસ્થ ચૂંટણીપ્રક્રિયાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. ડાંગ જિલ્લાના ચૂંટણી-અધિકારી મહેશ પટેલના નેતૃત્વમાં અને જિલ્લા પોલીસ અધીક્ષક યશપાલ જગાણિયાના માર્ગદર્શનમાં ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદે ડાંગ જિલ્લામાં ૧૦ ચેકપોસ્ટ અને ત્રણ આંતર ડિસ્ટ્રિક્ટ ચેકપોસ્ટ પર જવાનો તહેનાત કરીને એ કાર્યરત કરી ચૂંટણીલક્ષી કામગીરી શરૂ કરી છે.
ડાંગ જિલ્લો ત્રણ બાજુએથી મહારાષ્ટ્રની હદ સાથે જોડાયેલો છે ત્યારે મહારાષ્ટ્રના નવાપુરની સરહદે જામાલા ચેકપોસ્ટ, સાકરીની સરહદે ઝાંખરાઈબારી ચેકપોસ્ટ અને નકટ્યાહનવંત ચેકપોસ્ટ તથા નાશિકને અડીને આવેલી ચિંચલી ચેકપોસ્ટ, કાંચનઘાટ ચેકપોસ્ટ, સાપુતારા ચેકપોસ્ટ, માળુંગા ચેકપોસ્ટ, બરડા ચેકપોસ્ટ, દગુનિયા ચેકપોસ્ટ અને બારખાંધ્યા ચેકપોસ્ટ પર વન વિભાગના જવાનોની સાથે ડાંગ પોલીસના જવાનો ચૂંટણીલક્ષી કામગીરીમાં જોડાયા છે. આ ઉપરાંત ડાંગ જિલ્લાને અડીને આવેલા તાપી જિલ્લાની સરહદે ભેંસકાતરી અને બરડીપાડા ચેકપોસ્ટ તથા નવસારી જિલ્લાની સરહદે વઘઈ ચેકપોસ્ટ પર ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે.