એનડીએ અને વિપક્ષો વધુ ને વધુ પાર્ટીઓને પોતાની સાથે જોડવાની કોશિશ કરી રહ્યાં છે, દિલ્હીમાં મંગળવારે એનડીએની મીટિંગ થશે, જ્યારે ૨૪ વિપક્ષો બૅન્ગલોરમાં આજે અને આવતી કાલે મળશે
ફાઇલ તસવીર
લોકસભાની ચૂંટણી પહેલાં પૉલિટિકલ પાર્ટીઓ ‘ગઠબંધન શરણં ગચ્છામિ’ને અનુસરી રહી છે. આ અઠવાડિયામાં એ દિશામાં વિશેષ પ્રયાસો જોવા મળશે. શાસક એનડીએ અને વિપક્ષો લોકસભાની ચૂંટણી પહેલાં પોતપોતાના ગઠબંધનને મજબૂત કરવાની કોશિશ કરી રહ્યા છે. વધુ ને વધુ પાર્ટીઓને પોતાની સાથે જોડવાની કોશિશ થઈ રહી છે. એનડીએ (નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ)એ મંગળવારે મેગા મીટિંગની જાહેરાત કરી છે, જેમાં લગભગ ૩૦ પાર્ટીઓ આ ગઠબંધન માટેના તેમના સપોર્ટની ખાતરી આપશે. બીજી તરફ ૨૪ વિપક્ષો બૅન્ગલોરમાં આજે અને આવતી કાલે મળશે, જેમાં તેમના મતભેદો દૂર કરવા માટે વિશેષ પ્રયાસો કરવામાં આવશે.
એનડીએની મીટિંગ બીજેપીના અધ્યક્ષ જે. પી. નડ્ડા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને યોજાશે. બીજેપીએ તેમના અત્યારના પાર્ટનર્સની સાથે કેટલીક નવી પાર્ટીઓ તેમ જ કેટલાક જૂના સાથીઓને પણ આમંત્રણ આપ્યું છે. મંગળવારે સાંજે દિલ્હીની અશોક હોટેલમાં આ મીટિંગ થશે.
ADVERTISEMENT
બિહારમાંથી ચાર લીડર્સ-લોક જનશક્તિ પાર્ટીના ચિરાગ પાસવાન, હિન્દુસ્તાની આવામ મોરચાના જિતનરામ માંઝી, રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના ઉપેન્દ્ર સિંહ ખુશવાહા તેમ જ વિકાસશીલ ઇન્સાન પાર્ટીના મુકેશ સહાનીને ઇન્વિટેશન આપવામાં આવ્યું છે અને તેમની પાર્ટીઓનો એનડીએમાં સમાવેશ કરવામાં આવશે.
એનડીએમાં અત્યારે આ ૨૪ પાર્ટીઓ સામેલ છે
બીજેપી, એઆઇએડીએમકે, શિવસેના (એકનાથ શિંદે જૂથ), એનપીપી (નૅશનલ પીપલ્સ પાર્ટી), એનડીપીપી (નૅશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી), એસકેએમ (સિક્કિમ ક્રાંતિકારી મોરચા), જેજેપી (જનનાયક જનતા પાર્ટી), આઇએમકેએમકે (ઇન્ડિયા મક્કલ કલવી મુનેત્ર કઝઘમ), એજેએસયુ (ઑલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન), આરપીઆઇ (રિપબ્લિક પાર્ટી ઑફ ઇન્ડિયા), એમએનએફ (મિઝો નૅશનલ ફ્રન્ટ), ટીએમસી (તામિલ મનિલા કૉન્ગ્રેસ), આઇપીએફટી (ત્રિપુરા), બીપીપી (બોડો પીપલ્સ પાર્ટી), પીએમકે (પટાલી મક્કલ કાચી), એમજીપી (મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટી), અપના દલ, એજીપી (આસામ ગણ પરિષદ), રાષ્ટ્રીય લોકજનશક્તિ પાર્ટી, નિષાદ પાર્ટી, યુપીપીએલ (યુનાઇટેડ પીપલ્સ પાર્ટી લિબરલ), એઆઇઆરએનસી (ઑલ ઇન્ડિયા એનઆર કૉન્ગ્રેસ પુડુચેરી), શિરોમણિ અકાલી દળ સંયુક્ત (ઢિંઢસા) અને જનસેના (પવન કલ્યાણ).