નવા પદાધિકારીઓનું લિસ્ટ જાહેર, જેમાં ૧૩ ઉપાધ્યક્ષો, નવ મહાસચિવો અને ૧૩ સચિવો સામેલ
ફાઇલ તસવીર
વિપક્ષો એક થયા છે ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીઓ અને લોકસભાની ચૂંટણી ટફ છે. આવી સ્થિતિમાં કમર કસી રહેલી બીજેપીએ એક મહિના કરતાં ઓછા સમયમાં પાર્ટી સંગઠનમાં બીજી વખત મોટા ફેરફારો કર્યા છે. બીજેપીના અધ્યક્ષ જે. પી. નડ્ડાએ ગઈ કાલે પાર્ટીના નવા પદાધિકારીઓનું એક લિસ્ટ જાહેર કર્યું હતું, જેમાં ઉપાધ્યક્ષ અને મહાસચિવો તરીકે નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે.
રાજકીય નિષ્ણાતો અનુસાર આ તમામ કવાયત તમામ સમાજોનું પાર્ટીમાં યોગ્ય પ્રતિનિધિત્વ હોવાનું રજૂ કરવાની એક કોશિશ છે. સ્વાભાવિક રીતે લોકસભાની ચૂંટણીમાં તમામ સમાજોના, તમામ મતદાતાઓની જરૂર પડશે.
ADVERTISEMENT
આ લિસ્ટમાં ૧૩ ઉપાધ્યક્ષો, સંગઠનના ઇન્ચાર્જ તરીકે બી. એલ. સંતોષ સહિત નવ મહાસચિવો અને ૧૩ સચિવો સામેલ છે.
પાર્ટીના નવ મહાસચિવોમાં કોઈ મહિલાને સ્થાન નથી. જોકે નવા રાષ્ટ્રીય પદાધિકારીઓના લિસ્ટમાં પાંચ મહિલા ઉપાધ્યક્ષો અને ચાર મહિલા સચિવો છે.
નવા પદાધિકારીઓમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર તારિક મન્સૂર પણ ઉપાધ્યક્ષ તરીકે સામેલ છે. પસમાંદા મુસ્લિમોને પોતાના પક્ષે કરવાની બીજેપીની કોશિશના ભાગરૂપે જ મન્સૂરની નિમણૂક કરવામાં આવી હોવાનું વ્યાપકપણે માનવામાં આવે છે.
હવે બે મુસ્લિમ પદાધિકારીઓમાં સામેલ છે. કેરલાના લીડર અબ્દુલ્લા કુટ્ટી પણ આ લિસ્ટમાં છે.
છત્તીસગઢમાંથી આદિવાસી લીડર લતા ઉસેન્દી અને છત્તીસગઢમાંથી રાજ્યસભાના એમપી સરોજ પાંડેને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, જે આ રાજ્ય પર બીજેપીનું ફોકસ સૂચવે છે, કેમ કે આ રાજ્યમાં કૉન્ગ્રેસ સત્તા પર છે અને અહીં ચૂંટણી યોજાવાની છે. નવા સચિવોમાં કૉન્ગ્રેસના સિનિયર લીડર એ. કે. એન્ટનીનો દીકરો અનિલ એન્ટની સામેલ છે.