Lok Sabha Election 2024: ઈન્દોરમાં વહેલી તકે મતદાન કરનાર લોકોને પૌઆ, જલેબી, આઈસ્ક્રીમ અને અન્ય ખાદ્યપદાર્થો મફતમાં પીરસવામાં આવશે.
પૌંઆ, જલેબીની ફાઇલ તસવીર
કી હાઇલાઇટ્સ
- 7થી 9 વાગ્યાની વચ્ચે જે મતદાતાઓ મતદાન કરશે તે સૌને આ નિ:શુલ્ક લાભ મળશે
- પ્રથમ વખત મતદાન કરનાર યુવાનોને મફતમાં આઇસક્રીમ પણ મળશે
- ઈન્દોર લોકસભા ક્ષેત્રમાં 25.13 લાખ મતદારો છે
સમગ્ર દેશમાં લોક સભા ચૂંટણી (Lok Sabha Election 2024)નો માહોલ જામેળો છે ત્યારે મતદારોની સંખ્યાની દૃષ્ટિએ સૌથી મોટા એવા મધ્ય પ્રદેશના ઈન્દોર લોકસભા ક્ષેત્રમાં 13 મેના રોજ મતદાન થવાનું છે. હવે અહીંના મતદાતાઓને પોતાના હકનું ભાન લાવવા અને સૌ વોટ આપવા માટે જાગૃત થાય તે માટે એક સ્વાદિષ્ટ ઓફર આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
શું છે આ સ્વાદિષ્ટ ઓફર?
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે ઈન્દોર શહેરની અંદર ખાદ્યવિક્રેતાઓએ નક્કી કર્યું છે કે તેઓ વહેલી તકે મતદાન કરનાર (Lok Sabha Election 2024) લોકોને પૌઆ, જલેબી, આઈસ્ક્રીમ અને અન્ય ખાદ્યપદાર્થો મફતમાં પીરસશે. પ્રાપ્ત માહિતી અનુસાર વ્યાપારી સંસ્થાઓએ મંગળવારે જિલ્લા મેજિસ્ટ્રેટ આશિષ સિંહની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ પ્રકારનો નિર્ણય લીધો હતો. તેઓએ જણાવ્યું હતું કે, “લોકસભા મતવિસ્તારને મતદાનની દ્રષ્ટિએ દેશમાં પ્રથમ બનાવવા માંગીએ છીએ. આ માટે વ્યાપારી સંસ્થાઓની પણ મદદ લેવામાં આવી રહી છે.”
કઈ શોપમાં મળશે આ સ્વાદિષ્ટ નાસ્તો મફતમાં? શું છે શરત?
ઈન્દોર શહેરમાં પ્રખ્યાત ચાટ-ચોપાટી `56 દુકાન`ના વેપારી સંગઠનના પ્રમુખ ગુંજન શર્માએ જણાવ્યું હતું કે સવારે 7થી 9 વાગ્યાની વચ્ચે જે મતદાતાઓ મતદાન કરશે તે સૌને આ ચાટ-ચોપાટી પર નિ:શુલ્ક પૌંઆ, જલેબી આપવામાં આવશે.
કોને મળશે પૌંઆ-જલેબી ઉપર આઇસક્રીમનો પણ લાભ?
તમને જણાવી દઈએ કે એક બીજી પણ શરત મૂકવામાં આવી છે કે આ સમયગાળા દરમિયાન મતદાન (Lok Sabha Election 2024) કરનારા વરિષ્ઠ નાગરિકો અને તેમના જીવનમાં પ્રથમ વખત મતદાન કરનાર યુવાનોને ચાટ-ચોપાટી પર પૌંઆ અને જલેબી તો ખરા જ પણ સાથે સાથે મફતમાં આઈસ્ક્રીમ પણ ખવડાવવામાં આવશે. આ માટે તેઓએ દુકાનદારોને માત્ર તેમની આંગળી પર મતદાન કર્યાની શાહીનું નિશાન બતાવવાનું રહેશે.
અધિકારીઓએતો આ મુદ્દે એમ પણ જણાવ્યું હતું કે શહેરમાં કેટલીક અન્ય વ્યાપારી સંસ્થાઓએ સવારના સમયે ૭થી ૯ વાગ્યાની અંદર મતદાન કરી આવનાર લોકોને મફતમાં નૂડલ્સ અને મંચુરિયન જેવી વાનગીઓ પીરસવાની ઓફર કરી છે. 2019માં છેલ્લી લોકસભા ચૂંટણી દરમિયાન ઇન્દોર લોકસભા ક્ષેત્રમાં 69 ટકા મતદાન નોંધાયું હતું. આ લોકસભા ક્ષેત્રમાં 25.13 લાખ મતદારો છે.
2014ની લોકસભા ચૂંટણીમાં કેવું રહ્યું હતું ચિત્ર?
અહીં 2014ની લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024)માં ભાજપના સુમિત્રા મહાજને કોંગ્રેસના સત્યનારાયણ પટેલને હરાવ્યા હતા. સુમિત્રા મહાજનને 8,54,972 (64.93 ટકા) મત મળ્યા હતા તો સત્યનારાયણને 3,88,071 (29.47 ટકા) મત મળ્યા હતા. સુમિત્રા મહાજન આ ચૂંટણીમાં 4,66,901 મતોથી જીત્યા હતા. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ત્રીજા ક્રમે રહી હતી. તેમના ખાતામાં 2.67 ટકા વોટ પડ્યા હતા. 2014માં આ બેઠક પર કુલ 62.25 ટકા મતદાન થયું હતું. હવે આ વર્ષે જોઈએ કોણ બાજી મારે છે?

