છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની ૫૮ બેઠક પર સરેરાશ ૬૦.૧૮ ટકા મતદાન થયું : પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ તો જમ્મુ-કાશ્મીરમાં સૌથી ઓછું મતદાન : ૧ જૂને મતદાનનો છેલ્લો દિવસ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં ગઈ કાલે બિહારની આઠ, હરિયાણાની દસ, દિલ્હીની સાત, ઓડિશાની છ, ઉત્તર પ્રદેશની ૧૪, પશ્ચિમ બંગાળની આઠ, ઝારખંડની ચાર અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરની એક મળીને કુલ ૫૮ બેઠક પર સરેરાશ ૬૦.૧૮ ટકા મતદાન થયું હતું. પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના કાફલા પર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાની હિંસક ઘટનાને બાદ કરતાં મોટા ભાગે શાંતિથી મતદાન પાર પડ્યું હતું. આ તબક્કામાં સૌથી વધુ ૭૮.૫૫ ટકા પશ્ચિમ બંગાળમાં તો જમ્મુ-કાશ્મીરમાં સૌથી ઓછું ૫૩.૬૦ ટકા મતદાન થયું હતું. મતદાનના આ આંકડા પ્રાથમિક છે અને એકાદ દિવસમાં એ ફાઇનલ થઈ જશે.
છઠ્ઠા તબક્કામાં ૫૮ બેઠકોના મતદાન સાથે જ લોકસભાની ૫૪૩ કુલ બેઠકોમાંથી ૪૮૬ બેઠકો પર ચૂંટણી પૂરી થઈ ગઈ છે. હવે લોકસભાની ચૂંટણીના સાત તબક્કામાંથી છેલ્લા તબક્કાની ચૂંટણી પહેલી જૂને થયા બાદ ૪ જૂને મતગણતરી હાથ ધરવામાં આવશે.
પશ્ચિમ બંગાળની આઠ બેઠક પર સૌથી વધુ ૭૮.૫૫ ટકા મતદાન નોંધાયું હતું.
જમ્મુ કાશ્મીરની એક બેઠક પર ૫૨.૬૪ ટકા મતદાન થયું હતું.
દિલ્હીની સાત બેઠક પર ૫૬.૮૮ ટકા મતદાન નોંધાયું હતું.
બિહારની આઠ બેઠક પર ૫૫.૨૪ ટકા મતદાન થયું હતું.
ઝારખંડની ચાર બેઠક પર ૬૩.૫૬ ટકા લોકોએ મત આપ્યા હતા.
ઉત્તર પ્રદેશની ૧૪ બેઠક પર ૫૪.૦૩ ટકા મતદાન થયું હતું.
ઓડિશાની છ બેઠક પર ૬૩.૪૬ ટકા લોકોએ મત આપ્યા હતા.
હરિયાણાની ૧૦ બેઠક પર ૫૯.૫૧ ટકા લોકોએ મતદાન કર્યું હતું.