૧૬ કરોડ મતદારો ૧૧૯૮ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે : કેરલાની તમામ ૨૦ બેઠકનું એકસાથે મતદાન : ઉત્તર પ્રદેશના એક ઉમેદવારનું મૃત્યુ થવાથી હવે ત્રીજા તબક્કામાં ૭ મેએ મતદાન થશે
રાહુલ ગાંધી, હેમા માલિની, શશી થરૂર, ઓમ બિરલા, અરુણ ગોવિલ
લોકસભાની ચૂંટણીના બીજા તબક્કામાં ૧૨ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની ૮૮ બેઠકો પર આજે મતદાન થશે. આ તબક્કામાં ૮૯ બેઠકો પર મતદાન થવાનું હતું, પરંતુ મધ્ય પ્રદેશની બૈતુલ બેઠકના બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારનું અવસાન થવાથી હવે આ બેઠક પર ૭ મેએ ત્રીજા તબક્કામાં મતદાન થશે. આજની બેઠકોમાં આસામની ૧૪માંથી પાંચ, બિહારની ૪૦માંથી પાંચ, છત્તીસગઢની ૧૧માંથી ૩, કર્ણાટકની ૨૮માંથી ૧૪, કેરલાની તમામ ૨૦, મધ્ય પ્રદેશની ૨૯માંથી ૭, મહારાષ્ટ્રની ૪૮માંથી ૮, મણિપુરની બેમાંથી એક, રાજસ્થાનની ૨૫માંથી ૧૩, ત્રિપુરાની બેમાંથી એક, ઉત્તર પ્રદેશની ૮૦માંથી ૭ અને પશ્ચિમ બંગાળની ૪૨માંથી ૩ બેઠક ઉપરાંત કેન્દ્રશાસિત જમ્મુ-કાશ્મીરની પાંચમાંથી એક બેઠકનો સમાવેશ થાય છે. આ ૮૮ બેઠક પર એક તૃતીયપંથી, ૧૦૦ મહિલાઓ અને ૧૦૯૭ પુરુષો મળીને કુલ ૧૧૯૮ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે જેમનું ભાવિ ૧૬ કરોડ મતદારો ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM)માં બંધ કરશે.



