BJP મહત્ત્વનાં ખાતાં પોતાની પાસે રાખવા માગે છે, જ્યારે નીતીશ-ચંદ્રબાબુએ લાંબું લિસ્ટ આપ્યું
નરેન્દ્ર મોદી, ચંદ્રબાબુ નાયડુ, નીતીશ કુમાર
લોકસભાની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમત ન મળતાં ભારતીય જનતા પાર્ટી (BJP) માટે નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA)ના સાથીપક્ષો પરની નિર્ભરતા વધી છે. નીતીશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુની પાર્ટીએ BJPને ટેકો જારી રાખવાનો નિર્ણય કર્યા બાદ મોદી સરકારની ત્રીજી ટર્મનો માર્ગ મોકળો બન્યો છે. જોકે નવી સરકારમાં મહત્ત્વનાં ખાતાં માટે BJP અને સાથીપક્ષો વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. BJP ગૃહ, વિદેશ તથા નાણામંત્રાલય સહિતનાં મહત્ત્વનાં ખાતાં પોતાની પાસે રાખવા માગે છે. ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેસમ પાર્ટી (TDP) લોકસભાનું સ્પીકરપદ ઇચ્છે છે, જ્યારે નીતીશ કુમારની જનતા દળ-યુનાઇટેડ (JD-U) NDA માટે કૉમન મિનિમમ પ્રોગ્રામનો આગ્રહ રાખી શકે છે. અગાઉ યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ (UPA)ની સરકાર બની ત્યારે તમામ પક્ષોએ મળીને કૉમન મિનિમમ પ્રોગ્રામ દ્વારા સરકારની પ્રાથમિકતા નક્કી કરી હતી. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે BJP હવે TDPને ડેપ્યુટી સ્પીકરપદ ઑફર કરી શકે છે. લોકસભામાં જો બહુમત સાબિત કરવાની નોબત આવે ત્યારે સ્પીકરનું પદ મહત્ત્વનું બની જાય છે એ જ રીતે રાજ્યસભામાં JD-Uને ડેપ્યુટી સ્પીકરનું પદ ઑફર થઈ શકે છે. જોકે JD-U રેલવે મંત્રાલય માટે પણ આગ્રહ રાખી શકે છે. અગાઉની સરકારમાં નીતીશ કુમાર રેલવેપ્રધાન રહી ચૂક્યા છે એથી JD-U આ વિભાગ માટે BJP પર દબાણ વધારી શકે છે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે BJP પંચાયતી રાજ તથા ગ્રામીણ વિકાસ મંત્રાલય વિભાગ JD-Uને ઑફર કરી શકે છે.