પાકિસ્તાન દ્વારા આતંકવાદને ભંડોળ પૂરું પાડવાના આરોપસર તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેની સામે આરોપો ઘડવામાં આવ્યા હતા.
તસવીર સૌજન્ય અબ્દુલ સલામ ભુટ્ટાવીનું ઑફિશિયલ યૂટ્યૂબ
મુંબઈમાં ૨૦૦૮માં ભયાનક આતંકવાદી હુમલા કરનારા આતંકવાદીઓને તૈયાર કરવામાં સક્રિય ભૂમિકા ભજવનારા લશ્કર-એ-તય્યબાના લીડર અબ્દુલ સલામ ભુટ્ટાવીનું પાકિસ્તાનની જેલમાં મૃત્યુ થયું હતું. સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ દ્વારા ૨૦૧૨માં ભુટ્ટાવીને આતંકવાદી ઘોષિત કરવામાં આવ્યો હતો. એનાં અનેક વર્ષો પછી પાકિસ્તાન દ્વારા આતંકવાદને ભંડોળ પૂરું પાડવાના આરોપસર તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેની સામે આરોપો ઘડવામાં આવ્યા હતા. બાદમાં ઑગસ્ટ ૨૦૨૦માં આતંકવાદને ભંડોળ પૂરું પાડવાના એક કેસમાં લશ્કર-એ-તય્યબાના સ્થાપક હાફિઝ સઈદના રિલેટિવ અબ્દુલ રહેમાન મક્કીની સાથે તેને દોષી ગણાવવામાં આવ્યો હતો. ભુટ્ટાવીને સાડાસોળ વર્ષની સજા કરવામાં આવી હતી.
લશ્કર-એ-તય્યબાના સ્થાપક હાફિઝ સઈદની ૨૦૦૨થી ૨૦૦૮ દરમ્યાન પાકિસ્તાની ઑથોરિટીઝ દ્વારા અટકાયત કરવામાં આવી હતી ત્યારે ભુટ્ટાવી આ આતંકવાદી સંગઠનનો કામચલાઉ હેડ હતો. આ આતંકવાદી ગ્રુપની સાથે જોડાયેલી અનેક સંસ્થાઓ દ્વારા સોમવારે રાત્રે ભુટ્ટાવીના મોતની જાહેરાત કરવામાં આવી હતી. સોમવારે બપોરે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં શેખુપુરામાં એક જેલમાં ભુટ્ટાવીનું હાર્ટ અટૅકથી મૃત્યુ થયું હતું. ઇન્ડિયન ઇન્ટેલિજન્સ અધિકારીઓએ પણ તેના મોતના સમાચારને કન્ફર્મ કર્યા હતા.