બદરીનાથ હાઇવે છથી વધારે સ્થળો પર બ્લૉક : ભારે વરસાદની રેડ-અલર્ટ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગઈ કાલે ભૂસ્ખલન થયા બાદ પહાડનો મોટો હિસ્સો રોડ પર આવી જતાં હૈદરાબાદથી આવેલા બે ભાવિકોનાં મૃત્યુ થયાં હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ દુર્ઘટના બદરીનાથ હાઇવે પર ગૌચર અને કર્ણપ્રયાગ વચ્ચે ચટવાપીપલ પાસે બની હતી. જીવ ગુમાવનારા બન્ને જણ ટૂ-વ્હીલર પર બદરીનાથથી પાછા ફરી રહ્યા હતા. તેમના મૃતદેહોને પથ્થરો નીચેથી બહાર કાઢવામાં આવ્યા છે.
ઉત્તરાખંડમાં ગયા થોડા દિવસોમાં થયેલા ભારે વરસાદને કારણે બદરીનાથ નૅશનલ હાઇવે આશરે છથી વધારે સ્થળે બ્લૉક થયો છે, જેમાં ગૌચર અને રુદ્રપ્રયાગ વચ્ચે કામેડા, પીપલ કોટી પાસે ભનીર પાની, તાંગની પાસે પાગલનાલા, જોશીમઠ અને બદરીનાથ વચ્ચે પિનોલા અને હનુમાન ચટ્ટી આગળ કાંચનગંગા જેવા વિસ્તારોનો સમાવેશ છે.
ADVERTISEMENT
નૅશનલ હાઇવેઝ ઑથોરિટી ઑફ ઇન્ડિયા અને બૉર્ડર રોડ ઑર્ગેનાઇઝેશનના લોકો હાલ રસ્તો ખુલ્લો કરવા અને પથ્થરોને હટાવવાના કાર્યમાં વ્યસ્ત છે. રુદ્રપ્રયાગથી કેદારનાથ જતો હાઇવે પણ ભૂસ્ખલનને કારણે બ્લૉક થયો છે.
સાવચેતીના ભાગ રૂપે રુદ્રપ્રયાગની તમામ સરકારી અને ખાનગી સ્કૂલોને ગઈ કાલે બંધ કરી દેવામાં આવી હતી. હવામાન ખાતાએ આગામી બે દિવસ કુમાઉં અને ગઢવાલ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની રેડ-અલર્ટ જાહેર કરી છે. પોલીસે આ સમયગાળા દરમ્યાન લોકોને પાણીના ધોધ કે ઝરણા પાસે નહીં જવાની તાકીદ કરી છે.