ભારત અને ચીન વચ્ચે છેલ્લાં કેટલાંક વર્ષોથી પૂર્વીય લદ્દાખ વિસ્તારમાં સીમાવિવાદને પગલે ઊભું થયેલું ટેન્શન હવે હળવું થશે
પ્રતીકાત્મક તસવીર
ભારત અને ચીન વચ્ચે છેલ્લાં કેટલાંક વર્ષોથી પૂર્વીય લદ્દાખ વિસ્તારમાં સીમાવિવાદને પગલે ઊભું થયેલું ટેન્શન હવે હળવું થશે, કારણ કે આ મુદે સમજૂતી થઈ છે. આ સંદર્ભમાં ભારતના વિદેશસચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે ‘ભારત અને ચીનના મિલિટરી વાટાઘાટકારો વચ્ચે એક સમજૂતી થઈ છે. સરહદ પર પૅટ્રોલિંગના મુદ્દે સમાધાન થયું છે. આ મુદ્દે વાટાઘાટકારો છેલ્લાં થોડાં સપ્તાહથી એકબીજાના સંપર્કમાં હતા અને તેઓ એક સમજૂતી પર પહોંચી ગયા છે. એવું જાણવા મળે છે કે પૅટ્રોલિંગ લાઇન ઑફ ઍક્ચ્યુઅલ કન્ટ્રોલ પાસે દેપસાંગ અને ડેમચોકના વિસ્તાર સંબંધિત છે.’
૨૦૨૦થી લદ્દાખમાં ચીન સરહદ પર સંઘર્ષ ચાલતો હતો અને બેઉ દેશો વચ્ચે તંગદિલીભર્યા સંબંધો હતા. ગલવાનમાં સંઘર્ષ થયો હતો અને બેઉ દેશની સેનાને નુકસાન પહોંચ્યું હતું.
ભારત અને ચીન વચ્ચે આ સમજૂતી રશિયામાં આવતી કાલથી થનારી BRICS એટલે કે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચીન અને સાઉથ આફ્રિકા દેશોની બેઠકો પહેલાં થઈ છે જ્યાં વડા પ્રધાન મોદી અને ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ પણ ઉપસ્થિત હશે. મોદી આજે રશિયા જવા રવાના થવાના છે. આ બેઉ નેતાઓ રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનની સામે હશે. જોકે જિનપિંગ અને મોદી વચ્ચે દ્વિપક્ષીય બેઠક વિશે કોઈ જાણકારી નથી.

