સખત ઠંડીમાં નદીમાં ડૂબકી મારતી વખતે હાર્ટ-અટૅક આવ્યો
મહાકુંભમાં શાહી સ્નાન કરતી વખતે જીવ ગુમાવનારા સોલાપુરના ભૂતપૂર્વ મેયર મહેશ કોઠે.
પ્રયાગરાજમાં ગઈ કાલે મહાકુંભમાં પહેલું અમૃત સ્નાન કરવા માટે સાડાત્રણ કરોડથી વધારે લોકો પહોંચ્યા હતા એમાં મહારાષ્ટ્રના સોલાપુરની મહાનગરપાલિકાના ૬૦ વર્ષના ભૂતપૂર્વ મેયર મહેશ કોઠે અને તેમના મિત્રો પણ સામેલ હતા. ગઈ કાલે સવારે મહેશ કોઠે તેમના મિત્રો સાથે સંગમમાં ઠંડા પાણીમાં ડૂબકી લગાવી રહ્યા હતા ત્યારે અચાનક છાતીમાં દુખવા લાગતાં તેઓ પાણીમાં પડી ગયા હતા. મિત્રો તેમને પાણીની બહાર કાઢીને તાત્કાલિક હૉસ્પિટલ લઈ ગયા હતા. જોકે ડૉક્ટરોએ મહેશ કોઠેને ઍડ્મિટ કરતાં પહેલાં જ મૃત્યુ પામ્યા હોવાનું કહ્યું હતું. મહાકુંભના મેળામાં મહેશ કોઠેનું આવી રીતે અચાનક મૃત્યુ થવાથી તેમની સાથેના મિત્રો સહિત આસપાસના લોકોમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું.
ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય દેવેન્દ્ર કોઠે મહેશ કોઠેના ભત્રીજા છે. મહેશ કોઠે ૧૯૯૨થી ૨૦૨૨ સુધી સોલાપુર મહાનગરપાલિકામાં શરદ પવારની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના સતત ચાર વખત નગરસેવક તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને છેલ્લી ટર્મમાં તેઓ મેયર પણ બન્યા હતા. મહેશ કોઠેએ ચાર વખત વિધાનસભાની ચૂંટણી લડી હતી, પરંતુ તેમને એક પણ વખત સફળતા નહોતી મળી.