કુલભૂષણ જાધવની ફાંસી પર સ્ટે
આંતરાષ્ટ્રીય કોર્ટમાં ભારતને ગઈ કાલે મોટી સફળતા મળી હતી. ઇન્ટરનૅશનલ કોર્ટ ઑફ જસ્ટિસે સર્વાનુમતે ભૂતપૂર્વ નેવી ઑફિસર કુલભૂષણ જાધવની ફાંસી પર રોક મૂકી હતી. કુલભૂષણ જાધવને પાકિસ્તાની મિલિટરી કોર્ટે જાસૂસી અને દેશવિરોધી ગતિવિધિઓમાં સામેલ થવા બદલ ફાંસીની સજા ફટકારી હતી.
ઇન્ટરનૅશનલ કોર્ટ ઑફ જસ્ટિસના પ્રેસિડન્ટ રૉની અબ્રાહમે ચુકાદો વાંચી સંભળાવતાં જણાવ્યું હતું કે પાકિસ્તાન આ કેસનો અંતિમ ચુકાદો ન આવે ત્યાં સુધી કુલભૂષણ યાદવને ફાંસી નહીં આપે એ સુનિિત કરે.
યુનાઇટેડ નેશન્સની સવોર્ચ્ચ ન્યાયિક સંસ્થા ઇન્ટરનૅશનલ કોર્ટ ઑફ જસ્ટિસે આ અગાઉ ૯ મેએ હંગામી ધોરણે કુલભૂષણ જાધવની ફાંસી પર રોક મૂકી હતી.
ગઈ કાલે આ કોર્ટે પાકિસ્તાનને સૂચના આપી હતી કે આદેશના અમલ માટે લેવામાં આવતા દરેક પગલાની કોર્ટને જાણ કરે. કોર્ટે એવો પણ ચુકાદો આપ્યો હતો કે જ્યાં સુધી આ કેસમાં કોર્ટ અંતિમ ચુકાદો નહીં આપે ત્યાં સુધી આ આદેશ જારી રહેશે.
આ કેસનો મુદ્દો પોતાના અધિકારક્ષેત્ર હેઠળ આવતો હોવાનો દાવો કરતાં ઇન્ટરનૅશનલ કોર્ટ ઑફ જસ્ટિસે ભારતની દલીલને સ્વીકારી હતી. ભારતે દલીલ કરી હતી કે વિયેના ક્ન્વેન્શન અંતર્ગત આપવામાં આવતી રાજદ્વારી સંપર્કની સવલત આપવાનો ઇનકાર કરી કુલભૂષણને ન મળવા દઈને પાકિસ્તાને વિયેના કરારનો ભંગ કર્યો છે. ભારતે પાકિસ્તાન પાસે કુલભૂષણનો વિયેના ક્ન્વેન્શન અંતર્ગત રાજદ્વારી સંપર્ક સાધવા ૧૬ વખત વિનંતી કરી હતી, પરંતુ આ તમામ વિનંતીઓ પાકિસ્તાને ઠુકરાવી હતી.
ભારત અને પાકિસ્તાન બન્નેએ ૧૯૭૭માં વિયેના કન્વેન્શનમાં હસ્તાક્ષર કર્યા હતા.
ADVERTISEMENT
ઇન્ટરનૅશનલ કોર્ટ ઑફ જસ્ટિસનો ચુકાદો આવતાંની સાથે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ વિશે સંતોષ વ્યક્ત કર્યો હતો અને વિદેશપ્રધાન સુષમા સ્વરાજ સાથે વાતચીત કરી હતી. વિદેશપ્રધાન સુષમા સ્વરાજે આ ચુકાદાને રાહત આપનારો જણાવ્યો હતો.
નરેન્દ્ર મોદી અને સુષમા સ્વરાજ બન્નેએ સિનિયર વકીલ હરીશ સાળવે અને તેમની વકીલોની ટીમને અભિનંદન આપ્યાં હતાં.
બીજી તરફ ઇસ્લામાબાદમાં પાકિસ્તાને ઇન્ટરનૅશનલ કોર્ટ ઑફ જસ્ટિસનો ચુકાદો માન્ય નહોતો રાખ્યો, આ માટે પાકિસ્તાને રાષ્ટ્રીય સુરક્ષાનું બહાનું કાઢ્યું હતું. પાકિસ્તાનના વિદેશમંત્રાલયના પ્રવક્તા નફીસ ઝકરિયાએ ભારત સામે હુમલો કરતાં કહ્યું હતું કે ભારત કુલભૂષણ જાધવનો કેસ ઇન્ટરનૅશનલ કોર્ટ ઑફ જસ્ટિસમાં લઈ જઈ પોતાનો અસલી ચહેરો છુપાવવાની કોશિશ કરી રહ્યું છે.
ઇન્ટરનૅશનલ કોર્ટ ઑફ જસ્ટિસના ૧૧ જજોની ખંડપીઠે ભારત અને પાકિસ્તાન બન્નેએ પોતાની દલીલો કર્યાના ત્રણ દિવસ બાદ સર્વાનુમતે ભારતની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. ભારતે દલીલ કરી હતી કે કુલભૂષણ જાધવને દોષી ઠેરવવાનો પાકિસ્તાનનો નિર્ણય મૂર્ખામીભરેલો છે. પાકિસ્તાને દલીલ કરી હતી કે કુલભૂષણ જાધવ ભારતીય જાસૂસ છે અને ભારતની દલીલમાં કોઈ તથ્ય નથી.
૮ મેએ ભારતે કુલભૂષણ જાધવની ફાંસી વિરુદ્ધ ઇન્ટરનૅશનલ કોર્ટ ઑફ જસ્ટિસનો દરવાજો ખટખટાવ્યો હતો. બીજે જ દિવસે કોર્ટે કુલભૂષણ જાધવને રાહત આપી હંગામી ધોરણે તેની ફાંસી સામે રોક લગાડી હતી.
પાકિસ્તાને દાવો કર્યો હતો કે પાકિસ્તાની સેનાએ કુલભૂષણ જાધવની ૩ માર્ચે બલૂચિસ્તાન પ્રાંતમાંથી ધરપકડ કરી હતી. પાકિસ્તાની સેનાના દાવા મુજબ કુલભૂષણ ઈરાનથી પાકિસ્તાન આવ્યો હતો. ભારતે સામી દલીલ કરી હતી કે કુલભૂષણ નૌસેનામાંથી રિટાયર થયા પછી ઈરાન સાથે બિઝનેસ કરતો હતો અને તેનું પાકિસ્તાને ઈરાનમાંથી અપહરણ કર્યું હતું.
કુલભૂષણ જાધવનો કેસ પાકિસ્તાન અને ભારત વચ્ચે વધતા તનાવનો તાજો બનાવ છે. ભારત અને પાકિસ્તાન છેલ્લે ૧૮ વર્ષ પહેલાં ઇન્ટરનૅશનલ કોર્ટમાં ગયાં હતાં, આ સમયે પાકિસ્તાને એની નૌસેનાના પ્લેનને તોડી પાડવા વિશે કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો.
ઇન્ટરનૅશનલ કોર્ટમાં પછડાટ માટે પાકિસ્તાની વકીલોની ધૂળ કાઢે છે ટીવી-ચૅનલ્સના પૅનલિસ્ટો
ઇન્ટરનૅશનલ કોર્ટના ચુકાદા બાદ પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. ગઈ કાલે નેધરલૅન્ડ્સના હેગ શહેરમાં આંતરરાષ્ટ્રીય અદાલતના નિર્ણય પછી પાકિસ્તાની
ન્યુઝ-ચૅનલ્સ પર ચર્ચાઓમાં પૅનલિસ્ટો તેમના દેશના વકીલો દલીલો કરવામાં નબળા સાબિત થયા હોવાથી પછડાટ સહન કરવી પડી હોવાનું જોરશોરથી કહી રહ્યા છે.
આ કેસમાં પાકિસ્તાન તરફથી દલીલો કરનારા વકીલ ક્યુસી ખાવર કુરેશીએ ચુકાદો જાહેર કરવામાં આવ્યા પછી ચિડાઈને કહ્યું હતું કે ઇન્ટરનૅશનલ કોર્ટે જાધવના કેસમાં ઊંડાણ સુધી ઊતરવાની જહેમત નથી લીધી, આ ઉપરછલ્લો ચુકાદો છે.
બીજી બાજુ ન્યુઝ-ચૅનલ્સના પૅનલિસ્ટો પાકિસ્તાની વકીલોને દોષી ઠેરવે છે. જીઓ ન્યુઝ-ચૅનલ પર એક પૅનલિસ્ટે જણાવ્યું હતું કે ‘પાકિસ્તાન પાસે દલીલો માટે ૯૦ મિનિટનો સમય હતો, પરંતુ પાકિસ્તાનના વકીલ ક્યુસી કુરેશીએ ફક્ત ૩૦ મિનિટમાં રજૂઆત સમેટી લીધી હતી. મને આર્ય થયું, કુરેશી આ કેસ માટે પૂરેપૂરી તૈયારી કરીને નહોતા ગયા. જો પાકિસ્તાને પૂરતી તૈયારી કરી હોત તો એકતરફી ચુકાદો આવ્યો ન હોત. પાકિસ્તાનના વકીલોનું હોમવર્ક સક્ષમ નહોતું એ હકીકત છે. કુરેશીએ ૪૦ મિનિટમાં આંતરરાષ્ટ્રીય માનવ-અધિકારની દલીલો કરવી જોઈતી હતી.’
ભારતને કુલભૂષણ જાધવને મળવાની સવલત મળવી જોઈતી હતી : ઇન્ટરનૅશનલ કોર્ટ
રાજદૂતાલયોના અધિકારીઓને વિયેના કન્વેન્શન અંતર્ગત આપવામાં આવતી કેદી કે આરોપીના રાજદ્વારી સંપર્કની સવલત ભારતને કુલભૂષણ જાધવના કેસમાં ઉપલબ્ધ કરાવવી જોઈતી હતી એમ નેધરલૅન્ડ્સના હેગ શહેરસ્થિત ઇન્ટરનૅશનલ કોર્ટ ઑફ જસ્ટિસે જણાવ્યું હતું.
કુલભૂષણ જાધવને ફાંસીની સજાનો પાકિસ્તાની મિલિટરી કોર્ટનો આદેશ રદ કરવાના અનુરોધ સાથેની ભારતની અરજીની સુનાવણીની સત્તા ઇન્ટરનૅશનલ કોર્ટને હોવાનું પણ ન્યાયાધીશે ભારપૂર્વક જણાવ્યું હતું. પાકિસ્તાને આવી અરજીની સુનાવણી ઇન્ટરનૅશનલ કોર્ટ ઑફ જસ્ટિસના અધિકારક્ષેત્રમાં નહીં હોવાના પાકિસ્તાનના દાવાને નકારતાં કોર્ટે ઉપરોક્ત સ્પષ્ટતા કરી હતી.
પાકિસ્તાનમાં જાસૂસી અને ભાંગફોડિયા પ્રવૃત્તિના આરોપસર કેદ કરવામાં આવેલા ભારતના નૌકાદળના ભૂતપૂર્વ અધિકારી કુલભૂષણ જાધવની ધરપકડના સંજોગો પણ વાંધાજનક હોવાનું ઇન્ટરનૅશનલ કોર્ટ ઑફ જસ્ટિસના પ્રેસિડન્ટ રૉની અબ્રાહમે ચુકાદો જાહેર કરતી વેળા જણાવ્યું હતું.
ઇન્ટરનૅશનલ કોર્ટનો ચુકાદો પાકિસ્તાનને બંધનકર્તા છે : ભારત
ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ અધિકારી કુલભૂષણ જાધવને ફાંસીની સજાના અમલ પર મનાઈના ઇન્ટરનૅશનલ કોર્ટ ઑફ જસ્ટિસના ચુકાદાનો અમલ પાકિસ્તાનને બંધનકર્તા હોવાનું ભારતે જણાવ્યું હતું. એ ચુકાદો ૧૧ જજનો સર્વસંમત અને સ્પષ્ટ હોવાનું પણ ભારતે જણાવ્યું હતું.
નેધરલૅન્ડ્સના હેગ શહેર ખાતેની ઇન્ટરનૅશનલ કોર્ટ ઑફ જસ્ટિસે હંગામી આદેશ જાહેર કર્યા પછી થોડા કલાકોમાં ભારતના વિદેશમંત્રાલયે જણાવ્યું હતું કે કુલભૂષણ જાધવને ફાંસીની સજાથી બચાવવા માટે ભારત શક્ય એટલા તમામ પ્રયાસો કરશે.
ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ અધિકારી કુલભૂષણ જાધવને પાકિસ્તાનની મિલિટરી કોર્ટે ફરમાવેલી ફાંસીની સજાના અમલ પર મનાઈના ઇન્ટરનૅશનલ કોર્ટના આદેશને જાધવના દોસ્તો અને શુભેચ્છકોએ વધાવી લીધો હતો.
ગઈ કાલે એ ચુકાદાની ખુશીમાં લોઅર પરેલમાં કુલભૂષણના મિત્રો અને પવઈ વિસ્તારના સિલ્વર ઓક અપાર્ટમેન્ટની બહાર તેમના પાડોશીઓએ ફટાકડા ફોડ્યા હતા. બિલ્ડિંગની બહાર એકઠા થયેલા લોકોએ ‘ભારત માતા કી જય’ અને ‘વન્દે માતરમ’ના સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. જાધવની ફૅમિલી સિલ્વર ઓક અપાર્ટમેન્ટના પાંચમા માળે રહે છે, પરંતુ હાલમાં એ લોકો બહાર જતા રહ્યા હોવાથી તેમનો ફ્લૅટ લૉક કરેલો હોવાનું તેમના પાડોશીઓએ જણાવ્યું હતું.

