આ કેસની સુનાવણી ૧૨ નવેમ્બરે ઇન કૅમેરા શરૂ થઈ હતી અને ૫૦ વિટનેસની પૂછપરછ કરવામાં આવી હતી
ટ્રેઇની ડૉક્ટર પર બળાત્કાર કરીને તેની હત્યા કરનારા આરોપી માટે ફાંસીની માગણી કરતા લોકો ગઈ કાલે કલકત્તાની સિવિલ અૅન્ડ ક્રિમિનલ કોર્ટની બહાર ભેગા થયા હતા.
કલકત્તાની ટ્રેઇની ડૉક્ટરનો બળાત્કાર-હત્યાનો કેસ રૅરેસ્ટ ઑફ રૅર ન લાગ્યો કોર્ટને, CBIની ફાંસીની માગણી સામે અદાલતે સંજય રૉયને જન્મટીપની સજા ફરમાવી : પીડિતાના પરિવારને ૧૭ લાખ રૂપિયા આપવાનો પશ્ચિમ બંગાળ સરકારને આદેશ
કલકત્તામાં આવેલી આર. જી. કર હૉસ્પિટલમાં ૨૦૨૪ના ઑગસ્ટ મહિનામાં એક ટ્રેઇની ડૉક્ટર પર બળાત્કાર અને ત્યાર બાદ તેની હત્યાના કેસમાં સિયાલદાહની સિવિલ અને ક્રિમિનલ કોર્ટે મુખ્ય આરોપી સંજય રૉયને ગયા શનિવારે દોષી જાહેર કર્યા બાદ ગઈ કાલે તેને જન્મટીપની સજા ફરમાવી હતી. વધારાના ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ અનિર્બાન દાસે સજાની સાથે ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.
ADVERTISEMENT
તેમની અદાલતમાં ૧૧ નવેમ્બરથી આ કેસની સુનાવણી શરૂ કરવામાં આવી હતી. આ કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ સંજય રૉયને ફાંસીની સજા આપવાની માગણી કરી હતી. મહિલા ડૉક્ટરનાં માતા-પિતાના વકીલે પણ કઠોર સજાની માગણી કરી હતી.
કોર્ટમાં CBIએ કહ્યું હતું કે સંજય રૉયનો ગુનો રૅરેસ્ટ ઑફ રૅર એટલે કે જૂજમાં જૂજ કૅટેગરીમાં આવે છે અને તેને કઠોર સજા કરવામાં નહીં આવે તો સમાજ ભરોસો ખોઈ દેશે, આ કોઈ મામૂલી અપરાધ નથી, મહિલા ડૉક્ટરની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. જોકે જજ અનિર્બાન દાસે કહ્યું હતું કે આ કેસ રૅરેસ્ટ ઑફ રૅર શ્રેણીમાં આવતો નથી. કોર્ટે સંજય રૉયને ફૉરેન્સિક રિપોર્ટના આધારે દોષી ઠરાવ્યો હતો.
આર. જી. કર હૉસ્પિટલ બળાત્કાર અને હત્યાના કેસમાં કોર્ટે પીડિતાના પરિવારને ૧૭ લાખ રૂપિયાનું નુકસાન ભરપાઈ કરવાનો આદેશ પશ્ચિમ બંગાળ સરકારને આપ્યો છે પણ પીડિતાના પરિવારે કહ્યું છે કે ‘અમને પૈસા નથી જોઈતા, ન્યાય જોઈએ છે. ગુનેગારને વધુમાં વધુ કઠોર સજા થવી જોઈએ. અમે દોષીને ફાંસીની સજાની માગણી કરી હતી.’
૫૯ દિવસ બાદ ચુકાદો સંભળાવ્યો
આ કેસની સુનાવણી ૧૨ નવેમ્બરે ઇન કૅમેરા શરૂ થઈ હતી અને ૫૦ વિટનેસની પૂછપરછ કરવામાં આવી હતી અને ૯ જાન્યુઆરીએ સુનાવણી પૂરી થઈ હતી. ૧૮ જાન્યુઆરીએ આરોપીને દોષી જાહેર કરવામાં આવ્યો હતો અને ૨૦ જાન્યુઆરીએ સજા સંભળાવવામાં આવી હતી. દેશને હચમચાવી નાખનારા આ કેસમાં ઘટનાના ૧૬૨ દિવસ બાદ આરોપીને દોષી જાહેર કરવામાં આવ્યો હતો. ૧૩ ઑગસ્ટે આ કેસની તપાસ CBIએ હાથમાં લીધી હતી. એણે ૧૨૦ વિટનેસનાં નિવેદન રેકૉર્ડ કર્યાં હતાં.
મેં આવું કંઈ કર્યું હોત તો મારી રુદ્રાક્ષની માળા તૂટી જ ગઈ હોત : સંજય રૉય
સંજય રૉયને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે જજે તેને કહ્યું હતું કે તું દોષી છે, તારે કંઈ કહેવું છે? ત્યારે તેણે કહ્યું હતું કે ‘હું નિર્દોષ છું, મેં રુદ્રાક્ષની માળા પહેરી હતી, જો હું કંઈ એવું કરત તો રુદ્રાક્ષની માળા તૂટી ગઈ હોત. મને આ ગુનામાં ફસાવવામાં આવ્યો છે. હું નિર્દોષ છું. મેં પહેલાં પણ કહ્યું છે કે મારી સાથે છળકપટ કરવામાં આવ્યું છે. તેમને જે-જે જોઈતું હતું ત્યાં મને હસ્તાક્ષર કરવા કહેવામાં આવ્યું હતું.’
કેસનો ઘટનાક્રમ
૯ ઑગસ્ટ, ૨૦૨૪ : કલકત્તાની આર. જી. કર હૉસ્પિટલના ચોથા માળે આવેલા સેમિનાર-હૉલમાં ૩૧ વર્ષની ટ્રેઇની ડૉક્ટર મૃત અવસ્થામાં મળી આવી હતી. તેને ૧૬ બાહ્ય અને ૯ આંતરિક જખમ થયા હતા. બળાત્કાર બાદ તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું પોસ્ટમૉર્ટમ અહેવાલમાં સ્પષ્ટ થયું હતું.
૧૦ ઑગસ્ટ, ૨૦૨૪ :સિવિક વૉલન્ટિયર સંજય રૉયની ધરપકડ કરવામાં આવી. જુનિયર ડૉક્ટરોએ હડતાળ શરૂ કરી.
૧૨ ઑગસ્ટ, ૨૦૨૪ :હૉસ્પિટલના ડીન સંદીપ ઘોષને સસ્પેન્ડ કરાયા. ડૉક્ટરોની રાષ્ટ્રવ્યાપી હડતાળ.
૧૩ ઑગસ્ટ, ૨૦૨૪ :પીડિતાના પરિવાર અને કેટલાક લોકોએ કલકત્તા હાઈ કોર્ટમાં અરજી કરી.
૧૪ ઑગસ્ટ, ૨૦૨૪ : CBIની ટીમે સંજય રૉયને કલકત્તા પોલીસ પાસેથી પોતાના તાબામાં લીધો.
૧૫ ઑગસ્ટ, ૨૦૨૪ : દેશભરમાં મધરાતે કૅન્ડલ માર્ચ, મહિલાઓની સુરક્ષાની માગણી.
૧૭ ઑગસ્ટ, ૨૦૨૪ : ઇન્ડિયન મેડિકલ અસોસિએશન દ્વારા દેશવ્યાપી ડૉક્ટરોની હડતાળ.
૨૦ ઑગસ્ટ, ૨૦૨૪ : સુપ્રીમ કોર્ટની સુઓ મોટો ઍક્શન. મેડિકલ પ્રોફેશનલની સુરક્ષા માટે ઉપાય યોજના ઘડવા ૧૦ મેમ્બરોના ટાસ્ક ફોર્સની રચના.
૨૮ ઑગસ્ટ, ૨૦૨૪ : પોલીસે સંદીપ ઘોષ સહિત હૉસ્પિટલ સાથે સંલગ્ન લોકોના ઘરે રેઇડ પાડી. સપ્ટેમ્બર મહિનાના મધ્યમાં પુરાવા સાથે છેડછાડના કેસમાં સંદીપ ઘોષની ધરપકડ.
૧૮ જાન્યુઆરી, ૨૦૨૫ : સંજય રૉયને અદાલતે દોષી જાહેર કર્યો.
૨૦ જાન્યુઆરી, ૨૦૨૫ :સંજય રૉયને જન્મટીપની સજા.
CBI તપાસ હજી પણ ચાલુ છે
આ કેસમાં કોર્ટે ચુકાદો આપી દીધો છે પણ હજી CBIની તપાસ ચાલુ છે. જજે ૧૮ જાન્યુઆરીની સુનાવણીમાં સ્પષ્ટ કહ્યું હતું કે આ કેસમાં વધુમાં વધુ ફાંસી અને કમ સે કમ આજીવન કેદની સજા થઈ શકે છે. સંજય રૉય સામે સજાની પ્રોસેસ પૂરી થઈ ગઈ છે પણ પુરાવા સાથે કરવામાં આવેલી છેડછાડ અને બદલાવ સંબંધિત CBIની તપાસ ચાલુ રહેશે એમ જણાવવામાં આવ્યું છે.