Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કલકત્તાની હચમચાવી નાખનારી ઘટનાનો આકરો વિરોધ- આજે આખા દેશના ડૉક્ટરો સ્ટ્રાઇક પર

કલકત્તાની હચમચાવી નાખનારી ઘટનાનો આકરો વિરોધ- આજે આખા દેશના ડૉક્ટરો સ્ટ્રાઇક પર

Published : 17 August, 2024 06:34 AM | IST | Kolkata
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જોકે ઇમર્જન્સી સર્વિસ અને કૅઝ્યુઅલ્ટી વિભાગ ચાલુ રહેશે

કલકત્તાની ક્રૂર અને પાશવી ઘટનાના વિરોધમાં ગઈ કાલે મેડિકલ પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓએ આઝાદ મેદાનમાં ધરણાં કર્યાં હતાં. (તસવીરો - અતુલ કાંબળે)

કલકત્તાની ક્રૂર અને પાશવી ઘટનાના વિરોધમાં ગઈ કાલે મેડિકલ પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓએ આઝાદ મેદાનમાં ધરણાં કર્યાં હતાં. (તસવીરો - અતુલ કાંબળે)


કલકત્તાની શરમજનક ઘટનાના વિરોધમાં આજના એક દિવસ માટે આખા દેશના ડૉક્ટરોનું પ્રતિનિધિ‌ત્વ કરતી ઇન્ડિયન મેડિકલ અસોસિએશન નામની સંસ્થાએ પણ કામકાજ બંધ રાખવાનું એલાન કર્યું છે. આજે આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ (OPD) બંધ રહેવાનો હોવાથી લોકોને આરોગ્યસેવાની તકલીફ પડી શકે છે. પહેલેથી પ્લાન કરવામાં આવેલી સર્જરીઓને પણ મુલતવી રાખવામાં આવી છે. જોકે આ સમયગાળા દરમિયાન આવશ્યક સેવાઓ અને કૅઝ્યુઅલ્ટી વિભાગ ચાલુ રાખવામાં આવશે.


આ પહેલાં ગઈ કાલે બપોરે એક વાગ્યે મુંબઈના આઝાદ મેદાનમાં રેસિડન્ટ ડૉક્ટરોની સાથે હડતાળમાં મુંબઈ મહાનગરપાલિકાના રેસિડન્ટ ડૉક્ટરો, ઇન્ડિયન મેડિકલ અસોસિએશનના ડૉક્ટરો અને જુનિયર ડૉક્ટરો સહિત ત્રણ હજાર જેટલા ડૉક્ટરો અને મેડિકલ સ્ટુડન્ટ્સે વિરોધ-પ્રદર્શન કર્યું હતું. આઝાદ મેદાનમાં વિરોધ-પ્રદર્શન કરતાં પહેલાં કિંગ એડવર્ડ મેમોરિયલ (KEM), નાયર, સાયન, કૂપર અને જે. જે. હૉસ્પિટલના રેસિડન્ટ ડૉક્ટરોએ સવારે ૧૦થી ૧૧ વાગ્યાની વચ્ચે જોરજોરથી સરકારના વિરોધમાં નારા લગાવ્યા હતા. મહારાષ્ટ્ર અસોસિએશન ઑફ રેસિડન્ટ ડૉક્ટર્સ (MARD-માર્ડ)ના ડૉક્ટરોએ મક્કમ વલણ અપનાવીને જ્યાં સુધી કેન્દ્ર સરકાર તરફથી સેન્ટ્રલ હેલ્થ પ્રોટેક્શન ઍક્ટ બનાવવાની લેખિતમાં ખાતરી નહીં મળે ત્યાં સુધી તેઓ પીછેહઠ કરશે નહીં અને તેમનું આંદોલન ચાલુ રહેશે એવી જાહેરાત કરી હતી.



આ બાબતની માહિતી આપતાં મુંબઈના ઇન્ડિયન મેડિકલ અસોસિએશન (IMA)ના પ્રેસિડન્ટ ગિરીશ લાડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કલકત્તાની ઘટનાએ ડૉક્ટરોને હચમચાવી દીધા છે. મહિલા ડૉક્ટરોની સુરક્ષા સામે બહુ જ મોટો પ્રશ્ન ઊભો થયો છે. આથી જ અમે ગઈ કાલે માર્ડના ડૉક્ટરોની સાથે તેમના શાંતિપૂર્ણ ધરણાંમાં સહભાગી થયા હતા.’


IMAએ સરકાર સમક્ષ મૂકેલી પાંચ માગણી શું છે?

હાલ ડૉક્ટરો પર અને હૉસ્પિટલોમાં જે હુમલા થઈ રહ્યા છે એની ખાસ નોંધ લેવામાં આવતી ન હોવાથી એના માટે પૉલિસીમાં સુધારો કરવામાં આવે. હૉસ્પિટલોની સુરક્ષાવ્યવસ્થા પણ ઍરપોર્ટ જેવી જ સ્ટ્રિક્ટ હોવી જોઈએ. હૉસ્પિટલોને પણ સેફ ઝોન જાહેર કરીને એની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવામાં આવવાં જોઈએ. દરેક જગ્યાએ ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા હોવા જોઈએ તથા સિક્યૉરિટી ગાર્ડ્સ તહેનાત કરવા જોઈએ.


કલકત્તામાં નરાધમની હેવાનિયતનો શિકાર બનેલી ડૉક્ટર ૩૬ કલાકની શિફ્ટ કરીને આરામ કરવા ગઈ હતી. તેને આરામ કરવા સેફ અને પ્રૉપર જગ્યાનો અભાવ હતો એ દર્શાવે છે કે ડૉક્ટરો કેવી કન્ડિશનમાં કામ કરે છે. એમાં સુધારો થવો જોઈએ.

ચોક્કસ સમયગા‍ળામાં આ કેસની ઝીણવટભરી તપાસ કરવામાં આવે અને એને ન્યાય આપવામાં આવે. કલકત્તાની હૉસ્પિટલમાં તોડફોડ કરનારાં અસામાજિક તત્ત્વોને ઓળખી કાઢી તેમને કડકમાં કડક સજા આપીને દાખલો બેસાડવામાં આવે. પીડિતાના પરિવારને યોગ્ય અને સન્માનજનક વળતર આપવામાં આવે.  

આજની આ સ્ટ્રાઇકમાં હોમિયોપેથિક ઇન્ટિગ્રેટેડ મેડિકલ અસોસિએશન (મહારાષ્ટ્ર) પણ જોડાયું છે અને એણે કલકત્તાના દોષીને ફાંસની સજા કરવાની અને ડૉક્ટરોની સુરક્ષા બાબતે સરકારે ધ્યાન આપીને જરૂરી નિર્ણય લેવાની માગણી કરી છે.

 

 

Whatsapp-channel Whatsapp-channel

17 August, 2024 06:34 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK