તેની સાસુએ બે વાર ફરિયાદ કરી હોવા છતાં પોલીસે કાર્યવાહી નહોતી કરી, તેમનું કહેવું છે કે જો ત્યારે ઍક્શન લેવાઈ હોત તો આ ઘટના ન બની હોત: આરોપીના ઘૃણાસ્પદ ચારિયની દરરોજ બહાર આવી રહી છે નવી-નવી વાતો
પ્રતીકાત્મક તસવીર
આખા દેશને હચમચાવી નાખનારા કલકત્તાની ડૉક્ટર પર રેપ-મર્ડરના આરોપી સંજૉય રૉયના ઘૃણાસ્પદ ચારિયની રોજ નવી-નવી વાતો બહાર આવતી જાય છે. હવે તેની સાસુ દુર્ગાદેવીએ આરોપ કર્યો છે કે સંજૉયે ગયા વર્ષે તેની ત્રણ મહિનાની પ્રેગ્નન્ટ વાઇફ પર પણ અત્યાચાર ગુજાર્યો હતો. તેમણે આની ફરિયાદ પોલીસને કરી હતી, પણ કોઈ ઍક્શન લેવાઈ નહોતી. દુર્ગાદેવીનું કહેવું છે કે જો પોલીસે તેમની ફરિયાદ પર ધ્યાન આપીને કાર્યવાહી કરી હોત તો આજે કદાચ આ ડૉક્ટર સાથે આવી ઘટના ન બની હોત.
આરોપીની સાસુએ કહ્યું હતું કે ‘મેં ગયા વર્ષે મે મહિનામાં અને ૨૦૨૨ના ઑગસ્ટ મહિનામાં સંજૉય વિરુદ્ધ પોલીસ-ફરિયાદ નોંધાવી હતી, પણ પોલીસવાળા સાથેની તેની ઊઠ-બેસને લીધે આ બન્ને કેસમાં કોઈ કાર્યવાહી કરવામાં નહોતી આવી. જો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હોત કે પછી તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હોત તો આ ઘટના ન બની હોત’
ADVERTISEMENT
દુર્ગાદેવીએ વધુમાં કહ્યું કે ‘ગયા વર્ષે તેણે મારી દીકરી પ્રેગ્નન્ટ હોવા છતાં તેને માર માર્યો હતો અને એને લીધે તેણે બાળક ગુમાવવું પડ્યું હતું. સંજૉયે પોતે કલકત્તા પોલીસ સાથે કામ કરે છે એવું કહીને તેણે મારી દીકરી સાથે લગ્ન કર્યાં હતા.’
આ ઘટનાના અમુક મહિના બાદ સંજૉયની પત્નીનું કૅન્સરને લીધે અવસાન થયું હતું. આ તેની ચોથી પત્ની હતી. આરોપી સંજૉય રૉય પર લોકોના પૈસા પડાવવાનો પણ આરોપ છે. તેના પાડોશીઓનું કહેવું છે કે કૉન્સ્ટેબલની નોકરી અપાવવા માટે તે લોકો પાસેથી બે લાખ રૂપિયા પડાવતો હતો.