કલકત્તાના બળાત્કાર-મર્ડર કેસમાં સુપ્રીમ કોર્ટે હૉસ્પિટલ પ્રશાસન, બંગાળ સરકાર અને પોલીસને લગાવી ફટકાર; ડૉક્ટરોની સુરક્ષાના મામલે નૅશનલ ટાસ્ક ફોર્સના ગઠનની જાહેરાત કરીને કહ્યું...
ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ડી. વાય. ચંદ્રચૂડ (વચ્ચે) તથા જસ્ટિસ જે. બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બૅન્ચે ગઈ કાલે કલકત્તાના કેસમાં સુનાવણી શરૂ કરી હતી
CBIને ૨૨ ઑગસ્ટ સુધીમાં સ્ટેટસ રિપોર્ટ જમા કરવાનો તથા વચગાળાનો રિપોર્ટ ત્રણ અઠવાડિયાંમાં અને આખો રિપોર્ટ બે મહિનામાં આપવાનો આદેશ
કલકત્તાની આર. જી. કર હૉસ્પિટલમાં ૩૧ વર્ષની ટ્રેઇની ડૉક્ટર પર બળાત્કાર કર્યા બાદ તેની કરપીણ હત્યા કર્યાના કેસમાં સુપ્રીમ કોર્ટે જાતે સંજ્ઞાન લઈને કેસ નોંધ્યો હતો અને ગઈ કાલે એની સુનાવણી વખતે કોર્ટે હૉસ્પિટલ પ્રશાસન, બંગાળ સરકાર અને પોલીસને ફટકાર લગાવી હતી અને ફરજ પરના ડૉક્ટરોની સલામતી માટે નૅશનલ ટાસ્ક ફોર્સનું ગઠન કર્યું હતું જે ત્રણ અઠવાડિયાંમાં વચગાળાનો અને બે મહિનામાં એનો આખો રિપોર્ટ આપશે.
ADVERTISEMENT
કોર્ટે કહ્યું કે ગ્રાઉન્ડ પર ફેરફાર કરવા માટે અમે વધુ એક રેપનો ઇન્તેજાર નહીં કરી શકીએ. કોર્ટે નોંધ્યું હતું કે બંગાળ સરકારે એની સત્તાનો દુરુપયોગ પ્રદર્શનકારીઓ પર ન કરવો જોઈએ. આ કેસમાં તપાસ કરી રહેલી સેન્ટ્રલ એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને એનો રિપોર્ટ ૨૨ ઑગસ્ટ સુધીમાં કોર્ટમાં રજૂ કરવા જણાવવામાં આવ્યું છે. કોર્ટે કૉલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા હતા.
ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ જે. બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બનેલી ત્રણ સભ્યોની બેન્ચે સવાલ ઉઠાવ્યો હતો કે પોલીસ શું કરી રહી હતી? CBI વતી કોર્ટમાં સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલો રજૂ કરી હતી, જ્યારે પશ્ચિમ બંગાળ સરકાર વતી કપિલ સિબલ ઉપસ્થિત રહ્યા હતા.
કોર્ટે કહ્યું હતું કે ‘આ માત્ર કલકત્તાનો ભયાનક કેસ નથી, પણ આખા દેશના ડૉક્ટરોની સુરક્ષાનો મામલો છે. ખાસ કરીને મહિલા ડૉક્ટરોની સુરક્ષા અને તેમના વર્કિંગ અવર્સનો મુદ્દો છે. આ મુદ્દે રાષ્ટ્રીય સહમતી થવી જોઈએ. એ માટે એક નૅશનલ ટાસ્ક ફોર્સ (NTF)ની રચના કરવામાં આવે છે જે બે મહિનામાં ડૉક્ટરોની સુરક્ષા માટે શું પગલાં લેવાં એનો રિપોર્ટ આપશે.’
ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ અને જસ્ટિસ પારડીવાલાએ ટાઇમલાઇનના મુદ્દે સવાલ કર્યા હતા અને પૂછ્યું હતું કે ‘પિતાને શા માટે બેસાડી રાખવામાં આવ્યા? કોની ફરિયાદ પર કેસ નોંધાયો? પિતાને ડેડ-બૉડી કેટલા વાગ્યે આપવામાં આવી?’
એના જવાબમાં કપિલ સિબલે જણાવ્યું હતું કે ‘પિતાને બેસાડી રાખવામાં આવ્યા એ વાતમાં તથ્ય નથી. પિતાની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો છે. પિતાને રાતે ૮.૩૦ વાગ્યે ડેડ-બૉડી સોંપવામાં આવી હતી અને રાતે ૧૧.૪૫ વાગ્યે કેસ નોંધવામાં આવ્યો હતો. ત્યાર બાદ કૉલેજના વાઇસ-પ્રિન્સિપાલે પણ ફરિયાદ નોંધાવી હતી.’
ડેડ-બૉડી સુપરત કર્યાના ત્રણ કલાક બાદ શા માટે ફરિયાદ નોંધવામાં આવી હતી એવો સવાલ કોર્ટે પૂછ્યો હતો. પ્રિન્સિપાલ શું કરતા હતા? ઘટના વહેલી સવારે બની પણ પીડિતાની ડેડ-બૉડી પિતાને છેક રાતે ૮.૩૦ વાગ્યે આપવામાં આવી અને એના ત્રણ કલાક બાદ શા માટે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી એવો સવાલ કોર્ટે પૂછ્યો હતો.
કપિલ સિબલે કોર્ટને જણાવ્યું હતું કે ‘હૉસ્પિટલના લોકોએ જ ફોટોગ્રાફ લીધા હતા. અકુદરતી મૃત્યુનો કેસ તાત્કાલિક નોંધાયો હતો. એ સિવાય જુડિશ્યલ મૅજિસ્ટ્રેટની હાજરીમાં બોર્ડનું ગઠન કરવામાં આવ્યું હતું.’
આ મુદ્દે કોર્ટે કહ્યું હતું કે પીડિતાના પિતાની ગેરહાજરીમાં હૉસ્પિટલે જ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) કરવાની જરૂર હતી.
પીડિતાની ઓળખ, તેના ફોટોગ્રાફ અને વિડિયો વાઇરલ થવા વિશે કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી અને આને ગંભીર બાબત ગણાવી હતી.
કોર્ટે નોંધ્યું હતું કે આ ઘટના વહેલી સવારે બની હોવા છતાં એવું લાગે છે કે કૉલેજના પ્રિન્સિપાલ ડૉ. સંદીપ ઘોષે એને આત્મહત્યાનો કેસ બનાવવાનો પ્રયાસ કર્યો હતો એથી એની તપાસમાં ભારે વિલંબ થવા દીધો હતો. રાજ્ય સરકારે આટલી મોટી ઘટના બની હોવા છતાં તેમની બદલી કરી નાખી હતી.
સ્વાતંયદિનની આગલી રાતે હૉસ્પિટલમાં મોટા પાયે થયેલી તોડફોડ બાબતે પણ કોર્ટે નોંધ લઈને જણાવ્યું હતું કે ‘રાજ્ય સરકારે આ બાબતે ભારે લાપરવાહી દેખાડી છે. કાયદો અને પરિસ્થિતિ જાળવવાની જવાબદારી રાજ્ય સરકારની છે, પણ એણે હડતાળ પર ઊતરેલા ડૉક્ટરોની સલામતી માટે કંઈ કર્યું નહોતું.’
ડૉ. સંદીપ ઘોષ સામે ભ્રષ્ટાચારના કેસની તપાસ માટે SITની રચના
કલકત્તાની આર. જી. કર હૉસ્પિટલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ ડૉ. સંદીપ ઘોષ સામે જૂન મહિનામાં નોંધવામાં આવેલા ભ્રષ્ટાચારના કેસની તપાસ માટે હવે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. SITના વડા ઇન્સ્પેક્ટર જનરલ પ્રણવ કુમાર રહેશે, જ્યારે તેના બીજા મેમ્બરોમાં ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ સૈયદ વકાર રઝા, કલકત્તા પોલીસનાં ડેપ્યુટી કમિશનર ઇન્દિરા મુખરજી અને ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટના સોમા મિત્રાદાસનો સમાવેશ છે. ડૉ. ઘોષ સામે નાણાંની ઉચાપતનો કેસ નોંધાયો છે.
નૅશનલ ટાસ્ક ફોર્સમાં કોણ હશે?
નૅશનલ ટાસ્ક ફોર્સમાં સર્જ્યન વાઇસ ઍડમિરલ આર. સરીન, ડૉ. ડી. નાગેશ્વર રેડ્ડી, ડૉ. એમ. શ્રીનિવાસ, ડૉ. પ્રતિમા મૂર્તિ, ડૉ. ગોવર્ધન દત્ત પુરી, ડૉ. સૌમિત્ર રાવત, પ્રો. અનીતા સક્સેના, પ્રો. પલ્લવી સપ્રે અને ડૉ. પદ્મા શ્રીવાસ્તવનો સમાવેશ છે.