મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર બનાવવામાં આવ્યાના પાંચ દિવસ બાદ વિખવાદ : કિન્નર અખાડાના સંસ્થાપક અજય દાસે મમતા કુલકર્ણી અને આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને પદો પરથી હટાવ્યાં
આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મી નારાયણ ત્રિપાઠી અને મમતા કુલકર્ણી
મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર બનાવવામાં આવ્યાના પાંચ દિવસ બાદ વિખવાદ : કિન્નર અખાડાના સંસ્થાપક અજય દાસે મમતા કુલકર્ણી અને આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને પદો પરથી હટાવ્યાં, તેમણે કહ્યું કે તેઓ માર્ગ પરથી ભટકી ગયાં છે : લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ કહ્યું કે, અજય દાસ ચરિત્રહીન, તેમને તો અખાડામાંથી કાઢી મૂકવામાં આવ્યા છેઃ અખાડા પરિષદના અધ્યક્ષે કહ્યું અમે અજય દાસને જાણતા નથી, અમે લક્ષ્મી નારાયણ ત્રિપાઠી સાથે
પોતાને કિન્નર અખાડાના સંસ્થાપક જણાવનારા ઋષિ અજય દાસે દાવો કર્યો હતો કે મેં કિન્નર અખાડાનાં આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મી નારાયણ ત્રિપાઠી અને નવનિયુક્ત મહામંડલેશ્વર મમતા કુલકર્ણીને તેમનાં પદો પરથી હટાવી દીધાં છે. તેમણે કહ્યું હતું કે મમતાને મહામંડલેશ્વર બનાવવામાં પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું નથી, વળી જેના પર દેશદ્રોહનો આરોપ હોય તેને મહામંડલેશ્વર કેવી રીતે બનાવવામાં આવી શકે?
ADVERTISEMENT
લક્ષ્મી નારાયણ ત્રિપાઠીના મુદ્દે બોલતાં અજય દાસે કહ્યું હતું કે મેં તેમને કિન્નર સમાજના ઉત્થાન અને ધર્મના પ્રસાર-પ્રચાર માટે આચાર્ય મહામંડલેશ્વર બનાવ્યા હતા પણ તેઓ માર્ગ પરથી ભટકી ગયા હોવાથી મારે આ પગલું લેવું પડ્યું છે; આ કોઈ બિગ બૉસનો શો નથી, જેને કુંભના એક મહિના માટે ચલાવવામાં આવે.
કિન્નર અખાડાના સંસ્થાપક અજય દાસ
શું કહ્યું લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ?
અજય દાસના દાવાને ફગાવી દેતાં લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ કહ્યું હતું કે ‘મને અખાડામાંથી કાઢનારા તે કોણ છે? મેં જ તેમને ચરિત્રહીનતાના કારણે ૨૦૧૭માં કિન્નર અખાડામાંથી કાઢી મૂક્યા હતા. તેમનાં કર્મોના કારણે તેમને કાઢી મૂકવામાં આવ્યા હતા. તેઓ વ્યક્તિગત સ્વાર્થ માટે હવે આમ કહી રહ્યા છે. ૨૦૧૫-૧૬ના ઉજ્જૈન કુંભમાં ૨૨ પ્રદેશોના કિન્નરોને બોલાવીને અખાડો બનાવવામાં આવ્યો હતો અને એમાં મને આચાર્ય મહામંડલેશ્વર તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. એ સમયે અજય દાસ અમારી સાથે હતા. ૨૦૧૭માં તેમણે લગ્ન કર્યાં અને ઉજ્જૈનનો આશ્રમ વેચીને પૈસા લઈને મુંબઈ જતા રહ્યા હતા. તેમને એક દીકરી પણ છે, તેઓ સંન્યાસી જ નથી. જો તેઓ સંસ્થાપક હતા તો કિન્નર અખાડામાં રહ્યા હોત, તેઓ કમ્પ્યુટર બાબાના આશ્રમમાં શું કરી રહ્યા છે? અમે વકીલ સાથે વાતચીત કરી રહ્યા છીએ, તેમની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
અખાડા પરિષદ લક્ષ્મી ત્રિપાઠી સાથે
અખાડા પરિષદના અધ્યક્ષ રવીન્દ્ર પુરીએ કહ્યું હતું કે ‘અમે લક્ષ્મી નારાયણ ત્રિપાઠી સાથે છીએ, અજય દાસ કોણ છે? અમે તેને જાણતા નથી. તેઓ કદી સામે આવ્યા નથી અને હવે એકાએક ક્યાંથી આવ્યા છે? અખાડા પરિષદ તેમની સામે પગલાં લેશે.’
કિન્નર અખાડાના સંસ્થાપકે શું કહ્યું?
કિન્નર અખાડાના સંસ્થાપક મહંત દુર્ગાદાસે કહ્યું હતું કે ‘કોઈના કહેવાથી કોઈને કાઢી શકાય નહીં. અજય દાસના કહેવાથી કંઈ થતું નથી. અમે બધા કિન્નર અખાડા સાથે છીએ. ડૉ. લક્ષ્મી નારાયણ ત્રિપાઠી અમારી આચાર્ય મહામંડલેશ્વર છે અને આગળ પણ રહેશે.’

