રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયાના ચીફે કહ્યું કે એક પણ આરોપ પુરવાર થશે તો ફાંસીએ લટકી જઈશ : પહેલવાનોના સમર્થનમાં મોટી સંખ્યામાં ખેડૂતો આગળ આવતાં દિલ્હી પોલીસે જંતરમંતર ખાતે સુરક્ષા વધારી
જંતરમંતરમાં ખેડૂતનેતા રાકેશ ટિકૈત સાથે મહિલા પહેલવાનો સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ.
ગઈ કાલે જંતરમંતર પર ધરણાં પ્રદર્શન કરી રહેલા પહેલવાનોને ખેડૂતોએ પોતાનો ટેકો આપ્યો હતો. બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક જેવા પહેલવાનો રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયાના ચીફ બ્રિજભૂષણના વિરોધમાં આંદોલન કરી રહ્યા છે. ખાપ પંચાયતે ગઈ કાલે બીજેપીના સંસદસભ્ય બ્રિજભૂષણની ૧૫ દિવસની અંદર ધરપકડ કરવા માટે કેન્દ્ર સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું. ગઈ કાલે દિલ્હી પોલીસે મોટી સંખ્યામાં ટીકરી ખાતે ખેડૂતોને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ સફળ થઈ શક્યા નહોતા. સંયુક્ત કિસાન મોરચાના પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશના નેતાઓ પહેલવાનોના સમર્થનમાં પહોંચ્યા હતા.
એક તરફ દિલ્હીના જંતરમંતર ખાતે વિરોધ-પ્રદર્શન કરી રહેલા પહેલવાનોના સમર્થનમાં ખેડૂતો આવી રહ્યા છે જેને કારણે સુરક્ષાને પણ કડક કરવામાં આવી રહી છે. બીજી તરફ રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયાના ચીફ અને બીજેપીના એમપી બ્રિજભૂષણ શરણ સિંહે કહ્યું હતું કે મહિલા પહેલવાનો સાથે જાતીય સતામણીનો એક પણ આરોપ જો પુરવાર થશે તો હું ગળે ફાંસો લઈ લઈશ. એક વિડિયો સ્ટેટમેન્ટમાં તેમણે કહ્યું હતું કે આ મામલે દિલ્હી પોલીસ તપાસ કરી રહી હોવાથી જાહેરમાં હું બધું કહી શકતો નથી.
ADVERTISEMENT
દરમ્યાન શનિવારે ભારતીય કિસાન યુનિયનના રાકેશ ટિકૈતે કહ્યું હતું કે ‘બ્રિજભૂષણની ધરપકડ મામલે ખેડૂતો પહેલવાનોની સાથે છે. બ્રિજભૂષણની ધરપકડ થવી જ જોઈએ.’ ખાપ પંચાયતના પ્રુમખ ચૌધરી સુરેન્દ્ર સોલંકીએ કહ્યું હતું કે જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડત ચાલુ રાખીશું. ખેડૂતોએ સાથ આપવાની ઘોષણા કરતાં દિલ્હી પોલીસ સતર્ક થઈ રહી છે. દિલ્હી આવતાં તમામ વાહનોની ચકાસણી કરવામાં આવી રહી છે.