ખાલિસ્તાની લીડર અમ્રિતપાલના ખતરનાક બદઇરાદા બહાર આવી રહ્યા છે: મોટી સંખ્યામાં હથિયારો રિકવર કરવામાં આવ્યાં
અમ્રિતસરથી લગભગ ૪૫ કિલોમીટરના અંતરે આવેલા જલ્લુપુર ખેરા ગામમાં ગઈ કાલે અમ્રિતપાલ સિંહના ઘર પાસેથી પસાર થતા પંજાબ પોલીસના જવાનો.
પંજાબ પોલીસે શનિવારના પોતાના ઑપરેશનને આગળ વધારીને ગઈ કાલે પણ ખાલિસ્તાની લીડર અમ્રિતપાલ સિંહને પકડવા વ્યાપક શોધ કરી હતી. પોલીસે તેના સાગરિતોની પાસેથી મોટી સંખ્યામાં હથિયારો અને વિસ્ફોટકો રિકવર કર્યાં છે. અમ્રિતપાલને પકડવા માટે વ્યાપક સર્ચ ઑપરેશન શરૂ કરવામાં આવ્યું છે. તે શનિવારે સાંજે જલંધરમાં એક બાઇક પર ભાગી જતો જોવા મળ્યો હતો. આ ખાલિસ્તાની લીડરના ફાઇનૅન્સને હૅન્ડલ કરતા દલજિત સિંહ કલસીની પણ હરિયાણાના ગુરુગ્રામમાંથી ગઈ કાલે સવારે ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે વધુ એક ખુલાસો કર્યો છે કે અમ્રિતપાલે આનંદપુર ખાલસા ફોર્સ નામથી પોતાની પ્રાઇવેટ આર્મી બનાવવાની તૈયારી કરી હતી. અમ્રિતસર રૂરલના એસએસપી સતિન્દર સિંહે જણાવ્યું હતું કે અમ્રિતપાલના એક નજીકના સાથીની પાસેથી ૧૦૦થી વધુ ગેરકાયદે કાર્ટિજ મળી હતી. હવે અમ્રિતપાલની વિરુદ્ધ નૅશનલ સિક્યૉરિટી ઍક્ટ પણ લાગુ થઈ શકે છે. અમ્રિતપાલને વિદેશોમાંથી ફન્ડિંગ મળતું હોવાની પોલીસને શંકા છે.
ADVERTISEMENT
ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ (જલંધર રૅન્જ) સ્વપન શર્માએ શનિવારે અમ્રિતપાલને પકડવા માટે કરાયેલા હાઈ સ્પીડ ચૅઝની વિગતો ગઈ કાલે શૅર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ‘પોલીસ જ્યારે પણ કોઈ ઍક્શન કરે છે ત્યારે એ દરમ્યાન સામાન્ય લોકોને સેફ રાખવા પણ જરૂરી છે. આ ઑપરેશનમાં પણ એમ જ કરવામાં આવ્યું છે. અમારી દૃષ્ટિએ તો આ ઑપરેશન સફળ રહ્યું હતું, કેમ કે અમે પહેલાં અમ્રિતપાલના કાફલાનો પીછો કર્યો હતો. તેના અનેક સાગરિતોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસેથી હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યાં છે. છથી સાત બાઇક અમ્રિતપાલની કારની સાથે ટકરાઈ હતી. વાસ્તવમાં એ બાઇક્સ પર આવેલા લોકોએ અમ્રિતપાલને ભાગવામાં મદદ કરી હોય એમ જણાય છે. કેટલાક બાઇકસવારોએ પોલીસનું ધ્યાન ભટકાવ્યું હતું. અમ્રિતપાલ સહિત ચાર જણ કારમાં હતા. આ ચારેય અત્યારે ફરાર છે.’
અધિકારીઓ અનુસાર પાકિસ્તાનની આતંકવાદને પ્રોત્સાહન આપતી જાસૂસી એજન્સી આઇએસઆઇ વિદેશોમાં રહેતા અલગતાવાદી સિખ નેતાઓની મદદથી પંજાબમાં ઉગ્રવાદને મજબૂત કરવાનું સતત કાવતરું રચી રહી છે. આઇએસઆઇએ આ જ બદઇરાદાથી અમ્રિતપાલ સિંહને ભારતમાં પાછો મોકલ્યો હતો.
આ પણ વાંચો: અમૃતપાલ સિંહ સહિત 6ની ધરપકડ, પંજાબમાં ઈન્ટરનેટ બંધ
૩૦ વર્ષનો અમ્રિતપાલ દુબઈમાં એક ટ્રક ડ્રાઇવર હતો. વિદેશોમાં રહેતા ખાલિસ્તાની સપોર્ટર્સની મદદથી આઇએસઆઇએ સૌપ્રથમ તેનામાં કટ્ટરતાનાં બીજ રોપ્યાં હતાં, જેથી તે પંજાબમાં ફરી ઉગ્રવાદનો અંધકારમય સમય પાછો લાવી શકે.
અમ્રિતપાલ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માનને ધમકી આપીને ખાલિસ્તાનની રચના કરવા વિશે જાહેરમાં સ્ટેટમેન્ટ્સ આપતો હતો. તે ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધી અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બેઅંત સિંહની આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલી હત્યાઓ વિશે વાત કરતો રહેતો હતો.
ઇન્દિરા ગાંધીની તેમના જ સિક્યૉરિટી ગાર્ડ દ્વારા હત્યા કરવામાં આવી હતી, જ્યારે બેઅંત સિંહની માનવ બૉમ્બ તરીકે હુમલો કરનારા દિલાવર સિંહ દ્વારા હત્યા કરવામાં આવી હતી. અમ્રિતપાલે દાવો કર્યો હતો કે પંજાબની અત્યારની સ્થિતિમાં અનેક દિલાવર રેડી છે.
ફ્લૅગ માર્ચ કરી, ઇન્ટરનેટ સર્વિસ બંધ
પંજાબ પોલીસ અને રૅપિડ ઍક્શન ફોર્સે ગઈ કાલે જુદાં-જુદાં સ્થળોએ ફ્લૅગ માર્ચ કરી હતી. બથિંડાના એસએસપી ગુલનીત સિંહ ખુરાનાએ કહ્યું હતું કે ‘પોલીસે ગઈ કાલે જુદાં-જુદાં સ્થળોએ ફ્લૅગ માર્ચ કરી હતી, જેથી લોકોને વિશ્વાસ આવે કે સ્થિતિ નિયંત્રણમાં છે.’ દરમ્યાન પંજાબ સરકારે સમગ્ર રાજ્યમાં વધુ ૨૪ કલાક માટે મોબાઇલ ઇન્ટરનેટ સર્વિસને બંધ રાખવાનો ગઈ કાલે નિર્ણય કર્યો હતો. સમગ્ર રાજ્યમાં અત્યારે અજંપાભરી સ્થિતિ છે.